1.34 - હિંડોળે ફરીથી / વિવેક કાણે ‘સહજ’


સજી શણગાર લે સોળે ફરીથી
ગઝલ બેઠી છે હિંડોળે ફરીથી

સમય સદીઓ પુરાણો થાક ધોવા
ચરણ ઝાકળમાં ઝબકોળે ફરીથી

તમાશાની નવા, અટકળ લગાવી
વળ્યું છે લોક પણ ટોળે ફરીથી

મળી છે આંખ જ્યાં વર્ષો પછી ત્યાં
મને આ કોણ ઢંઢોળે ફરીથી ?

ફરી આવી ગયો લે, સમ ઉપર હું
લીધો મેં જન્મ ચકડોળે ફરીથી

વિધિને કહો કે મારું ભાગ્ય લખવા
કલમ સૂરજમાં જઈ બોળે ફરીથી

‘સહજ’ બેસી ગયા મહેફિલ જમાવી
ભલે ઊછળે અમલ છોળે ફરીથી


0 comments


Leave comment