1.28 - મત્લાથી આપું જ્ઞાન / વિવેક કાણે ‘સહજ’
શું છે રદીફો-કાફિયા, મત્લાથી આપું જ્ઞાન
શ્રોતા થઈ જા સાબદો, ને સાંભળ દઈ કાન
છંદ, રદીફો-કાફિયા, કેવળ ઈંટ સમાન
સાથ ભળે જ્યાં શેરિયત, ત્યારે બને મકાન
પ્રેરી ઉત્કંઠા, ઉલા મિસરો પકડે બાન
ચોટ સહિત સાની પછી, સાધે શર-સંધાન
વક્રોક્તિ કે વ્યંજના, હો તો ભરે ઉડાન,
શેર બની શકતું નથી, સીધું સરળ વિધાન
એક શેર પણ કાળજે, જન્માવે તોફાન
શાયર પામી જાય છે લોકહૃદયમાં સ્થાન
લાગે જેના અર્થમાં, ઓગળતું ઉપનામ
એ જ શેરને તું ‘સહજ’, સાચો મક્તા માન
0 comments
Leave comment