3.4 - ધીરે ધીરે ઊઘડતી અનુભૂતિની ગઝલ / વિવેક કાણે ‘સહજ’ / આસ્વાદક : વિવેક મનહર ટેલર


જેમ જેમ સાંજ સરે રાતમાં ધીરે ધીરે
આવતો જાઉં અસલ પાઠમાં ધીરે ધીરે

મારા તલસાટનો અંતિમ છે તબક્કો જાણે
જોતો જાઉં છું તને જાતમાં ધીરે ધીરે

થાય છે સ્પષ્ટ વધારે ને વધારે ચહેરો
એક ભૂંસાતી જતી છાપમાં ધીરે ધીરે

શું છે વ્યક્તિત્ત્વ, શું ઓળખ છે નવાગંતુકની
ખૂલતું જાય છે પદચાપમાં ધીરે ધીરે

નામ લેશે નહીં મારું કે તમારું ને ‘સહજ’
એ વણી લેશે બધું વાતમાં ધીરે ધીરે

- વિવેક કાણે ‘સહજ’

ગઝલ આજે પ્રતિષ્ઠિત મોભો પામી ચૂકી છે ત્યારે જેમ ક્યારેક સૉનેટનો તેમ આજે ગઝલનો પણ અતિરેક થઈ રહ્યો છે. છંદ-રદીફ-કાફિયાની તુકબંધી જાણનાર દરેક ગઝલ કહેતા થઈ ગયા હોય એવા વખતે પોતાનો અલગ અવાજ જાળવી રાખવું ઘણું દોહ્યલું બની રહે છે. આવામાં કવિ શ્રી વિવેક કાણે ‘સહજ' પોતાના અસલ પાઠને ભલે ધીરે ધીરે પણ સાંગોપાંગ સાચવી શક્યા છે એ ગુજરાતી ગઝલનું સદનસીબ. ગઝલમાં છંદ અને રદીફની પસંદગી કવિના મિજાજનું પોત ખોલી આપે છે. ગાલગા ગાલલગા ગાલલગા ગાલલગા (ગાગાગા) જેવા ગુજરાતી ગઝલની દુનિયામાં પ્રમાણમાં ઓછો ખેડાયેલો છંદ વાપરી કવિ પોતાની શક્તિનું પ્રથમ પ્રમાણ આપે છે. આ છંદની પ્રવાહીતાના કારણે ગઝલ ન માત્ર વાચનક્ષમ, ગાયનક્ષમ પણ બની છે.
જેમ જેમ સાંજ સરે રાતમાં ધીરે ધીરે
આવતો જાઉં અસલ પાઠમાં ધીરે ધીરે

ગઝલની શરૂઆત દ્વિરુક્તિ પામતા શબ્દથી થાય છે એ નોંધપાત્ર છે, કેમ કે ગઝલનો રદીફ પણ એ જ રીતે પ્રયોજાયેલો છે. અને જેમ જેમ થી શરૂ થતો ઉલા મિસરો ધીરે ધીરેમાં વિરમે છે ત્યારે સાંજની રાતમાં નિઃશબ્દ સરી પડવાની ઘટના દૃશ્યક્ષમ બની રહે છે. અંધારું દૃશ્યોને ભૂંસી નાંખે છે. બે વસ્તુઓ વચ્ચેના તફાવતને ઓગાળી દઈ અંધારું નાના-મોટા તમામને કાળા રંગની એક જ પીંછીથી રંગી દે છે. અંધારાની કાલિમા પાસે કોઈ ઊંચું નથી ને કોઈ નીચું નથી. આંખ જ્યારે કશું જોઈ શકતી નથી ત્યારે જ બધું સમાન સ્તર પર દૃષ્ટિગોચર થાય છે. નાનાવિધ રંગસભર સાંજ જ્યારે કાળી નિબિડ રાત્રિમાં બિલ્લીપગલે પરિવર્તિત થાય છે ત્યારે કવિ એના અસલ પાઠમાં આવે છે. જ્યારે સમગ્ર સૃષ્ટિને તમે એક જ સમ્યક્ ભાવથી નીરખો છો ત્યારે એ કાળા રંગમાંથી જ ખરો સૂર્યોદય થાય છે. કેવી સહજતાથી અને કેવી વેધકતાથી કવિ પોતાનો આત્મ પરિચય ગઝલના પહેલા જ શેરમાં આપે છે !
મારા તલસાટનો અંતિમ છે તબક્કો જાણે
જોતો જાઉં છું તને જાતમાં ધીરે ધીરે

પ્રણય અને ઝંખનાની ચરમસીમાની પરિભાષા બધાની અલગ અલગ હોઈ શકે. અહીં આ ગઝલમાં કવિ તલસાટના અંતિમ તબક્કાને પોતાની રીતે અનુભવે છે. તીવ્રતાની અનુભૂતિ એક જ છે પણ અભિવ્યક્તિ નોખી છે. અહીં વાત પ્રેયસીની પણ હોઈ શકે અને ઈશ્વરની પણ. પરંતુ સંદર્ભ અહીં ગૌણ છે. અહીં તો કવિનો તલસાટ દીર્ઘત્તમ થયો છે અને તલસાટ જ્યારે હદપારનો થાય છે ત્યારે સ્વ ઓગળીને સ્વજન બની જાય છે. પ્રણયનો આ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે. પ્રિય પાત્રને ધીરે ધીરે પોતામાં આત્મસાત થયેલ અનુભવવું એનાથી વિશેષ શું હોઈ શકે તલસાટની પરિભાષા ?
થાય છે સ્પષ્ટ વધારે ને વધારે ચહેરો,
એક ભૂંસાતી જતી છાપમાં ધીરે ધીરે

