3.11 - નીકળી ગયેલી તક ઉપર / વિવેક કાણે ‘સહજ’ / આસ્વાદક : રશીદ મીર
તમે રડો છો, જે નીકળી ગયેલી તક ઉપર
એ મારા શ્હેરમાં ભટક્યા કરે સડક ઉપર
અમારા સૈન્ય પ્રમાણે જ રણનીતિ ઘડીએ
અમે મદાર નથી રાખતા, કુમક ઉપર
મનુષ્યમાત્ર અહીં કંસનો જ વંશજ છે
હણે છે ગર્ભના બાળકને માત્ર શક ઉપર
પછી તો કઈ રીતે દેખાય વાસ્તવિક દુનિયા ?
રૂપેરી સ્વપ્નનું તોરણ રહ્યું પલક ઉપર
ફલકનું મૌન પ્રથમ રક્તમાં ‘સહજ' ઘૂંટ્યું
અમારો શબ્દ, પછી વિસ્તર્યો ફલક ઉપર
- વિવેક કાણે ‘સહજ’
- વિવેક કાણે ‘સહજ’
સાંપ્રત ગુજરાતી ગઝલમાં અત્યારે કેટલાક નૂતન અવાજો સંભળાય છે. એમાં વિવેક કાણે ‘સહજ’ની નોંધ અવશ્ય લેવી પડે એમ છે. ઘોઘાટ વચ્ચે એ સંતર્પકતાનો અનુભવ કરાવે છે. હું આરંભથી જ વિવેકની ગઝલયાત્રાનો સાક્ષી રહ્યો છું. ગઝલ અને ગઝલકારો સાથેની એની સતત નિસબતને કારણે એ ગઝલસ્વરૂપને સુપેરે પામ્યો છે. પોતાને સાંપડેલા વારસાની ભૂમિ પર પગ ટેકવીને એ આગળ વધે છે ત્યારે એ વાત નોંધવી જોઈએ કે પોતાના પૂર્વસૂરિઓના પેગડામાં પગ ઘાલવા કરતાં એણે પોતાની નોખી કેડી કંડારી છે. એમાં કશુંક નવું કહેવાની, અપૂર્વ રીતે કહેવાની આરત છે અને એ જ કવિકર્મની સાચી ઓળખ છે.
અહીં ઉપર્યુક્ત ગઝલમાં આવી નૂતન અભિવ્યંજના શૈલીનો ઉઘાડ આપણને જોવા મળે છે. ગઝલના નિબંધનને બરકરાર રાખીને કવિ અહીંયા નવોન્મેષ પ્રગટાવે છે. એમાં સંકુલ રીતિના સ્થાને કવિની અભિવ્યક્તિ અને ગઝલને અનુરૂપ સહજ-સરળ બાનીમાં વ્યક્ત થઈ છે તેથી ગાલિબ કહે છે તેમ, એનું પ્રત્યાયન સાર્થક બન્યું છે :
દેખના તકરીર કી લઝઝત કિ જો ઉસને કહા
મૈંને યે જાના, કિ ગોયા યે ભી મેરે દિલ મેં હૈ.
આમ ગઝલના ઉપાડમાં જ આપણને કવિની સંભાષણ-રીતિ પોતીકાપણાનો અહેસાસ કરાવે છે –
તમે રડો છો જે નીકળી ગયેલી તક ઉપર
એ મારા શ્હેરમાં ભટક્યા કરે સડક ઉપર
અહીં શબ્દોની પસંદગી અને પદોની અન્વિતિમાં ક્યાંય દુર્બોધતા કે સંકુલતા નથી. એટલું જ નહીં રોજબરોજના વ્યવહારમાં વપરાતા શબ્દો અહીં કોશગત અર્થોને અતિક્રમીને નવો અર્થબોધ આપે છે. સરી ગયેલી તક ઉપર રડારોડ કરનારને કવિ કહે છે કે આવી તક તો એના શહેરની સડકો ઉપર ભટક્યા કરે છે અને છતાં એ નજરઅંદાજ કરે છે. પુરુષાર્થી તો ધારે ત્યારે અને ત્યાં તક ઊભી કરવાની ખુમારી ધરાવે છે. આ છે વિચારની નૂતનતા. ‘તક-સડક’ જેવી સાવ ચવાઈ ગયેલી કાફિયાબંદી કે ‘ઉપર’ જેવી ચિરપરિચિત સામાન્ય રદીફ કેવું અપૂર્વ અર્થપરિમાણ પ્રગટાવવામાં ઔચિત્યપૂર્ણ ભૂમિકા નિભાવે છે, એની કવિ આપણને પ્રતીતિ કરાવે છે.
