1.30 - કોની કોની નજરો ટાળો ? / વિવેક કાણે ‘સહજ’


વૃક્ષો, પર્ણો, ફૂલો, ડાળો
કોની કોની નજરો ટાળો ?

માણસથી ઉભરાતા શ્હેરો
બહેરા-મૂંગાની નિશાળો

પૂરતાં પૂરતાં જીવતર ખૂટ્યું
આવક-જાવકનો વચગાળો

શબ્દ તણખલાં જેવા ક્યાં, કે
ગોઠવતામાં થઈ ગ્યો માળો?

કાં વહેવા દો લોહીના આંસુ
શબ્દવટું કાં માંડી વાળો

કણ હસવાનું, મણ રોવાનું
એમ મળે જીવતરનો તાળો

બાળસહજ ખેંચાણ ‘સહજ’નું
ધૂન વગાડે પાવાવાળો


0 comments


Leave comment