1.27 - સદા સતર્ક રહેશે / વિવેક કાણે ‘સહજ’


છે નવા સમયના કંસો, એ સદા સતર્ક રહેશે
હવે કોઈ દેવકીને, ન ફરીથી ગર્ભ રહેશે

આ પ્રવાસ ઘાટનો છે, અને નાગમોડી રસ્તા
અહીં ક્યાંક શૃંગ રહેશે, અહીં ક્યાંક ગર્ત રહેશે

એ પ્રથમ મિલન સમયનું, અનિમિત્ત હાસ્ય ચિત્તે
અને રોમેરોમે અકબંધ, મૃદુ પહેલો સ્પર્શ રહેશે

તું ‘સહજ’ ગયા પછી શું, એ વિચારશું પછીથી
તું સમક્ષ જ્યાં સુધી છે, અહીં એક પર્વ રહેશે


0 comments


Leave comment