3.7 - હરકોઈની ઈચ્છા / વિવેક કાણે ‘સહજ’ / આસ્વાદક : રશીદ મીર


મારી, ને તમારી, અને હરકોઈની ઇચ્છા
માણસના થતા જાય છે કંઈ કેટલા હિસ્સા

હું આંખ હજી મીંચું ત્યાં સ્મરણોનું ભરતકામ
અંધારનું એક પોત, ને ઘટનાઓના બુટ્ટા

બે મોજાંની વચ્ચેનો સમયગાળો એ જીવન
હો રેતના કિલ્લા, કે પછી શબ્દના કિલ્લા

અહીં નિત્ય નવો સૂર્ય, નવી ઘોડી, નવો દાવ
લઈ જાવ હવે દાટી દો, ઇતિહાસના કિસ્સા

આજે મેં ‘સહજ’ એમને ઝાંપેથી વળાવ્યાં
હું મુક્ત વિચારોથી, ને એ મારાથી છુટ્ટા

- વિવેક કાણે ‘સહજ’


કાફિયાબંદીએ ગઝલને નુકસાન પહોંચાડ્યું છે એવી સર્વ સામાન્ય માન્યતાનો આ ગઝલ છેદ ઉડાડે છે એટલું જ નહીં કિન્તુ કેવળ લટકણિયારૂપે રદીફને પ્રયોજવાનો કોઈ અર્થ નથી એવું પણ એ ઇંગિત કરે છે. સદ્ય અર્થબોધ થાય અને ગઝલ નીવડી આવે એવું આ ગઝલનું પોત છે. એમાં વાતચીતનો લહેકો આપણને સહોપસ્થિતિનો અહેસાસ કરાવે છે તેથી આપવીતી જગવીતી બને છે. કવિ શીખાઉ નથી એટલે પ્રત્યેક શેરમાં એમનું ભાવસંવેદન જે રીતે ઘૂંટાઈને કલાત્મક પિંડ ધારણ કરે છે એમાં સંઘેડાઉતાર સફાઈના આપણને દર્શન થાય છે. અહીં વિવેકના ભાવગત અને ભાષાગત સૌંદર્યનાં પણ આપણને દર્શન થાય છે.

માણસ વહેંચાઈ-વેચાઈ જાય છે એના મૂળમાં તો એની પોતાની ઇચ્છાઓ કારણભૂત છે. એ જાણે ઇચ્છાઓની પૂર્તિ કાજે જ જીવે છે અને મરે છે. ઇચ્છાએ જ માણસને અનેક ખાનાંઓમાં વહેંચી નાખ્યો છે. એની અસ્મિતા વિભાજિત થઈ ગઈ છે. માણસપણાની આ વિડંબનાને કવિ ગઝલના મલામાં આ રીતે વ્યક્ત કરે છે.
મારીને તમારી અને હરકોઈની ઈચ્છા,
માણસના થતા જાય છે કૈં કેટલા હિસ્સા.

આવી અસંખ્ય ઇચ્છાઓની પૂર્તિ અશક્ય છે. તેથી માણસ અધૂરી ઇચ્છાઓની ક્ષતિપૂર્તિ સ્વપ્નરૂપે કરી લઈને અતૃપ્તિના અસંતોષને દૂર કરે છે. પાંપણ પછીતના અંધારને સ્મરણોનું ભરત અને ઘટનાઓના વેલબુટ્ટા રમણીય બનાવી દે છે. સ્વપ્નલોકનો આ ક્ષણિક વિહાર મળે તો એની અતૃપ્ત ઇચ્છાઓનું જ પ્રતિફલન છે એવા ભાવને કવિ બીજા શેરમાં આપણને ચાક્ષુષ કરાવે છે –
હું આંખ હજુ મીચું ત્યાં સ્મરણોનું ભરતકામ,
અંધારનું એક પોત ને ઘટનાઓના બુટ્ટા

અંધકારના પોત ઉપર ઘટનાઓના બુટ્ટાની અભિનવ કલ્પના આ શેરમાં ખાસ ધ્યાનાર્હ છે. ત્રીજા શેરમાં કવિ જીવનની વ્યાખ્યા કરે છે. જીવન એટલે સમુદ્રમાં લય-વિલય પામતા બે મોજાંની વચ્ચેનો સમયગાળો. આ શબ્દોની ઘટના પણ બાળકની રમત જેવી સાવ નિર્દોષ સહજ અને અનપેક્ષિત છે. આમ તો જન્મ મૃત્યુના બે મોજાં વચ્ચેનો સમયગાળો એ કુદરતી ઘટનારૂપે મળેલું સહજ જીવન છે જેને બાળસહજ કુતૂહલથી કવિ જુએ છે :
બે મોજાંની વચ્ચેનો સમયગાળો એ જીવન
હો રેતના કિલ્લા કે, પછી શબ્દના કિલ્લા.

સંસાર પરિવર્તનશીલ છે. પરિવર્તન એ જીવનનો નિયમ છે. જીવન નવીનતાનું પોષક છે. જરીપુરાણું કાળની ગર્તામાં ધરબાઈ જાય છે અને તેની જગ્યા કશુંક નવું લે છે અને એમ જીવનની ઘટમાળ ચાલ્યા કરે છે. ઇતિહાસની ભવ્યતા કે ચડતી-પડતીના કિસ્સાઓ વાગોળ્યા કરવાથી સાંપ્રત જીવનમાં કશું પ્રાપ્ત થવાનું નથી. એનો કશો અર્થ નથી. માણસે સમયને અનુરૂપ પોતાને ઢાળી લેવું જોઈએ. પરિવર્તનની આ પ્રક્રિયા વિશે કવિ કહે છે –
અહી નિત્ય નવો સૂર્ય, નવી ઘોડી, નવો દાવ
લઈ જાવ હવે દાટી દો ઈતિહાસના કિસ્સા

કોઈનું સ્મરણ માત્ર જો મનને વ્યગ્ર રાખતું હોય તો એની ઉપસ્થિતિ તો અસ્તિત્ત્વને વિશેષ જકડી રાખે એ સ્વાભાવિક છે. મન એની હાજરીમાં એનામાં જ ઓતપ્રોત રહે એ સહજ છે. ચિંતન સૌ દિશાઓને ભૂલીને એના પ્રતિ અભિમુખ રહે છે ત્યારે જીવનના સૌ ક્રિયાકલાપો જાણે થંભી જાય છે. એટલે એમને વિદાય કરીને કવિ જાણે રાહતનો દમ ભરે છે.
આજે મેં ‘સહજ’ એમને ઝાંપેથી વળાવ્યા
હું મુક્ત વિચારોથી ને એ મારાથી છુટ્ટા

આમ ઉપર્યુક્ત ગઝલ અત્યંતરે ઇચ્છાને જ પ્રત્યેક શેરમાં કોઈને કોઈ રૂપે બહેલાવીને ભાવવિશ્વને વિશેષ હદ્ય બનાવે છે.
– રશીદ મીર


0 comments


Leave comment