સમયનું કામ ભૂંસવાનું છે. સમય જો એનું કામ ચૂકી જાય તો કદાચ જીવવું જ દોહ્યલું બની જાય. સ્મરણોનો ભંગાર સમય-સમય પર સાફ થતો ન રહે તો કદાચ ગાંડા થઈ જવાય. રેતીમાં પડેલી છાપ જેમ પવન ધીરે ધીરે ભૂંસી દે છે એમ પસાર થતો કાળ પણ જૂની યાદોને સતત ભૂંસતો રહે છે અને એમ આપણું જીવવું હળવુંફૂલ બનતું રહે છે. પણ કેટલીક સ્મૃતિ, કેટલાક ચહેરા, કેટલાક સંબંધ જેમ-જેમ ભૂંસાતા જાય છે એમ એમ વધુ ને વધુ બળવત્તર રીતે સ્મૃતિપટ પર અંકાતા જાય છે. સમય, સંજોગ, સમાજ કે સમજફેરના લીધે કેટલાક ચહેરા કમનસીબે રસ્તા પર માઈલસ્ટોન પેઠે પાછળ છૂટી જાય છે, સફર કે મંઝિલનો ભાગ બના શકતા નથી. આપણે પણ નદીની જેમ કદાચ આગળ વહી નીકળીએ છીએ, પણ વરસોના વીતતા જતા વહાણાંની સાથે જ્યારે એ ચહેરો ધીરે ધીરે વધુ ને વધુ સાફ નજર આવવા માંડે છે ત્યારે કદાચ આપણને આપણા જીવનમાં એનું સાચું સ્થાન સમજાય છે... બની શકે છે ત્યારે આપણે પાછાં ફરી શકવાની સ્થિતિમાં ન પણ હોઈએ !
શું છે વ્યક્તિત્ત્વ શું ઓળખ છે નવાગંતુકની
ખૂલતું જાય છે પદચાપમાં ધીરે ધીરે
– આ શેર વાંચતા જ ઉર્દૂનો એક શેર યાદ આવે છે.
ખત કા મજમૂન ભાંપ લેતે હૈં લિફાફા દેખકર,
આદમી કો પહચાન લેતે હૈં સૂરત દેખકર.

પણ ઉર્દૂના આ કવિ કરતાં વિવેક કાણે વધુ વાસ્તવવાદી છે. સામે આવનાર નવાગંતુક (કવિ કેવો મજાનો શબ્દ ‘કોઈન' કરે છે !) ખરેખર કોણ છે અને કેવો છે એ કંઈ પહેલી નજરે કે પહેલી મુલાકાતમાં થોડું જ જાણી શકાય ? માણસનું ખરું વ્યક્તિત્ત્વ, એની સાચી ઓળખાણ તો એ જેમ જેમ આગળ વધે એમ ધીરે ધીરે જ જાણી શકાય ને? આ શેરમાં રદીફનો કેવો સચોટ ઉપયોગ થયો છે !
નામ લેશે નહીં મારું કે તમારું ને ‘સહજ’
એ વણી લેશે બધું વાતમાં ધીરે ધીરે

ગઝલ જે રંગમાં ધીરે ધીરે આગળ વધે છે એ જ રંગને મક્તાનો શેર ઓર ઘેરો બનાવે છે. મક્તાનો શેર એટલો બધો સરળ થયો છે કે એના વિશે કશું પિષ્ટપેષણ કરવા બેસીએ તો એમાં રહેલી કવિતાને કદાચ અન્યાય કરી બેસાય. પણ આ શેર જેટલો સરળ છે એટલો જ ઉમદા પણ છે. સરળ શેર સામાન્યતઃ અર્થની સપાટી પર ફસકી પડતા હોય છે જ્યારે અહીં કવિ આ સહલે મુમતેના (દુ:સાધ્ય સરળ) શેરમાં વાણી, વિચાર અને અભિવ્યક્તિની સરળતા હોવા છતાં અર્થગહનતા અને અર્થગાંભીર્ય જાળવી શક્યા છે એ એમની ‘સહજ' સિદ્ધિ છે !

સરવાળે આ આખી ગઝલ ભાવજગતને અનવરુદ્ધપણે પણ ધીરે ધીરે સંવેદવામાં સફળ નીવડે છે. કવિની છંદની પસંદગી અને એનો નિભાવ, કાફિયાની સહજતા અને નોંધપાત્ર રીતે રદીફનો ઉત્તમ નિર્વાહ કાબિલે દાદ છે.
– વિવેક મનહર ટેલર


0 comments


Leave comment