3.12 - લક્ષ્યવેધી ગઝલ / વિવેક કાણે ‘સહજ’ / આસ્વાદક : દિનેશ ડોંગરે


તારા સુધી પગેરું આ લંબાય પણ ખરું
આશ્ચર્યનો સ્વભાવ છે, સર્જાય પણ ખરું

જળથી, કમળની જેમ, ક્યાં અળગું રહી શકે
હૈયું છે દોસ્ત, કો'ક દી ભીંજાય પણ ખરું

માનવ હૃદયની એ જ તો ખૂબી છે દોસ્તો
વેરાય પણ ખરું, ને સમેટાય પણ ખરું

રાખો શરત, તો એટલું સમજીને રાખજો
ક્યારેક મત્સ્ય કર્ણથી વીંધાય પણ ખરું

જીવન એ ભ્રમનું નામ છે. બીજું કશું નથી
એ તથ્ય કો'ક દી તને સમજાય પણ ખરું

સાચો પ્રણય ઘણુંખરું, અદૃશ્ય રહે અને
એનું જ બિમ્બ આંખમાં ઝીલાય પણ ખરું

જાગ્યા પછી નયનને ‘સહજ’ બંધ રાખજો
સપનું પલકની કેદમાં રહી જાય પણ ખરું

- વિવેક કાણે ‘સહજ’

જીસ દિન સે ચલા હૂં મેરી મંઝિલ પે નજર હૈ,
આંખો ને કભી મીલ કા પથ્થર નહીં દેખા.

પ્રસિદ્ધ ઉર્દૂ ગઝલકાર ડૉ. બશીર બદ્રનો ઉપરોક્ત શેર વિવેક કાણેની ગઝલને લાગેવળગે છે ત્યાં લગી બિલકુલ બંધબેસતો આવે છે. અમારી વચ્ચે લગભગ એક દાયકા જેટલો ઉંમરમાં તફાવત હોવા છતાંય ૧૯૯૪માં એ પહેલોવહેલો મિત્ર મકરંદ મુસળે સાથે વડોદરામાં પ્રેમાનંદ સાહિત્ય સભાની નિશ્રામાં ચાલતી બુધસભામાં આવ્યો હતો ત્યારથી અત્યાર સુધી મિત્રતાનો સંબંધ અને સેતુ જળવાઈ રહ્યો છે. છેલ્લાં કેટલાંક વરસોથી એ વ્યવસાયાર્થે વડોદરાની બહાર રહેતો હોવા છતાં ગઝલ સંદર્ભે અમારા સંપર્કો આજેય જીવંત છે તેનો મને આનંદ છે.
તારા સુધી પગેરું આ લંબાય પણ ખરું,
આશ્ચર્યનો સ્વભાવ છે, સર્જાય પણ ખરું

પ્રસ્તુત ગઝલના મત્લાથી ગઝલકાર શક્યતા અને સ્વાભાવિકતા સાથેનો આશંકિત સંબંધ પ્રસ્થાપિત કરે છે. “પણ ખરું” રદીફ પ્રયોજીને ગઝલકાર સ્વાભાવિક દેખાતી શક્યતાને આશંકિત બનાવી એક રહસ્યનું જાળું ગૂંથે છે. આશંકા કોના તરફ છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનું ટાળીને “તારા” સર્વનામ યોજી ગઝલકાર પોતાનો મોઘમ ઇશારો જેની તરફ છે તેને સમજાય તે રીતે અંગુલિનિર્દેશ કરી આપે છે.
જળથી કમળની જેમ ક્યાં અળગું રહી શકે,
હૈયું છે દોસ્ત કો'ક દી, ભીજાય પણ ખરું.

ગઝલનો બીજો શેર સંસારથી અળગા રહીને જળકમળવત્ જીવન જીવવાની વાત સંતો કરે છે, તેનાથી સાવ વિરુદ્ધનો છે. માનવીને હૃદય જ ન હોત તો ? આ સમાજ, આ સંબંધો, લાગણી, પ્રેમ, તિરસ્કાર આ બધું હોત ખરું ? જગતમાં માનવીમાત્ર તેના હૃદયને કારણે જ બધા જીવોથી નોખો તરી આવે છે. સારા-નરસા પ્રસંગો, માનવીને સ્પર્શ્યા વગર રહી જ ન શકે તે હકીકતને વિવેક આ શેરના માધ્યમથી આપણી સમક્ષ ખૂબ જ સરળતાથી મૂકી આપે છે. અને માનવ હૃદયની એ જ ખૂબીને ગઝલના એ પછીના શેરમાં વધુ સચોટ રીતે સ્પષ્ટ કરે છે.
માનવ હૃદયની એ જ તો ખૂબી છે દોસ્તો,
વેરાય પણ ખરું ને સમેટાય પણ ખરું.

