3.5 - પંચૈન્દ્રેયી ગઝલ... / વિવેક કાણે ‘સહજ’ / આસ્વાદક : મકરંદ મુસળે


બૂંદ તો બે જ છે, બે બૂંદની આદત પાડો
આહુતિ-ભૂખ્યા હવનકુંડની આદત પાડો

કાં'તો ધરમૂળથી, સૌંદર્યની વ્યાખ્યા બદલો
કે પછી પીઠની આ ખૂંધની આદત પાડો

માત્ર ઘોંઘાટ, ને ઘોંઘાટના કર્કશ પડઘા,
પાડી શકતા હો તો આ ગૂંજની આદત પાડો

સૂગ ઉપજાવતી દુર્ગંધ ને બરછટ સ્પર્શો
આ બધા વચ્ચે, ‘સહજ' ઊંઘની આદત પાડો

- વિવેક કાણે ‘સહજ’


કવિ વિવેક કાણે ‘સહજ' ગુજરાતી ગઝલમાં આદરથી લેવાતું નામ છે. એની ગઝલમાં છંદ અને કાફિયા હંમેશા ધ્યાનાર્હ રહ્યાં છે. આ કવિની મોટાભાગની ગઝલોમાં એક વાત ઊડીને આંખે વળગે છે કે, બે લઘુ પાસપાસે આવતા હોય એવાં છંદ પ્રત્યે આ કવિને વિશેષ પ્રીતિ છે. પ્રસ્તુત ગઝલ પણ આવા જ એક ઉસ્તાદાના છંદમાં લખાયેલી છે.

રદીફની મદદથી ‘આદત પાડો' જેવો આજ્ઞાર્થ ઉદ્દગાર કવિ વારંવાર આપણને સંભળાવી જાય છે. શું એ આજ્ઞા છે? સલાહ છે? અકળામણ છે? કે વ્યંગ છે? ‘આદત પાડો... જેવી ફરજ ? શા માટે ?' જીવન જીવવું પડે માટે ? કોઈ પર્યાય નથી માટે ?

પંચતત્ત્વથી આપણે ઘડાઈ તો ગયા, ને પાંચ ઇન્દ્રિયો પણ મેળવી લીધી. મેળવી તો શું પણ મળી ગઈ એમ કહો. આ ઇન્દ્રિયોને સુયોગ્ય રીતે વિકસાવવાનો અને વાપરવાનો અવસર મળશે ? શક્યતા કેટલી ? સંઘર્ષ કેટલો ? તૈયારી કેટલી ?

(૧) તરસ છે, પણ અમૃતના બે બૂંદની. ‘ટેસ્ટ’ની વાત છે. સ્વાદની ગુણવત્તાની વાત છે. ‘સમુદ્રમંથન’ ચાલી રહ્યું છે ચોતરફ : કદાચ રગડો નીકળવાનું ચાલુ છે, એ નીકળશે જ. પણ એ પ્રક્રિયામાં અમૃતનો એકાદ નાનો કુંભ જો મળી આવે તો તક ઝડપીને બે બૂંદનું આચમન કરી તૃપ્ત થવાની તાલાવેલી, અને વળી પાછાં એવાં જ બે બૂંદ મળે એની રાહ જોવાની આદત, અત્યાર સુધીમાં પડી જવી જોઈએ – ન પડી હોય તો પાડો.

કવિને જળકુંડ નહીં ચાલે કે જેમાં સ્નાન કરી, ચોખલિયો બનીને એ બહાર પડે. કવિ સ્વયં હવન-કુંડ છે. જ્ઞાનનો હવન-કુંડ. જેને સતત ભૂખ છે એવી આહુતિની જે કવિની ક્ષુધાને તૃપ્ત કરે.

