3.6 - પંચપર્ણી બીલીપત્ર જેવી ગઝલ / વિવેક કાણે ‘સહજ’ / આસ્વાદક : પ્રણવ પંડ્યા


વીતકનો નથી આપવો અહેવાલ, જવા દે
આ ક્ષણને ઊજવ દોસ્ત, ગઈ કાલ, જવા દે

સંબંધના સરવૈયાનો તાળો નથી મળતો ?
મારી જ કશી ભૂલ હશે, ચાલ, જવા દે

જા, આખી ગઝલ પ્રેમને નામે તને અર્પણ
નહીંતર તો અહીં કોણ ઊભો ફાલ જવા દે?

આદર્શ, ને સિદ્ધાંત, અને ધૂળ ને ઢેફાં !
આ માલનો, અહીં છે કોઈ લેવાલ? જવા દે

અસ્તિત્ત્વની લય પામ, ‘સહજ’ સમને પકડ તું
ઝુમરા છે, કહેરવા છે, કે ઝપતાલ, જવા દે

- વિવેક કાણે ‘સહજ’


ગઝલ કોને કહીશું ? પ્રેમીઓની આહ, શ્રોતાઓની વાહવાહ કે શાયરની સલાહ ? ગઝલમાં સૂફિયાણી વાતો સલુકાઈથી કરી શકાય ? ગઝલનું પ્રયોજન ડહાપણની દિશાઓ ખોલવાનું છે ? – આવા પ્રશ્નોના ઉત્તર તો કાવ્ય મીમાંસકો કે ગઝલ શાસ્ત્રીઓ જાણે. હા, ગઝલ પણ એકાંતમાં ફ્રેન્ડ, ફિલોસૉફર ઍન્ડ ગાઈડ બની શકે એવું સાબિત કરતી આ ગઝલ શેરિયત સંપન્ન શાયર વિવેક કાણે પાસેથી તેમના તખલ્લુસને સાર્થક કરે તેવી ‘સહજ’ રીતે મળી છે.

ગઝલનો રદીફ સ્વયં એક escapismનો પડઘો પાડે છે. જીવનના કાર્યક્ષેત્ર કુરુક્ષેત્રના કેટલાંય પેચીદા પ્રશ્નો અને સનાતન સંઘર્ષો આપણને રણછોડ બનાવી મૂકે છે. ‘જવા દો ને’, ‘ચલો, છોડોને..', ‘Come on, yaar..', ‘જાને ભી દો યારો' - આ આપણી અંતિમ છટકબારીઓ છે અથવા સમાધાનની સુરાવલિઓ છે !

મત્લામાં કવિ જીવંત ક્ષણને જાજરમાન બનાવે છે. વીતકનો વેતાળની વર્તમાનના ખભા પરથી નીચે ન ઉતારવાની આદત કે કેટલાય વીર વિક્રમને સ્થિર વિક્રમ બનાવી મૂકે છે. ભૂતકાળનું ગુમડું વર્તમાનના વાંસા પર લવક્યા કરે છે જ્યાં પહોંચી શકાતું નથી અને કોઈને કહી શકાતું નથી. ભૂતકાળના અહેવાલમાં જ રાચનારો વર્તમાનને શું વ્હાલ કરવાનો ! નિરાકરણ શાયરે જ આપ્યું : પૂર્ણ ભૂતકાળના પરિઘમાં ફસાયેલા ચિત્તને ચાલુ વર્તમાનકાળની ત્રિજ્યામાં લઈ આવવું અને વર્તમાનની ક્ષણને વ્હાલથી ઉજવવી.

વાત બીજા શેરની. દેશીનામા હોય કે સંબંધનામા જમા-ઉધારના બેઉ પડખા એક સરખા રાખવાના યત્નો થતા જ રહે. પ્યાર હો કે વ્યાપાર - સરવૈયા કાઢવાની વૃત્તિ હૈયાવગી જ હોય. પણ સંબંધોના ત્રાજવાનો કાંટો ઘડિયાળના લોલકની જેમ આઘોપાછો થયા જ કરે. છેવટે ન મળે તાળો ને ન ખૂટે સરવાળો. આમ છતાંયે સી-સો જેવા સંબંધોને સ્થિરતા અર્પી શકે ક્ષમા. ભૂલ સ્વીકારની ભભૂતિનો મેકઅપ સંબંધોના ચહેરાને રૂડો બનાવી શકે. દોષનો ટોપલો પોતાના શિરે જ ઓઢી લઈ બાંકે બિહારી બનવું સહેલું નથી. પણ શાયર જાણે છે કે Charity begins at home. મિચ્છામી દુક્કડમની સનાતન ક્ષમાભાવના ગઝલમાં કેવી સલૂકાઈથી આવી એ જોયું ને !

