3.1 - કવિ અને કઠપૂતળી / વિવેક કાણે ‘સહજ’ / આસ્વાદક : ખલીલ ધનતેજવી


કવિ અને કઠપૂતળી

કશુંક સામ્ય તો છે, સાચેસાચ કઠપૂતળી
તને હું જોઉં, અને જોઉં કાચ કઠપૂતળી

આ તારું નૃત્ય, એ મારી જ કોરિયોગ્રાફી
નચાવું જેમ તને, એમ નાચ કઠપૂતળી

હલનચલન ને આ ચૈતન્ય ખેલ પૂરતું છે
જીવંત હોવાના ભ્રમમાં ન રાચ કઠપૂતળી

સમાન હક, ને વિચારોની મુક્તતાને બધું
જે મારી પાસે નથી, એ ન યાચ કઠપૂતળી

‘સહજ’ નચાવે મને કો'ક ગુપ્ત દોરીથી
ને તારી જેમ છું હું પણ કદાચ કઠપૂતળી

- વિવેક કાણે ‘સહજ’

ગુજરાતી ગઝલ ગુલઝારમાં નીત એક નવું ગુલાબ પોતાની ખૂશબુથી હવાઓને રંગે છે. રોજ એક મોગરો મહોરે છે ને રઝળતી હવાઓમાં નામ-સરનામાં લખી આપે છે. આવાં તો અનેક ફૂલ મહેકે છે ને પવનના શ્વાસ શણગારતા રહે છે. મજાની વાત તો એ કે ગઝલગુલઝારના કોઈ ફૂલને માળીની મોહતાજી નથી. દરેક ફૂલ પોતે જ પોતાની બાગબાની કરે છે. એમને અકાળે ડાળ પરથી ખરી પડવાનો ભય નથી ! દરેકની ખુશબૂ અલગ છે ને ખુશબૂમાં ખાનદાની છે. પ્રત્યેકના રંગ નોખા છે ને રંગોમાં રોનક છે. આમાંના જ ખુશબૂ અને સુગંધ ઉપરાંત ગઝલના ખાનદાની મિજાજ અને મહેક લઈ આવનાર એક ગઝલપુષ્પનું નામ છે વિવેક કાણે ! ‘સહજ' તખલ્લુસથી ગઝલ લખતા વિવેક માત્ર નામથી વિવેક નથી. ગઝલની અદબ જાળવવાનો એનામાં વિવેક પણ છે. બે પંક્તિઓ વચ્ચેની વાબસ્તગી અને વિષયને વાચા આપતા રદીફ-કાફિયા વચ્ચે જળવાતો સમન્વય આપણને મત્લાથી મક્તા સુધી દોરી જાય છે. ‘સહજ'ની સાવ નવા રદીફ-કાફિયાની જુગલબંધી આનંદ આપી જાય છે.
‘કશુંક સામ્ય તો છે સાચેસાચ કઠપૂતળી,
તને હું જોઉં અને જોઉં કાચ કઠપૂતળી !’

અહીં ‘સાચ'ની નીચે ‘કાચ’ ગોઠવીને કાફિયા સાથે મસ્તી કરવાનો કોઈ આશય નથી. ખરેખર તો કાચ અને કઠપૂતળી વચ્ચેના સામ્યને પુરવાર કરવાની કવિની આ કરામત છે. કાચ અને કઠપૂતળીના ગોત્ર પણ જુદા છે – આકાર પણ અલગ છે. છતાં કવિ એ બંને વચ્ચેનું સામ્ય શોધી કાઢે છે ! એ સામ્ય એટલે શું? કવિને કદાચ કંઈક બીજું અભિપ્રેત હોય, પણ મારા મતે એ સામ્ય એટલે બંનેની પારદર્શકતા ! કાચમાં આરપાર બધું દેખાય છે તો પૂતળી પાસે પણ કશું સંતાડવા જેવું કે કશું ઢાંકવા-ઢબૂરવા જેવું નથી. પૂતળીને વિશેષ કોઈ મહોરું નથી. એ જેવી છે એવી જ દેખાય છે. એમાં ક્યાંય કશું છાવરવાપણું નથી. પોતાનું કશું જ સંતાડ્યા વગર આપણી સમક્ષ ઊભી છે ને એ પૂતળી છે એવું આપણને લાગે છે, એ જ એની પારદર્શકતા ! ક્યાં કાચ અને ક્યાં પૂતળી? બંનેનું સામ્ય એ કવિની શોધ છે. કવિકર્મ પણ છે.

