3.9 - ગઝલસૃષ્ટિમાં ટહેલવાનો અવસર / વિવેક કાણે ‘સહજ’ / આસ્વાદક : પંકજ શાહ


ભાવસૃષ્ટિ સ્તબ્ધ, સંવેદન બરડ
ને ઉપરથી બુદ્ધિ પણ સિદ્ધાંતજડ

તર્કનો ડૂચો ગળે ઊતરે નહીં
પાનની માફક વિચારો પણ ચવડ

છોડને લવચિકપણું, બવચિકપણું,
આપણી અકબંધ રહેવી રહી અકડ

ઠંડી છાલક થઈને આવે તારો ખ્યાલ
તપ્ત ચહેરો થાય છે તડ્ તડ્ તતડ

થોડા પ્રશ્નો છોડી દઈએ કાળ પર
સૌ સમસ્યા એમ ઉકલે, તડ ને ફડ ?

વાત ઉશ્કેરાટમાં નહીં થઈ શકે
બે ઘડી થોભી જા, થોડો શાંત પડ

ગાલગા ના લો ‘સહજ' સળિયા ગણો
મેં કહ્યું'તું વ્હોરી લેવા ધરપકડ ?

- વિવેક કાણે ‘સહજ’


ગઝલસૃષ્ટિમાં ટહેલવાનો અનેરો અને અનન્ય અવસર વિવેક કાણેની આ ગઝલ પૂરો પાડે છે. ગઝલ સાથોસાથ ગઝલકાર પોતાની મનઃસ્થિતિનું આલેખન કરવામાં યશસ્વી રહ્યા છે. પ્રસ્તુત ગઝલમાં એક બાજુએ ગઝલ સર્જકની મથામણ અને બીજી બાજુએ જિવાતી જિંદગીના અનુસંધાનની વાત કરવામાં આવી છે.

પ્રત્યેક ગઝલ સર્જક પાસે પોતાની અલાયદી સર્જન પ્રક્રિયા હોય છે અને સમયે સમયે તેની વિભાવના બદલાતી રહે છે. ગઝલને એક ચમકદાર મોતીની સેર બનાવવામાં ગઝલકાર કામિયાબ રહ્યા છે. તેમણે ગઝલમાં એવાં શબ્દોનો વિનિયોગ કર્યો છે કે જે સામાન્યપણે આપણને ગઝલમાં જોવા મળતા નથી. સવિશેષ ધ્યાનાર્હ બાબત એ છે કે બરડ, સિદ્ધાંતજડ, ચવડ શબ્દોના ઉચિત ઉપયોગ અને તેને અનુરૂપ અર્થ અભિવ્યક્તિને પરિણામે ગઝલ નીખરી રહે છે.

ગઝલમાં એક પછી એક શેરમાં આપણને અટકવાનું મન થાય અને એ પછી સમગ્ર ગઝલને અવલોકીએ ત્યારે જ ગઝલકારના સામર્થ્યનો પરિચય મળી રહે છે. પ્રથમ બે શેરમાં જડસુ મન વિશે વાત કર્યા બાદ તેઓ ત્રીજા શેરમાં જડભરત વ્યક્તિના મનનો ચિતાર આપે છે તો ત્યારપછીના શેરમાં, પાત્રની અંગત કહો કે વ્યક્તિગત અનુભૂતિને કેન્દ્રસ્થાને રાખવામાં આવી છે.

મનમાં અનેક વિચારો આકાર લઈ રહ્યાં છે અને તેને ક્રમબદ્ધ ગોઠવવાનો ઉપક્રમ પ્રસ્તુત ગઝલમાં જોવા મળે છે. જડસુ મન વિશે બહુ સરસ રીતે વાત કહેવામાં આવી છે.
આ શેર જુઓ –
ભાવસૃષ્ટિ સ્તબ્ધ, સંવેદન બરડ
ને ઉપરથી બુદ્ધિ પણ સિદ્ધાંતજડ

ગઝલનું પાત્ર જડ તો છે જ પરંતુ એટલી હદ સુધી છે કે –
તર્કનો ડૂચો ગળે ઊતરે નહીં
પાનની માફક વિચારો પણ ચવડ

આમ પાત્રની જડતા અને તેની મનઃસ્થિતિનો આપણને ખ્યાલ આવે છે.

પ્રસ્તુત ગઝલના શેર ક્રમાંક ૬માં ગઝલકાર અનુક્રમે કોઈ એક ચોક્કસ નિરાકરણની વાત માટે હૈયાધારણ આપે છે અને શેર ક્રમાંક ૭માં કહે છે. કે ગઝલ સર્જન માટે છંદની શિસ્ત અનિવાર્ય છે. જો કે, ગઝલકાર આપણને વાત સીધીસટ સમજાવતા નથી, બલ્કે આડકતરી રીતે કહે છે કે જો ગઝલ લખવા બેસો તો છંદના બંધનમાં રહેવું જ પડશે.

સમગ્રતયા પ્રસ્તુત ગઝલને ધ્યાનમાં લઈને તો આપણે સાંપ્રત પરિસ્થિતિ વિશે વિચારતા થઈએ એવો ભાવ જાગે છે. વિવેક કાણેએ યોગ્ય રીતે જ આ શેર કહ્યો છે કે –
થોડાં પ્રશ્નો છોડી દઈએ કાળ પર
સૌ સમસ્યા એમ ઉકલે તડ ને ફડ ?

આમ એકંદરે જોઈએ તો સમગ્રતયા ગઝલ તેની ભાવસૃષ્ટિને કારણે ચિત્તાકર્ષક બની રહે છે.
– પંકજ શાહ


0 comments


Leave comment