3.10 - મન મસ્ત હુઆ, અબ ક્યા કિસીસે ? / વિવેક કાણે ‘સહજ’ / આસ્વાદક : ઉદયન ઠક્કર
અમે નીકળીએ જો નભમાં, તો સાત ઘોડા લઈ
અને વિહરીએ ધરા પર, ફકીરી દોહા લઈ
ભરી ગયો, બધી રગરગમાં કસ્તૂરીની મહેક
એ શમ્સ આવ્યો'તો, એકાદ મુઠ્ઠી ચોખા લઈ
થયો જો દૂર નજરથી તો સાદ પાડું છું
હતો સમક્ષ તો બેસી રહ્યો અબોલા લઈ
‘સહજ’ જે પંક્તિઓ હું ગણગણ્યો સ્વગત મનમાં
સમીર ગાતો રહ્યો, રાતભર, હિલોળા લઈ
- વિવેક કાણે ‘સહજ’
(૧)
અમે એવા. નીકળીએ તો ઘોડે ચડીને નીકળીએ. ઘોડાયે પાછા એક-બે નહિ, પૂરા સાત-સૂરજના સમોવડિયા અમે. સૂરજ સમયપત્રકનો સેવક. અમે મનના માલિક. નીકળીએ તો નીકળીએ. પણ નીકળીએ તો ફલક પર છવાઈ જઈએ.
જો કે વિહરવું વધુ ફાવે અમને. નીકળવું કામસર પણ વિહરવું તો અમસ્તું. ફરરર ફરવું, સરરર સરવું. માટે પંક્તિમાં ચાર ‘ર’કાર.
આભના અભરખા હોય તો અશ્વ જોઈએ. ધરતી વિષે તો ચરણ ચાલે. બે ચરણ દોહાના.
કેવળ દોહા લઈને વિહરવું ફાવે ખરું? કેમ ન ફાવે? કબીરને નહોતું ફાવ્યું ?
ત્રીજા અને ચોથા શેરમાં ગઝલ પુરુષ પોતાનો ઉલ્લેખ ‘હું’ થી કરે છે. પણ અહીં મતલ્લામાં ખુદ્દારી છે. મન મસ્ત હુઆ, અબ ક્યા કિસીસે ? માટે ‘અમે'.
(૨)
કોઈ આવેલું ચોખા લઈને, કોણ ? સુદામો?
‘એ શખ્સ આવ્યો'તો માં ઉર્દૂ ગઝલની કહેણી' વરતાય. વિવેક ઉર્દૂ ગઝલ પણ લખે છે.
ઈયળનું પતંગિયું થાય તેમ ચોખાની કસ્તૂરી થઈ ગઈ. અત્તરના પૂમડે કાન મહેકે. અહીં રગરગ મહેકે છે. કસ્તૂરીનો નિવાસ નાભિમાં હોવાનો.
મુકેશ અંબાણી પત્નીને બોઇંગની ભેટ આપે ત્યારે કશું ન મહેકે. પણ જેની પાસે કશુંય નથી એ કશુંક આપે ત્યારે રગરગ મહેકે.
(૩)
મોડેમોડે અર્થ સમજાય છે; દાંત કળે ત્યારે નિરામયતાનો, મિત્ર ન રહે ત્યારે મૈત્રીનો. ‘દુનિયા જિસે કહતે હૈં, જાદુ કા ખિલૌના હૈ. મિલ જાયે તો મિટ્ટી હૈ, હો જાયે તો સોના હૈ.'
‘થયો જો દૂર નજરથી'. કોણ? આનંદ એ વ્યક્તિવાચક નામ નથી. સમીપ હતો ત્યારે વાતચીત ન કરી, ઉપરથી અબોલા લઈ લીધા.
આ શેરમાં અને આખી ગઝલમાં, કવિ શિષ્ટ, નાગરી, ભાષા પ્રયોજે છે, જે ગઝલ માટે સમુચિત છે.
(૪)
એક પંક્તિમાં ચાર શબ્દો સળંગ પ્રયોજાયા છે : ‘સહજ', ‘ગણગણ્યો', ‘સ્વગત’ અને ‘મનમાં', કવિએ કશું કહ્યું છે, તોયે જાણે કહ્યું નથી. હવા પર હસ્તાક્ષર કર્યા છે.
છતાં સમીર એને ગાઈ રહ્યો છે, હિલોળા લઈ લઈને, રાતભર.
કદાચ ગઝલપુરુષ પ્રકૃતિમાં પોતાના મનોભાવનું આરોપણ કરી બેસે છે. એ રાતભર જાગ્યો ત્યારે જ એણે સમીરને સાંભળ્યો હશેને? કદાચ ‘સહજ’ સમાધિ લાગી ગઈ હશે. કદાચ સમષ્ટિનું કોઈ સત્ય ગણગણતાં ગણગણતાં ગણગણાઈ ગયું હશે.
આ શેરનો અરબીમાં અનુવાદ થાય ‘અનલહક' અને સંસ્કૃતમાં ‘અહં બ્રહ્માસ્મિ'.
- ઉદયન ઠક્કર
0 comments
Leave comment