ગઝલનો ત્રીજો શેર પ્રેમની શાશ્વત અનુભૂતિને જરા જુદી રીતે વ્યક્ત કરે છે. પ્રેમ એટલે જ અર્પણ, સ્નેહ એટલે જ સમર્પણ. જેટલું અપાય એટલું પમાય. પરંતુ પામવાની અપેક્ષા તો શાણા કરે, દિવાના નહીં ! નાનકના ખેતરમાં વળી ચાડિયાનું શું કામ ?! પ્રેમી પાસે પણ વાડ ન હોય, કેવળ લાડ હોય. શાયરે જાત રેડીને સીંચેલો ગઝલનો હિલ્લોળતો ફાલ વ્હાલથી પ્રેમના નામે પ્રિયજનને આપી દે, તો બેપરવા થયા છે એમ નહીં, સ્નેહની સોંસરવા ગયા છે એમ માનવું વધારે યોગ્ય ગણાશે.

ગઝલની બાઉન્ડ્રીનો - ચોથો શેર સાંપ્રત માનવ સભ્યતાની કડવાશને હળવાશથી દર્શાવે છે. વક્રોક્તિ પણ સૂક્તિની જેમ આવી ! આકાશ આંબનારી ઈમારતો રિક્ટરસ્કેલના ઇશારે કાળમાળ બની જાય એમ મકાન ઊંચા ગયા અને સ્વમાન નીચા. માણસ વધુ વ્યવહારુ બન્યો અને માણસાઈ બજારુ. ભ્રષ્ટાચારનો ભોરિંગ શું આભડ્યો કે સદ્ગુણોની ધોરી નસ જ મૃત:પ્રાય થઈ ગઈ. નીતિમત્તાના નેવેથી પડતું મૂકીને ભલભલા આદર્શો કે સિદ્ધાંતો કેડભાંગલા થઈ ગયા, નિર્માલ્ય થઈ ગયા કે નિર્મૂલ્ય થઈ ગયા. આદર્શોના અશ્મિ ઇતિહાસમાં બચ્યા અને સિદ્ધાંતો સંગ્રહાલયમાં સચવાયા. બાકી આ માલના લેવાલ તો ખૂટ્યા જ ખૂટ્યા !

મક્તાના શેરમાં શાયરની સાંગીતિક સંપ્રજ્ઞતા આધ્યાત્મિક ઉંચાઈને સ્પર્શે છે. સમગ્ર સૃષ્ટિ તાલબદ્ધ છે. અહીં ન કશું બેસૂરું ચાલે, ન તો બેતાલું. અસ્તિત્ત્વના લયના સમ પર આવવું આવશ્યક જ નહીં અનિવાર્ય છે. તાલના નામ જુદા હોઈ શકે. પ્રકાર ભિન્ન હોઈ શકે, બધાં તાલમાં સમ, પકડવો એ તાલના હાર્દને પકડવા જેવું છે. જે સમ પકડી શકે એ જ વિશ્રામ પામી શકે છે. ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ પણ કહે છે : निर्दोषं हि समं ब्रह्म, तस्माद ब्रह्मणि ते स्थिता: | અર્થાત્ જેમનું મન સામ્યમાં સ્થિર થયું છે તેઓ બ્રહ્મમાં જ રહેલા છે કારણકે બ્રહ્મ નિર્દોષ અને સમ છે.

પુષ્પની પરાગરજ, આંતરિક રચના વગેરે માઇક્રોસ્કોપમાં જોઈ શકાય. પરંતુ એ માટે ફૂલની પાંખડીને અભિરંજકોથી મૃત:પ્રાય કરી નાખવી પડે. બહેતર છે ફૂલને તેની સુગંધથી આત્મસાત કરવું. ગઝલની રચના કે છંદોવિધાનની શાસ્ત્રીય ચર્ચા કરવા કરતાં એની સ્વભાવગત સુંદરતા કોઈપણ મેગ્નીફાઈંગ ગ્લાસ વિના અહીં સુપેરે નિહાળી શકાય છે એ શાયરની સિદ્ધિ છે. ગઝલના પાંચ શેર સ્વીકાર, ક્ષમા, સમર્પણ, સિદ્ધાંત અને સમતા જેવા સદગુણોને ચરિતાર્થ કરી વિરલ પંચપર્ણી બીલીપત્ર જેવી બની રહે છે. મુશાયરામાં ગહન સ્વરે ગઝલ ગણગણતા આ શાયરના તરન્નુમની તાસીર મને ગમતી આ ગઝલને ક્યારેક મળશે એવી અપેક્ષા થાય છે, પણ પછી થાય છે – ‘ચાલ, જવા દે !’
-પ્રણય પંડ્યા


0 comments


Leave comment