(૨) સમસ્યાઓ તો છે જ – લડવું પડે. મુશ્કેલીઓ છે તો મુકાબલો કરવો પડે. પ્રશ્નોની સામે ટટ્ટાર ઊભા રહેવાની હિંમત કેળવવી પડે. નહીંતર આજ સમસ્યાઓ અને પ્રશ્નો વૈતાળની માફક આપણી જ પીઠ પર ચઢી બેસશે અને ક્યારે ખૂંધ થઈ જશે એની ખબર પણ નહીં પડે. કોઈની ખૂંધ નાની હશે તો કોઈની મોટી. આ ખૂંધ દૃષ્ટિને ન ખટકે તો જરૂર એ ચિંતાનો વિષય છે. (‘ખૂંધ’નો કાફિયા ગુજરાતી ગઝલમાં આ અગાઉ વાંચવામાં આવ્યો હોવાનું યાદ નથી) કુબજાને પણ ખૂંધ હતી. શું આજની કુબજાઓને ખૂંધ મટાડવા કોઈ કૃષ્ણની તલાશ છે? કૃષ્ણ નવરો છે? સૌંદર્યની વ્યાખ્યા બદલવાનો સમય છે. દૃષ્ટિ બદલવાનો સમય છે.

પ્રથમ શેરમાં જન્મેલો આશાવાદ બીજા શેરમાં ધરમૂળથી ક્રાંતિવાદના વાત કરે છે.
(૩) ચારેકોર મંત્રોનો કોલાહલ છે. વૃક્ષોની જગ્યા ઇમારતોએ લીધી છે, જેના પાયામાં કોયલનો ટહુકો દફન છે. પર્વતો કોરાઈ ગયાં છે. પર્વતો કોરાયાં તો પડઘા પણ તરડાઈને કર્કશ બન્યાં, ઘોંઘાટ અથડાય છે. ને પડઘાય છે. કાનને ક્યાં ઢાંકણ છે કે બંધ કરાય? શોધ છે એક અવાજની જે કોયલનો દટાયેલો ટહુકો બહાર કાઢે, જે વૃક્ષોને મૂળથી બેઠાં કરે. કાન ઝંખે છે એવો શાંત-રસ, જે ગર્જે તો ગૂંજે ને ગૂંજે તો ગૂંજતો જ રહે – કાનમાં.

(૪) કવિ શબ્દોની સુવાસને ચોમેર પ્રસરાવવાની ઝંખના લઈને બેઠો છે. સૂતેલા બાળકને જેમ માતા સ્પર્શે એમ કવિને પણ પોતાના સ્પર્શથી શબ્દોના અર્થને સહેલાવવાના કોડ છે. લોકલ ટ્રેનના ખીચોખીચ ડબ્બામાં મોં ફાડીને ઊભેલી બગલો અને કોઈની મજબૂરી પર બત્રીસ કોઠે ખીલી ઊઠતા દાંતમાંથી દુર્ગધ જ આવવાની, ને તે પણ સૂગ ઊપજાવતી. કોઈ કન્યાને સતત સ્પર્શ્યા કરતી લોલુપ નજરની બરછટતા અને ‘આશીર્વાદ’ આપવાના બહાને કોઈ વિદ્યાર્થીને સહેલાવતા હાથની બરછટતા આપણા હોવાપણાને છોલ્યા કરે છે. ફ્રસ્ટ્રેટ થઈ જવાયું? શું આ બધાની વચ્ચે ઊંઘ આવે ? સહજ-ઊંઘ ?

આમ સ્વાદ, દૃષ્ટિ, શ્રવણ, ઘ્રાણ અને સ્પર્શ એમ પાંચેય ઇન્દ્રિયોની વેદનાને વાચા આપતી આ ‘પંચૈન્દ્રેયી ગઝલ’નું આચમન વાચકને વિચારક બનાવી દે છે. આવો નખશિખ સહજ ગઝલકાર કવિ વિવેક ‘સહજ’ મિત્રરૂપે મને મળ્યો છે, એનું મને ગૌરવ છે. એના પ્રથમ ગઝલસંગ્રહ ‘કઠપૂતળી' નિમિત્તે મારી શુભકામનાઓ અને અભિનંદન !!
- મકરંદ મુસળે


0 comments


Leave comment