3.3 - વિવેકગીરી / વિવેક કાણે ‘સહજ’ / આસ્વાદક : ભરત ભટ્ટ
દેખાય તું ન ક્યાંય, ને હું દૃશ્યમાન છું
તું મૌનની સ્વરાવલિ, હું વૃંદગાન છું
જોટો ન મારો ક્યાંય ને તું પણ અનન્ય છે
તારા સમાન તું, ને હું મારા સમાન છું
ઝુમરામાં બદ્ધ કોઈ વિલંબિત ખયાલ તું
હું મારવામાં બદ્ધ, કોઈ બોલતાન છું
તારો જ કૃષ્ણ રંગ છે, એવું ન માન તું
વાદળ સમાન હું’ય સહેજ ભીનેવાન છું
તું વિદ્યમાન સૃષ્ટિના કણકણમાં હોય તો
હું પણ એ બે કણોની ‘સહજ’ દરમિયાન છું
- વિવેક કાણે ‘સહજ’
- વિવેક કાણે ‘સહજ’
જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચીને કવિ મુશાયરો યોજે છે. ઈશ્વરની સાથે વાત કરવા કે સંવાદ સાધવા કેટલાય લોકો પ્રયત્ન કરે છે ! એમાંથી કેટલાને સફળતા મળે છે તેનો ઇતિહાસ સાક્ષી છે. પરંતુ કવિ તો સ્વયં ઇતિહાસ રચે છે કવિનું ભીનું હૃદય પરમતત્વ સાથે સંવાદ સાધે છે ત્યારે માત્ર તેની પ્રશંસા કે સ્તુતિ કરવાને બદલે તેને પડકારે છે. કવિહૃદય પોતાની ઓળખ કે અસ્મિતાને પણ એટલું જ ચાહે છે જેટલું પરમેશ્વરને. ખૂબ જ ‘સહજ’ રીતે રજૂ થયેલી આ ખુમારીનું ઉદાહરણ એટલે –
“દેખાય તું ન ક્યાંય, ને હું દૃશ્યમાન છું
તું મૌનની સ્વરાવલિ, હું વૃંદગાન છું.”
ભગવાન, અલ્લાહ, ગૉડ સૃષ્ટિના સર્જનહાર છે. આમ તો એમની સરખામણી કોઈની સાથે કરી ના શકાય. પરમાત્મા તો બેજોડ જ છે. એના જેવી રચના બીજું કોઈ કરી ના શકે. પણ ગઝલકારનું મન જગત કરતાં કંઈ ભિન્ન વિચારવા ટેવાયેલું છે. કવિ ગઝલકાર પોતાની રચનાનો સ્વામી છે. તેનું પણ પોતાનું અલગ વિશ્વ છે. તેણે પણ ઘણી રચનાઓ કરી છે. માટે તે પોતાની જાતને પણ આદરભાવથી જુએ છે. લઘુતાગ્રંથિ કે ગુરુતાગ્રંથિની પેલે પાર જઈને વિવેકપૂર્ણ તર્ક રજૂ થાય ત્યારે આવો શેર બને છે –
“જોટો ન મારો ક્યાંય ને તું પણ અનન્ય છે,
તારા સમાન તું, ને હું મારા સમાન છું.”
સ્પર્ધા એ માનવ નિયતી છે. અગ્નિ કે ચક્રની શોધથી લઈને નેનો ટેકનૉલૉજી સુધી માણસ સ્પર્ધા કરતો આવ્યો છે અને ટકી રહ્યો છે. અમુક લોકો આ ટકી રહેવાના પ્રયાસરૂપે કોઈકનું અપમાન કરે છે અથવા હિંસા આચરે છે. તો કેટલાક લોકો અન્યોને હાનિ પહોંચાડ્યા વગર પોતાની લીટી મોટી કરવામાં મચી રહે છે. પરંતુ ત્રીજો વર્ગ એવો પણ છે કે નાની કે મોટી લીટીની પરવા કર્યા વિના પોતાના કાર્યની ધૂનમાં ખોવાયેલા રહે છે. આવી ધૂનમાંથી જે સંગીત નીપજે છે તે કંઈક આવું હોય છે –
“ઝુમરામાં બદ્ધ કોઈ વિલંબિત ખયાલ તું,
હું મારવામાં બદ્ધ કોઈ બોલતાન છું.”
અમુક વ્યક્તિઓ બહુ જલ્દી બીજાનું પ્રભુત્વ સ્વીકારી લે છે. જ્યારે ઘણાં એવાં ય હોય છે કે જે ક્યારેય કોઈનું દાસત્વ સ્વીકારતા નથી. વિવેક આ પ્રભુત્વ કે દાસત્વને ઓળંગી જઈને – બે અંતિમોની મધ્યમાં રહીને વિશ્વનિયંતા અને પોતાના ભાવવિશ્વને એકબીજાની લગોલગ ગોઠવવાનો પ્રયાસ કરે છે. કવિની આ ‘વિવેકગીરી’ માણવા જેવી છે. ચાલો પલળીએ –
“તારો જ કૃષ્ણ રંગ છે, એવું ન માન તું;
વાદળ સમાન હું’ય સહેજ ભીનેવાન છું.”
યુગોથી સાંભળતાં આવ્યા છીએ કે એ અણુ-અણુમાં અને કણ-કણમાં સમાયેલો છે. એ વિરાટમાં અને સૂક્ષ્મમાં – બધે બિરાજમાન છે. જેનામાં ભક્તિભાવ છે એ બધાં આ સત્ય સ્વીકારે છે. સત્યને સ્વીકારનારા આસ્તિક છે તો જગતમાં નાસ્તિકો પણ છે જ. નાસ્તિકનું પણ પોતાનું અલગ વિશ્વ છે – અલગ સત્ય છે. પરંતુ વિવેક કાણે ‘સહજ’ પોતાને એના પૂરક ગણીને, સમાન ભૂમિકાએ વિહાર કરતાં કહે છે કે –
“તું વિદ્યમાન સૃષ્ટિના કણકણમાં હોય તો;
હું પણ એ બે કણોની ‘સહજ’ દરમિયાન છું.”
આખી ગઝલમાં કંઈ કેટલાંય ઝરણાં ફૂટે છે. ક્યાંક સ્વાભિમાન તો ક્યાંક ખુદ્દારી, કોઈક ઠેકાણે ભક્તિ તો કોઈક મિસરામાં પ્રેમ, કશેક સંગીત તો કશેક ગીત, ક્યાંક પડકાર તો ક્યાંક લલકાર....
આ ભાવઝરણાં ભેગાં મળીને નદી બને છે જેના બે કિનારા ‘હું’ અને ‘તું’ છે. અંતે આ નદી પરમસાગરમાં ભળી જાય છે.
- ભરત ભટ્ટ ‘પવન’
0 comments
Leave comment