ગઝલનો ત્રીજો શેર સ્થાપિત હિતો અને સામંતોને ચેતવણીરૂપ શેર છે.
રાખો શરત તો એટલું સમજીને રાખજો,
ક્યારેક મત્સ્ય કર્ણથી વીંધાય પણ ખરું.
ઘણુંખરું એવું બનતું હોય છે કે કોઈનો પ્રવેશ પ્રતિબંધિત કરવાના ઉદ્દેશસહ મૂકેલી શરત જ એનું પ્રવેશદ્વાર બની જતી હોય છે. દ્રૌપદી સ્વયંવરના પ્રસંગનો ઉલ્લેખ કરી ગઝલકાર પોતે જે કહેવા ધાર્યું છે તે બહુ જ સરળતાપૂર્વક, મિથ પ્રયોજી વ્યક્ત કરે છે.

કવિવર રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું છે કે, ‘જીવન અલ્પકાળનો ઉત્સવ છે અને મૃત્યુ મહાકાળ સાથેનું મિલન'. અહીં જીવન શાશ્વત સત્ય છે કે મૃત્યુ ? જીવન આંખ સામેની હકીકત હોવા છતાંય મૃત્યુની નિશ્ચિતતાની અવગણના પણ થઈ શકે તેમ નથી. મોત નક્કી હોવા છતાં એનો સ્વીકાર સહજ અને સ્વાભાવિક નથી. જીવન-મૃત્યુ જેવા ગહન વિષય પરનું ચિંતન વ્યક્ત કરતો ગઝલનો આ ચોથો શેર જુઓ :
જીવન એ ભ્રમનું નામ છે, બીજું કશું નથી,
એ તથ્ય કો'ક દી તને સમજાય પણ ખરું

એવું કહેવાય છે કે પ્રેમ વ્યક્ત કરતાં અવ્યક્ત વધુ રહે છે. ઘણી વેળા જેને જે ઘડી જે કહેવાનું હોય તે લાખ પ્રયત્નો છતાંય કહી શકાતું નથી. અને તેનો વસવસો આખી જિન્દગી રહે છે. મરીઝ સાહેબનો પ્રસિદ્ધ શેર છે :
પીડે છે દિલને કેવી એક અક્ષર કહ્યા વિના,
રહી જાય છે જે વાત સમયસર કહ્યા વિના.

પ્રણયમાં ઘણુંખરું હોઠ મૌન રહે છે અને આંખો વાતો કરે છે. કવિઓએ ભલે મૌનનો મહિમા કર્યો હોય, પરંતુ વાણીનું મહત્ત્વ સહેજ પણ ઓછું નથી. બે વ્યક્તિ જ્યારે પ્રેમમાં હોય તેમની વચ્ચેનો સંવાદ તેમની આંખોમાં પ્રકટતો હોય છે. હૈયાની જે વાત હોઠો પર આવે ન આવે, તેનું બિંબ આંખોમાં સ્પષ્ટપણે ઝિલાતું હોય છે અને એ જ વાતને ગઝલકાર ગઝલના પાંચમાં શેરમાં બખૂબી વ્યક્ત કરે છે.
સાચો પ્રણય ઘણું ખરું, અદૃશ્ય રહે અને,
એનું જ બિંબ આંખમાં ઝિલાય પણ ખરું.

માનવી જાગ્રત અવસ્થામાં જે મેળવી નથી શકતો તેની પૂર્તતા તેના સપનામાં થતી હોય છે. અને એ રીતે એના મનનો બોજ પણ હલકો થતો હોય છે. ગઝલના મક્તામાં વિવેકનું તખલ્લુસ ‘સહજ’ એ રીતે ઓગળી ગયું છે જાણે એ મક્તાનું અભિન્ન અંગ હોય. ‘સહજ' વિવેકનું તખલ્લુસ છે. પરંતુ પ્રસ્તુત ગઝલના મક્તામાં ‘સહજ’ બે રીતે ખપમાં આવ્યું છે. એક તો ગઝલકારને પોતાના સંબોધનરૂપે અને બીજું અનાયાસ/ અથવા તો સાહજિકતાના સંદર્ભે. બંને અર્થમાં જોઈએ તો ‘સહજ' તખલ્લુસ મક્તામાં અનિવાર્યતા સિદ્ધ કરવામાં સફળ નીવડ્યું છે અને તે જ તો સફળ મક્તાની નિશાની છે. જુઓ ગઝલનો મક્તા.
જાગ્યા પછી નયનને “સહજ” બંધ રાખજો,
સપનું પલકની કેદમાં રહી જાય પણ ખરું.

આમ મિત્ર વિવેક કાણેની ઉપરોક્ત ગઝલ નખશિખ કહી શકાય તેવી ગઝલ છે, અને ગઝલના ભાવકો સહિત મર્મજ્ઞોને પણ સ્પર્શી જાય તેવી છે.
– દિનેશ ડોંગરે ‘નાદાન'


0 comments


Leave comment