3.13 - વારંવાર વાગોળવા જેવી... વાગોળી વાગોળીને ગાવા જેવી ગઝલ / વિવેક કાણે ‘સહજ’ / આસ્વાદક : રિષભ મહેતા


તોરણ જે ઉતારો છો, એ લીલું તો નથીને ?
સંકેલો છો જે સ્વપ્ન, એ ભીનું તો નથીને ?

આ મોડસઑપરેન્ડી તો એની જ છે નક્કી
હથિયાર કતલનું જુઓ પીછું તો નથીને ?

સરખું છે અમારું, કે તમારું, કે બધાનું
દુઃખોનું તપાસો, કોઈ બીબું તો નથીને ?

નીકળ્યા જ કરે નિત્ય નવાં સ્વપ્ન નિરંતર,
પલકોની પછીતે કોઈ ખિસ્સું તો નથીને ?

જમ્યા, અને જીવ્યા, ને પછી મોતને ભેટ્યા
આયુષ્ય ‘સહજ’, એટલું સીધું તો નથીને ?

- વિવેક કાણે ‘સહજ’


ગઝલ લખવી છે જરૂર... પણ લખાતી કે લખાયેલી ગઝલ જેવી નહીં... કવિ-પ્રતિભા દર્શાવવી છે જરૂર... પણ ભાષા સાથે આદરપૂર્વકનો ઉચિત વ્યવહાર કરીને... ભાષા પ્રપંચ રચીને નહીં... ભાષાને યંત્ર નહીં, મંત્ર રૂપે પ્રયોજીને... કશુંક રૂઢ જણાતું અરૂઢ બનાવવું, અજાણ્યાને જાણીતું કરવું, સાધારણને અસાધારણ રૂપે નિરૂપવું, સ્થાપિત કરવું યા એમાંથી ઊલટું અસાધારણને એકદમ સાધારણ બનાવી દેવું... આવા આ પ્રકારના ચોક્કસ હેતુ સાથે સર્જન કરતા શાયરને મળવું હોય તો મળો શ્રી વિવેક કાણે ‘સહજ’ને.

એક ગઝલકાર તરીકે એક ગઝલ પ્રેમી તરીકે હું એમને ઘણા લાંબા સમય સુધી રૂબરૂ નહીં મળી શકેલો... છેવટે મારી અંદરના ગઝલ-ગાયક, સ્વરકારે મારો એમની સાથે મેળાપ કરાવેલો અને હવે જ્યારથી આ પરિચય થયો છે ત્યારથી મારા ખૂબ જ ગમતા, ઘણા જ જૂજ શાયરોમાં એમને હું હરખભેર સામેલ કરું છું. એક સ્વરકાર – ગાયક તરીકે એમની ગઝલોના સ્વરાંકન કરવાનું મને ખૂબ જ ગમ્યું છે... એમની સૌ પ્રથમ ગઝલ મેં સ્વરાંકિત કરી અને મારા આનંદાશ્ચર્ય વચ્ચે શાયરને ખુદને જેનું સ્વરાંકન ગમ્યું તેનાથી સો ટકા કૃતાર્થ થયાની લાગણી કદાચ સૌ પ્રથમવાર મેં અનુભવી. કારણ માત્ર એટલું જ કે ‘સહજ’ પોતે સંગીતના જ્ઞાતા છે, સરસ ગઝલ રચે છે એટલું જ નહીં, સરસ ગાયન પણ કરે છે. તેથી તેમની જે ગઝલ વિશે હવે હું થોડીક વાત કરવા ઇચ્છું છું તે ગઝલનું સ્વરાંકન કરવા માટે હવે હું જાતે જ મારો ખભો થાબડી લઉં છું અને સાથોસાથ ગઝલકાર મિત્ર ‘સહજ’ને સલામ પણ કરું છું કે એમણે આ અત્યંત સુંદર ગઝલ લખી મને એનું સ્વરાંકન કરવા પ્રેર્યો. ‘સહજ’ની ઘણી ગઝલોમાંથી હું પસાર થયો છું.... વારંવાર એમની પાસે એમની ગઝલોનું ભાવસભર પઠન તથા સૂરીલું તરન્નુમ સાંભળવાનો લ્હાવો લૂંટ્યો છે. ‘કઠપૂતળી' અને ‘ધીરે ધીરે' રદીફવાળી એમની ગઝલો પણ મારી પસંદગીની ગઝલો છે પણ જે સાંભળતાની સાથે જ મને સ્વરાંકન કરવાની તીવ્ર ઇચ્છા થઈ તે ગઝલ આ...

