1.18 - સાચવ મને / વિવેક કાણે ‘સહજ’


મનના બહુ અંગત ખૂણે સાચવ મને
જેમ કૃષ્ણાને વસે માધવ મને

વારતા તો બે જ લીટીની હતી
જીવતાં લાગી ગયો એક ભવ મને

દમ-બ-દમ ઝીણી સિતારી બોલતી
દમ-બ-દમ ગૂંજે છે કેકારવ મને

ક્યારનો તું આવું આવું થાય છે
ક્યારનો પડઘાય છે પગરવ મને

વાત છે, શ્રોતા છે, સરવા કાન છે
તો ‘સહજ’ શાની હવે અવઢવ મને?


0 comments


Leave comment