3.8 - અંધાપો / વિવેક કાણે ‘સહજ’ / આસ્વાદક : ગુલામ અબ્બાસ
ખુલ્લી આંખો, ને અંધાપો
રામભરોસે રસ્તો કાપો
તરણાની ઓથે બેસીને
સૂરજનો પડછાયો માપો
મારી ચિંતા સૌ છોડી દો
મારાં કર્મો, મારાં પાપો
બાંધી મુઠ્ઠી જ્યાં મેં ખોલી
નીકળ્યો વર્ષોનો ઝુરાપો
ભાલ ઉપર જો હોય જગા તો
આંસુનો સરવાળો છાપો
ખોવાયું માટીનું ઢેકું
કોઈ ‘સહજ’ને શોધી આપો
- વિવેક કાણે ‘સહજ’
વિવેક કાણે ‘સહજ’ નવી પેઢીના નિષ્ઠાવાન ગઝલકાર છે. ગઝલ પ્રત્યેની એમની લગન સરાહનીય છે. સૌમ્ય પ્રકૃતિના આ વહેવારકુશળ સર્જક વ્યવસાયે એન્જિનિયર છે પણ ગઝલની નાજુક કલાકારી એમણે ખૂબીથી હસ્તગત કરી છે. નવા યુગના વાતાવરણથી પ્રભાવિત એમની ગઝલો, ગઝલ પરંપરાને પૂર્ણ વફાદાર રહે છે અને આ એમની સફળતાની ભૂમિકા બાંધે છે.
વિવેક કાણે ‘સહજ’ની કૃતિઓમાં ભારોભાર માનવ સંવેદન મળે છે અને એમની અંગત – અનુભૂતિમાં જાણે સામાજિક ઘટનાનો પડઘો અનુભવાય છે. પ્રસ્તુત ગઝલ ઉપરોક્ત કથનનું અનુમોદન કરતી કૃતિ બની રહે છે.
ખુલ્લી આંખો ને અંધાપો,
રામ ભરોસે રસ્તો કાપો.
‘ખુલ્લી આંખે અંધાપો' ઇશારો છે એક દુ:ખદ અહેસાસ તરફ કે ખુલ્લી આંખો હોવા છતાં જાણે અજાણે માનવી અંધાપો નોતરે છે. અંધાપો કેટલાયે પ્રકારનો હોય છે પરંતુ સર્જકને ‘અંધાપો' શબ્દમાત્ર વેદના આપે છે. વૈચારિક જડતા અને સાંપ્રત બનાવથી બેપરવા રહેતો વર્તમાન યુગનો માનવી જીવનના રસ્તા પર ગતિમાન તો છે અને લક્ષ્ય કે મંઝિલ વિશે ગંભીર પણ નથી ત્યારે, સર્જકનો વૈચારિક ખળભળાટ શું કહે છે ? ‘રામ ભરોસે રસ્તો કાપો !' ‘રામ ભરોસે'ના શબ્દપ્રયોગ દ્વારા સર્જક માનવ સ્વભાવ તરફ રોષ વ્યક્ત કરે છે અને તે પણ વેદના સભર. સફળ ગઝલની બુનિયાદ મત્લાના શેર પર ઘણે ભાગે નિર્ભર હોય છે અને અહીં સર્જક મત્લાના શેરમાં શબ્દની સરસ માવજત કરી હોવાની અનુભવાય છે અને આ મત્લાનો શેર સર્વવ્યાપી બની રહે છે.
ગઝલનો બીજો શેર એક અકલ્પનીય પરાક્રમની વાત રજૂ કરતો મળે છે.
તરણાની ઓથે બેસીને,
સૂરજનો પડછાયો માપો.
માનવની મર્યાદા અને માનવના ઇરાદા વચ્ચે કેવું અસમતુલન રહે છે એ વાત તરફ સર્જકનો ઇશારો છે. સૂરજની સામે તરણાનું શું ગજુ જેવી કોઈ વાત નથી કિન્તુ સર્જક માનવની ક્ષમતા અને મર્યાદાનો ચિતાર આપે છે કે મળી મળીને કે પામી પામીને ઓથ મળી તોય તરણાની ! અને ઈરાદા શું સૂર્યને જાણવાના કે પામવાના ? જે સૂરજની સામે આંખ મેળવી નિહાળી શકતા નથી, જેનું અમાપ અંતર વટાવી શકતા નથી એને જાણવાનો, પામવાનો કે નાથવાનો પ્રયત્ન એક કમજોર ઓથ નીચે પડછાયો માપીને શક્ય છે ? સૌથી મોટો પ્રશ્ન સર્જક જે રમતો મૂકે છે કે સૂર્યનો પડછાયો માપવો શક્ય છે ખરો ? સમાજમાં જોવા મળતી અસમાનતા વિવેક કાણે ‘સહજ’, સહજતાથી ઉજાગર કરી શક્યા છે.
મારી ચિંતા સૌ છોડી દો,
મારાં કર્મો, મારાં પાપો
હૃદયમાં ઉતારવા જેવી આ પંક્તિઓ છે, ચિંતા કરનારને અને ચિંતા ન કર એવું કહેનારાને પણ. પારકી ચિંતા, પારકી પંચાત છોડી માનવીએ પોતાના તરફ ધ્યાન આપવાની જરૂર છે. જગતના લોકોની નીતિ-રીતિ જ એ પ્રકારની રહેલી જોવા મળે છે જેમાં સૌને બીજા શું કરે છે એ જાણવા- જોવામાં જ રસ હોય છે. આ ચિંતા પરગજુ ભાવથી આવેલી હોય તો આવકારનીય બની રહે પરંતુ એવું કદાપિ હોતું નથી. અહીં વિવેક કાણેની અંગત અનુભૂતિ પણ માણી શકાય છે, અને માનવ સમાજ માટે એક બોધ પણ છે તે પામી શકાય છે.
