3.2 - માનવ વિડંબનાની ગઝલ / વિવેક કાણે ‘સહજ’ / આસ્વાદક : ભગવતીકુમાર શર્મા


દિશા, કે લક્ષ્ય, કે ઉદ્દેશ, છોડ ઉંદરડા
બધાંય દોડે છે અહીં, તું’ય દોડ ઉંદરડા

ગમે તો ઠીક અને ના ગમે તો તારા ભોગ !
આ જિંદગી એ ફરજિયાત હોડ, ઉંદરડા

કોઈને પાડીને ઉપર જવાનું શીખી લે
શિખર સુધીનો પછી સાફ રોડ ઉંદરડા

આ એક-બે કે હજારોની વાત છે જ નહીં
બધાં મળીને છે, છસ્સો કરોડ ઉંદરડા

થકાન, હાંફને સપનાં વિનાની સૂની નજર,
તમામ દોડનો, બસ આ નિચોડ ઉંદરડા

-  વિવેક કાણે ‘સહજ’

ગુજરાતી ભાષાનાં છેક અધુનાતન ગઝલકારોની હરોળમાં મૂળ મરાઠી ભાષી પણ સવાયા ગુજરાતી સિદ્ધ થવા તરફ પ્રયાણ કરી રહેલા વિવેક કાણે ‘સહજ’નું નામ મોખરાની હરોળમાં યોગ્ય રીતે જ ગણાય છે. આધુનિક ગુજરાતી ગઝલની પારાવાર ગતિવિધિઓનાં સદ્અંશોનો સારો લાભ વિવેકભાઈ અને તેમની પેઢીનાં ગઝલકારોને મળતો રહ્યો છે અને ગુજરાતી ગઝલ માટે તેનાં સંતર્પક પરિણામો પણ આવ્યાં છે.

આધુનિક વિશ્વ કવિતાની જેમ ગુજરાતી કવિતા અને ગુજરાતી ગઝલને પણ વિડંબનાપૂર્ણ ભાવ, વિચાર અને ભાષાની અભિવ્યક્તિનો પાસ બેઠો છે. વિવેક કાણેની આ ગઝલને એક જ સંજ્ઞાથી ઓળખવી હોય તો તેને “વિડંબના ગઝલ” કહી શકાય. અહીં ભારોભાર વિડંબના સમગ્ર મનુષ્યજાતિની છે. કવિ બીજી રીતે બહુ આયામી ગણાતા મનુષ્યને છેક ઉંદરડાની કક્ષાએ સયુક્તિક રીતે ઉતારી પાડે છે. આમ જુઓ તો માનવ હયાતીની તુચ્છતાનો કોઈ પાર નથી. વિશ્વ વિખ્યાત લેખક કાફકાએ તેની બહુખ્યાત વાર્તા “ધી મેટામોર્ફસીસ”માં અંતે મનુષ્યનું નર્યું જંતુકરણ સિદ્ધ થતું બતાવ્યું છે. અહીં મનુષ્યની ઉંદરડા સાથેની સરખામણી સપ્રયોજન છે. અંગ્રેજીમાં “Rate Race” શબ્દ ઘણો પ્રચલિત છે. આપણે તેનો પર્યાય “ઉંદર દોડ” અથવા “ચૂહા દોડ” તરીકે અપનાવેલો છે. અહીં માનવહયાતીની તુચ્છતાની સાથે શૂદ્ર મનુષ્યોની આ ઉંદરદોડને પણ વિષયસ્થ કરવામાં આવી છે. મત્લામાં આ ઉંદરદોડની સઘળી નિરર્થકતા અને કેવળ ગતાનુગતિકતા સાવ સાદા શબ્દોમાં તંતોતંત નિરૂપવામાં આવી છે. “ઉંદર દોડ”માંનો “દોડ” શબ્દ મહત્ત્વનો છે. કેમ કે તો જ તેની સાથે ચપોચપ બંધબેસતો “છોડ” કાફિયો પ્રયોજવાનું સુલભ બને છે. મત્લામાં આ બે સિવાયનાં કાફિયાઓને દેખીતી રીતે જ અવકાશ નથી. એ પછીના શેરમાં “તારા ભોગ !” જેવો વિશિષ્ટ કાકુ ધરાવતો શબ્દપ્રયોગ પૂરા ઔચિત્યથી ગોઠવાયો હોઈ, સર્વાધિક ધ્યાન ખેંચે છે.

