1.26 - ભોળો ભોઈ જાણે / વિવેક કાણે ‘સહજ’


એ ‘સહજ’ની પાલખીનો, કોઈ ભોળો ભોઈ જાણે
કે સુગંધને આ ફૂલો, કઈ રીતે ઢોઈ જાણે

આ નયનને શું ગતાગમ, એ તો માત્ર રોઈ જાણે
કાં'તો બાપને ખબર છે, કે વહાલસોઈ જાણે

આ ઉઘાડવાસ વચ્ચે, કંઈ ભાસ જેવું શું છે ?
કોઈ આંખ ખોડી રાખે, તો કદાચ જોઈ જાણે

આ અમોઘ અસ્ત્ર જેવું, અનિમિત્ત હાસ્ય એનું
અને આપણું ય હારી જવું જાણી જોઈ જાણે

કઈ જાતની કરામત, આ ‘સહજ' રમત છે કેવી
નથી આમ તો કશે પણ, ને બધે જ હોઈ જાણે


0 comments


Leave comment