1.23 - મારાથી નહીં બને / વિવેક કાણે ‘સહજ’
સૂરજને ઊગતાં રોકવું, મારાથી નહીં બને
પહેલા પ્રણયને ડામવું, મારાથી નહીં બને
તારો વિષય છે પ્રેમનો, એ તું કરી શકે
મારું તો એમાં શું ગજું, મારાથી નહીં બને
લાયક નથી હું જીવવા, એ નિર્વિવાદ છે
દેખાવ, દંભ ને બધું, મારાથી નહીં બને
મસ્તક વધેરી એકદા, ચરણે ધરી દઉં
મરવું આ રોજ રોજનું, મારાથી નહીં બને
ઓછો પડે પ્રકાશ તો, એ તારો પ્રશ્ન છે
બન્ને તરફથી પેટવું, મારાથી નહીં બને
0 comments
Leave comment