જ્યાં “Rate Race” હોય ત્યાં બીજાને પાડીને જ આગળ વધી પોતાનો માર્ગ કંડારવાનો હોય અને આ પ્રક્રિયામાં પાછું ફરજિયાતપણાનું તત્ત્વ આવેલું છે એ આ આખીય પરિસ્થિતિની તીવ્રતમ વિડંબના છે. કવિ જે રીતે એક પછી એક શેરોમાં વિડંબનાનો ભાવ જુદાં જુદાં પરિમાણોથી ઘૂંટે છે તે નોંધપાત્ર છે.

આ પૃથ્વીની અત્યારની જનસંખ્યા છ અબજની મુકાય છે. તેમાં હરક્ષણે વધારો જ થાય છે. આ કઠોર વાસ્તવિકતા ધરાવતી વાત ગઝલમાં મુકવા માટે કવિએ બહુ સફળતાથી કાફિયાને કામે લગાડ્યો છે. “કરોડ” કાફિયા વિના આ શેર આ રીતે લખી જ ન શકાય. ગઝલમાં કાફિયાનું સ્થાન કેવું અકાટ્ય હોવું જોઈએ તેનું આ એક રસપ્રદ ઉદાહરણ છે.

અંતિમ શેરમાં કવિએ જાણે કે આખી ગઝલના મુસલસલ ભાવવિશ્વનો, એમનો જ કાફિયો પ્રયોજીએ તો, “નિચોડ” આપી દીધો છે. આ ઉંદર દોડ પણ કેવી અસીમ રીતે વંધ્ય નીવડવાની છે તેનો સ્ફોટ કવિએ “થકાન, હાંફ ને સપનાં વિનાની સૂની નજ૨” એ મિસરા દ્વારા આપી દીધો છે. મનુષ્ય જીવલેણ રીતે ગમે એટલું દોડે, પણ તેની “ઉપલબ્ધિ” તો એટલી જ થકાન, હાંફ અને નિઃસ્વપ્ન નજર. મનુષ્યજાતિની વિડંબના અને આ ગઝલની પણ આ સચોટ પરાકાષ્ટા છે.

વિવેક કાણેની આ ગઝલનું ભાષાકર્મ સવિશેષ ધ્યાનપાત્ર છે. આધુનિક ગઝલે પરંપરાની ગઝલનાં રૂઢ વિષયોને તો ક્યારનાં ય પાછળ મૂકી દીધાં છે અને પરંપરાગત પદાવલિમાંથી પણ આધુનિક ગઝલ આવશ્યકતા પ્રમાણે મુક્ત થઈ છે. વિવેક કાણેની આ ગઝલમાં ક્યાંયે જેને “સાહિત્યિક” કે “કાવ્યમય” કહી શકાય એવો એક પણ શબ્દ નથી. અહીં સુવાળામાં સુંવાળો જો કોઈ શબ્દ હોય તો તે માત્ર “સપના” છે. કવિ આ ગઝલમાં જે વિષયને નિરૂપવા માંગે છે તેને અનુષંગે આવી “અકાવ્યાત્મક” બરછટ પણ વેધક બાની જ પ્રયોજવી પડે, અને ભાષાકર્મની એવી સૂઝ આપણા કવિએ અહીં સુપેરે દાખવી છે.

આમ ભાવ અને ભાષા ઉભય દૃષ્ટિએ આ એક સાચકલી આધુનિક, આજની, અને આવતીકાલની દુનિયાની પરિસ્થિતિની ગઝલ છે.
- અસ્તુ
- ભગવતીકુમાર શર્મા


0 comments


Leave comment