61 - સ્હેજમાં અત્તરની શીશી જેમ ઢોળાઈ ગયો / ચિનુ મોદી


સ્હેજમાં અત્તરની શીશી જેમ ઢોળાઈ ગયો
એ રીતે પથ્થરની સાથે દોસ્ત, જોડાઈ ગયો.

ઓસની ચાદર, પથારી પુષ્પની પામ્યા પછી
શબ્દની મારી સફરમાં હું વગોવાઈ ગયો.

કેશવાળી એકસરખી ઊછળે છે અશ્વની
જોતજોતાંમાં જ તો અસ્વાર લોપાઈ ગયો.

રેશમી, લીસ્સી મૃદુ તારી હથેળીમાં પવન
મારી જેમ જ આવ્યો ને કાયમનું રોકાઈ ગયો.

પાણીનું આ પોટલું પધરાવવા શોધું નાડુ
એમને એમ જ અરે, ‘ઇર્શાદ’ શોષાઈ ગયો.


0 comments


Leave comment