‘આ તારું નૃત્ય, એ મારી જ કોરિયોગ્રાફી,
નચાવું જેમ તને, એમ નાચ કઠપૂતળી !’
આ શેરમાં કવિએ ભાવકને ભૂલા પાડવાનું કાવતરું રચ્યું હોય એમ લાગે, પણ એવું નથી. આ શેરમાં ઘણાં બધાં વિષયોનાં ફાંટા ફૂટે છે, એટલે દરેકને ફાવતું આવે ત્યાં ફંટાઈ જવાની છૂટ ! વકીલની કોરિયોગ્રાફીમાં અસીલ અને ડૉક્ટરની કોરિયોગ્રાફીમાં દર્દી નાચતો દેખાય. નેતાઓ તો પોતે પણ અન્યની કઠપૂતળી બનીને નાચે છે ને પ્રજાને આંગળીના ઇશારે નચાવે છે ! આવા અનેક ભાવ જડી આવે એવો આ માતબર શેર છે.

‘હલનચલન ને આ ચૈતન્ય ખેલ પૂરતું છે?’
જીવંત હોવાના ભ્રમમાં ન રાચ કઠપૂતળી !’
વર્ષો જૂની રેઢિયાળ ભ્રામક્તાના ભુક્કા કરી નાખે એવા આ શેરમાં જિન્દગીનો આબેહૂબ ચહેરો ઊપસી આવે છે ! હલનચલન અને ચૈતન્ય શ્વાસની જ રમત છે. શ્વાસની રમત થંભે એ સાથે જ આખો ખેલ આટોપાઈ જાય ! એ આપણે જાણીએ છીએ છતાં ભ્રમમાં એવા રાચીએ છીએ કે ભ્રામકતા જ જીવન હોવાનું પ્રતીત થાય છે ! એ ભ્રામકતા જ મૃત્યુની વાસ્તવિકતા ભુલાવીને માણસને કપટી, સ્વાર્થી અને વિસ્તારવાદી બનાવે છે! જિન્દગીના ચહેરા પરથી નકાબ હટાવીને માણસની ખાસિયતને શેરિયતના નિયમ પ્રમાણે ઉઘાડી આપવી એ ‘સહજ'નો ખરો કવિકસબ છે.

‘સમાન હક ને વિચારોની મુક્તતા ને બધું
જે મારી પાસે નથી, એ ન યાચ કઠપૂતળી !’
અહીં અભિવ્યક્તિ અથવા કબૂલાતનામા સાથે યાચના – એ બે ચહેરા એક સાથે ઊપસી આવે છે. વાચક અને દાતા બંને લાચાર હોવાનું પુરવાર થાય છે. જીવતરની આ કેવી મૂંઝવણ કે દસ્તેતલબ સામે દસ્તેકરમ પણ લાચાર છે. એ જ તો વર્તમાન સમયની નિયતી છે ! યાચકની ઝોળી માફક દાતાનો હાથ પણ ખાલી છે ! સમાનહક અને મુક્તતા અહીં ક્યાં છે કોઈની પાસે? એ માટે કહેવું પણ કોને? મોઢું ખોલનારને મોતની સજા સિવાય અન્ય કોઈ વિકલ્પ ન હોય ત્યાં સ્વાતંત્ર્ય અને સમાનતાની કલ્પના પણ શી રીતે કરી શકાય ? ગઝલનો મક્તો પણ આ જ વાતને સમર્થન આપે છે !

‘સહજ’ નચાવે મને કોક ગુપ્ત દોરીથી,
ને તારી જેમ છું, હું પણ કદાચ કઠપૂતળી !’
ઉપરના શેરમાં વણાતી દાસ્તાન પર મક્તાનો શેર સંમતિની મહોર મારતાં કબૂલે છે કે તારી, મારી ને આપણા સૌની એક જ પીડા એક જ સ્થિતિ છે. ‘સહજ' ગુપ્ત દોરીની વાત કરે છે, પણ એ ગુપ્ત એટલે કોણ ? કોઈ માણસ? સંપત્તિ? વારસો? કશાનો ભય કે આપણે પોતે જ ઉછેરેલી એષણાઓ ? કોણ નચાવે છે. આપણને ?

કવિએ જેટલી ચીવટથી રદીફ કાફિયાને પકડી રાખ્યા છે એટલી જ માવજત એમની આ મુરસ્સા ગઝલમાં દેખાઈ આવે છે. ઘણી જગ્યાએ જોયું છે કે કાફિયા પર જ વાત પૂરી થઈ જાય છે. એ પછી રદીફની કશી જ આવશ્યકતા ન હોવા છતાં પંક્તિના અંતે ખીંટીએ ભેરવેલા ટુવાલની જેમ રદીફને લટકાવી દેવામાં આવે છે! ‘સહજ’એ રદીફને લટકણિયાની જેમ વાપર્યો નથી. કવિએ રદીફ-કાફિયાની એવી જુગલબંધી રચી આપી છે કે છેક પૂતળી સુધી ન પહોંચો ત્યાં સુધી શેર અધૂરો લાગે. વાત પણ અધૂરી લાગે. અહીં દરેક કાફિયાએ વાત પૂરી કરવાનો અધિકાર રદીફને આપ્યો છે. આવી મુરસ્સા ગઝલ માટે કવિ વિવેક કાણે ‘સહજ’ને ગઝલ ભર્યા અભિનંદન.
– ખલીલ ધનતેજવી


0 comments


Leave comment