1.35 - શબ્દોમાં / વિવેક કાણે ‘સહજ’
પ્રથમ તું મૌનને આપી જો ઘાટ શબ્દોમાં
કશું બને, તો પછી માંડ વાત શબ્દોમાં
તું માત્ર હૈયામાં મારા સ્મરણને તાજું કર
નિખાર આવી જશે આપોઆપ શબ્દોમાં
ઘડીક થોભ, ને વૃક્ષોની પ્રાર્થના સાંભળ
જપે છે વ્યર્થ તું ઈશ્વરનું નામ શબ્દોમાં
આ તારું મૌન, પછી બહુ અસહ્ય લાગે છે
કરી તો દઉં છું તને લાજવાબ શબ્દોમાં
ધરાનો વ્યાપ તું પગલાં ગણીને માપ્યા કર
અમે સમેટી લીધું આખું આભ શબ્દોમાં
પછી એ લેખ તને પૂછી પૂછીને લખશે
વિધિને કહી દે ‘સહજ’ સાફ સાફ શબ્દોમાં
0 comments
Leave comment