સરળ ભાષામાં લખાયેલી આ હૃદયને સ્પર્શતી ગઝલનો ચોથો શેર છે :
બાંધી મુઠ્ઠી જ્યાં મેં ખોલી,
નીકળ્યો વરસોનો ઝુરાપો.
બંધ મુઠ્ઠીનું ખોલવું અને બાંધી મુઠ્ઠીનું ખૂલવું સમાન હોઈ શકે છે પણ હંમેશા હોતું નથી. કિન્તુ મોટેભાગે એક તફાવત મૂક્યો હોય છે. આયાસપૂર્વક અને ઇરાદાવશ બંધ મુઠ્ઠીને ખોલવું એ પણ જાતે ઘણાં વિષાદો મનમાં જગાવે છે. જગતની નજરથી બચાવી રખાયેલ રહસ્ય કે દર્દ જાણવામાં બીજાને રસ હોય પણ જાહેર કરીને અર્થ કંઈ સરતો નથી. કવિની બાંધી મુઠ્ઠીનું જાતે ખોલવું અને ઝુરાપો પામવું એ પણ પ્રણયની જ એક ઘટના બની રહે છે, અને એ વાત ઉજાગર થાય છે કે વરસો પછી ઝુરાપો કેવો પ્રબળ છે. મુઠ્ઠીનું ખૂલવું અને ખોલવું કેવું પીડાદાયક છે એ સર્જક દર્શાવવામાં સફળ થાય છે.
ભાલ ઉપર જો હોય જગા તો,
આંસુનો સરવાળો છાપો
ભાલ ઉપર જો જગ્યા બાકી રહી હોય તો સામાન્ય માનવી સહજ અને સ્વાભાવિક રીતે પોતાનું ભાગ્ય પોતાની રીતે બને પરંતુ અહીં તો સર્જક જરા અનોખી વાત કરે છે કે આંસુનો સરવાળો છાપો. ભાલ ઉપર કવિ ઇચ્છે કે કોઈ આંસુનો સરવાળો છાપે, કદાચ કવિને જાણ હશે કે ભાલ ઉપર એટલી તો જગ્યા હોય નહીં વિગત છપાય. આંસુનો સરવાળો છપાશે તો શાયદ કોઈ આંસુના કારણ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે. કવિ અહીં ભાવકોને વિષાદમય બોજો આપે છે. કારણ કે આંસુની વિગત લખવી સહેલી નથી. હા, ઈચ્છો તો સરવાળાની રકમ છાપી શકો પરંતુ એક મુઝારો અહીં પણ રહે છે કે આંસુનો સરવાળો કોણ કરે ?
વિવેક કાણે ‘સહજ'ની આ ગઝલ લાગણીના તાર ઝંઝોડનારી છે. અહીં માનવીની મર્યાદા પણ જણાય છે અને ખૂબી પણ. સમસ્ત ગઝલનો વૈચારિક વિહાર માનવ અને માનવજીવનની આસપાસ ફરતો રહે છે પરંતુ સંવેદન અને સંભાવનાની દૃષ્ટિએ આ ગગનપારનો વિહાર છે.
ગઝલની જમાવટ માટે જેમ મત્લાની મજબૂત ભૂમિકા અનિવાર્ય છે એ જ રીતે ગઝલનો અંતિમ શેર, મક્તાનો શેર અદ્ભુત ચમત્કૃતિની અપેક્ષા જન્માવે છે. વિવેક કાણે ‘સહજ’ આ ગઝલમાં આવશ્યક સંભાવનાઓને જીવંત કરવામાં અને રાખવામાં સફળ થયા છે. મક્તાના શેરમાં તેઓ કહે છે :
ખોવાયું માટીનું ઢેફું,
કોઈ ‘સહજ’ ને શોધી આપો.
માનવનું મૂળ અને કુળ શું? માટી. યહૂદી, ક્રિશ્ચિયન અને ઇસ્લામિક માન્યતા પ્રમાણે આદમના માટીપણાને કારણે જ અગ્નિમૂળના શતાને નમન કરવા ઈન્કાર કર્યો હતો. ‘માનવ ખોવાયો છે', ‘માનવ ખોવાયો છે'ની બૂમરાણમાં વિવેક કાણે ‘સહજ’ કેવા સંયમથી એ જ વાત કરે છે અને અંતે એ કહીને કમાલ સર્જે છે કે ‘કોઈ સહજ’ને શોધી આપો. સર્જક અહીં પોતાની મર્યાદા માત્ર નથી દર્શાવતા, સહકાર માંગે છે અને એ સહકાર મક્તાની નઝાકતને નિખારે છે.
વિવેક કાણે ‘સહજ’ની શોધખોળની મથામણ ઉજાગર કરતી આ ગઝલ આગળ જણાવ્યા મુજબ એમની ગઝલ-લગની અને ગઝલનિષ્ઠાનું પ્રમાણ આપનારી કૃતિ છે. આવી જ કૃતિઓનું સર્જન થતું રહે એ જ શુભેચ્છા.
– ગુલામ અબ્બાસ
0 comments
Leave comment