કવિની ખુમારી એનો મિજાજ બીજા શેરમાં પણ આવું જ સન્ધાન સાધે છે. એ કહે છે :
અમારા સૈન્ય પ્રમાણે જ રણનીતિ ઘડીએ
અમે મદાર નથી રાખતા કુમક ઉપર
અહીં સૈન્ય, રણનીતિ, કુમક જેવા યુદ્ધના પારિભાષિક શબ્દો અને વિશેષતઃ ‘મદાર' જેવો શબ્દ શેરમાં પ્રાણ પૂરે છે એટલું જ નહીં પણ યુદ્ધની આબોહવાનું નિર્માણ કરે છે. યુદ્ધમાં વિજય પરાજયની નિર્ણાયક ભૂમિકા શસ્ત્રો કે રણનીતિને આધિન નથી, કિન્તુ સેનાપતિની સમર્થતાને આભારી છે એવા અભિનવ તર્કની તિર્યક અભિવ્યક્તિ આપણને સ્પર્શે છે. સમગ્ર શેરનો ભાવબોધ ‘કુમક’ કાફિયાની લક્ષણોમાં અપૂર્વરીતે પ્રગટ થયો છે.
ત્રીજો શેર પૌરાણિક પુરાકલ્પન પર આધારિત છે. ચિરપરિચિત કથા માનવસ્વભાવના સંદર્ભે એમાં યુગોથી રહેલી શંકા જેવા દુરિત તત્ત્વને આપણી સમક્ષ ઉદ્ઘાટિત કરે છે. પ્રત્યેક મનુષ્યમાં કંસ રહેલો છે એવા વિચારની રજૂઆત માણવા જેવી છે. એમાં આધુનિક સમયમાં વ્યાપક ગર્ભ પરીક્ષણના દૂષણને પણ જોઈ શકાય :
મનુષ્ય માત્ર અહીં કંસનો જ વંશજ છે
હણે છે ગર્ભના બાળકને માત્ર શક ઉપર
જીવનની કઠોર વાસ્તવિકતાઓ વચ્ચે સપનું જ માણસને જીવવાની પ્રેરણા આપે છે. સ્વપ્નસૃષ્ટિમાં રમમાણ મનુષ્ય પોતાની અતૃપ્ત ઇચ્છાઓનો ક્ષણિક પરિતોષ મેળવે છે. એટલું જ નહીં, પરંતુ તત્પૂરતું બિહામણા વાસ્તવથી દૂર રહેતો હોય છે. પણ કેવળ સ્વપ્નોમાં રાચીને વાસ્તવથી પલાયન કરવામાં કવિને રસ નથી. એ તો મુકાબલામાં માને છે. જીવનના ચઢાવ- ઉતાર તડકા- છાયાની અનુભૂતિથી જીવનનો સાચો આનંદ મેળવવામાં માને છે. તેથી જ કહે છે –
પછી તો કઈ રીતે દેખાય વાસ્તવિક દુનિયા?
રૂપેરી સ્વપ્નનું તોરણ રહ્યું પલક ઉપર
કવિ મક્તામાં મૌનનો મહિમા કરે છે. મૌન શબ્દથી પણ વિશેષ અર્થવાન અને પ્રભાવક છે. જ્યાં શબ્દ શમે છે ત્યાંથી મૌનનો આરંભ થાય છે. મૌન અપરિમિત, અસીમ અને અર્થથી પર એવી વ્યાપક શબ્દશક્તિનું રૂપ છે જે કૈં કહેતું નથી અને છતાં ઘણું બધું કહી દે છે. રક્તમાં ઘૂંટાયેલા આવા મૌનનો મહિમા કરતા કવિ કહે છે –
ફલકનું મૌન પ્રથમ રક્તમાં ‘સહજ’ ઘૂંટ્યું,
અમારો શબ્દ, પછી વિસ્તર્યો ફલક ઉપર
આમ ગઝલના આંતર-બાહ્ય તત્ત્વોના સુભગ સમન્વયથી નિષ્પન્ન થતી ગઝલિયત અહીં આસ્વાદ્ય નીવડી છે.
– રશીદ મીર
0 comments
Leave comment