1.40 - મેં જ સ્વયં ઠારી છે / વિવેક કાણે ‘સહજ’
મારા સપનાની ચિતા, મેં જ સ્વયં ઠારી છે
દૈવને કહી દો, જીવન જંગ હજી જારી છે
ડંખમાં, પીડામાં, કડવાશમાં નાવીન્ય તો હો !
એકના એક સવાલોની મગજમારી છે
ન્યાય, ખટલો, ને ચુકાદો ને બધું શા માટે ?
મેં તો જીવનની સજા જન્મથી સ્વીકારી છે
ઘાવ કોઈ, ન કોઈ દુર્ઘટના મુદતથી
શી ખબર મનમાં ઉપરવાળાએ શું ધારી છે ?
પાસ જે કંઈ હો લૂંટાવો, તો પછી પ્રેમ મળે
કેવો વ્યવહાર છે, ક્યાંની આ સમજદારી છે?
હોય જાણે કે મિલન આજ ‘સહજ’ આખરનું
એમ માનીને મેં હર રાતને શણગારી છે.
જા ‘સહજ’ ક્યાંક હવે હકની હવા શોધી લે
તું શ્વસે છે જે હવા, એ તો બધી મારી છે
0 comments
Leave comment