1.32 - સજદાની માફક જોઉં છું / વિવેક કાણે ‘સહજ’
શબ્દની આ સાધના, સજદાની માફક જોઉં છું
હું ગઝલને ષોડશી મુગ્ધાની માફક જોઉં છું
તું કહે કે ઈંટ પથ્થરનો છે સપનાંનો મહેલ
હું કડડભૂસ થઈ જતો પત્તાની માફક જોઉં છું
આ પહાડોના પહાડો, જે અચળ લાગ્યા હતા,
તૂટતા હું એમને શ્રદ્ધાની માફક જોઉં છું.
તું જે વર્ણવતો, કે સીધો માર્ગ છે તારા સુધી
નાગમોડી, ઘાટના રસ્તાની માફક જોઉં છું
જા, શિખર પર પહોંચવાની જીદ, પ્રથમ તું પૂર્ણ કર
હું ગઝલ-સર્જનને ક્યાં સ્પર્ધાની માફક જોઉં છું ?
તેં તો ફિલ્માવી દીધો, આખરનો એપિસોડ પણ
હું અહીં પ્રત્યેક દી, હપ્તાની માફક જોઉં છું
શેર સૌ ભેગાં મળી, વર્તુળ રચે છે એટલે
હું ‘સહજ' હર શેરને મક્તાની માફક જોઉં છું.
0 comments
Leave comment