ગઝલનો ‘રદીફ’– “તો નથીને?” કેટલો સરળ, સહજ, રોજ-બ-રોજની ભાષામાં વપરાતો, દરેકના મનમાં સહજતાથી જન્મતો, ગોઠવાતો, એક સાથે પ્રશ્નાર્થ અને ઉદ્ગાર ચિહ્નોને આકારિત કરતો અને આમ છતાં ખૂબ જ ચવાઈ ગયેલો, રૂઢ થઈ ગયેલો, અત્યંત સાધારણ શબ્દ સમૂહ...!! પણ ‘સહજ’ એનો ઉપયોગ જે રીતે કરે છે તે આ સામાન્ય પ્રશ્નવાચક ઉદ્ગારને એકદમ અસાધારણ અને અસામાન્ય બનાવી દે છે અને છતાં એની સાહજિકતા તથા લાક્ષણિકતા તો અકબંધ જ રહે છે. સમર્થ કવિનું આ જ તો સ્વાભાવિક કવિકર્મ હોય છે. શબ્દ કે શબ્દ સમૂહની સાહજિકતા અને લાક્ષણિકતાને અકબંધ રાખીને એમાંથી ચમત્કૃતિ સર્જવાનું કૌશલ્ય જ કારીગરીને કલામાં પરિવર્તીત કરતું હોય છે. જે સર્જકો આવું કરવામાં અસફળ રહે છે તેઓ કારીગર બનીને રહી જાય છે. જે સર્જકોમાં આવું સામર્થ્ય હોય છે તેને આપણે કવિ કહીએ છીએ.

પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આવતું હોય તેવો ‘નથી ને ?' શબ્દગુચ્છ માત્ર પ્રશ્ન જ સર્જે છે એવું નથી. એમાં અચરજ પણ હોય, આંચકો પણ હોય, આઘાત પણ હોય, આશંકા પણ હોય, જિજ્ઞાસા પણ હોય, સહજ ઉદ્ગાર પણ હોય કે ગંભીર ચેતવણી પણ હોય. અનેક પ્રકારના ભાવ ‘નથી ને?' રદીફ પ્રગટ કરે છે. ‘સહજ’ એની સાહજિકતાને સ્હેજ પણ ખંડિત કર્યા વિના અનેક નવાં તેમજ તાજાં કલ્પનો અને પ્રતીકો ગઝલમાં પ્રયોજે છે. એમાં યોગ જેવો પ્રયોગ છે. ગઝલના મત્લાના શેરથી જ આ યોગની શરૂઆત થાય છે. એક ઉજવાતાં ઉજવાતાં રહી ગયેલ ઉત્સવની અકળામણ, વેદના, કોઈ અધૂરા ઓરતાની ટીસ, ‘નથી ને?' રદીફના પ્રયોગથી જ ચિત્રાંકિત થઈ શકી છે. સ્વપ્ન પૂર્ણતા પામે તે પહેલાં જ સંકેલી લેવાની કમનસીબ પરિસ્થિતિ સર્જાય તો આંખ ભીંજાય જ અને એની ભીનાશ જો સૌ પ્રથમ કોઈને સ્પર્શે તો તે પેલા છિન્ન સ્વપ્નને જ સ્પર્શ એ ય એટલું જ સાચું. આ ભાવને ‘નથી ને?' રદીફમાં રહેલ પ્રશ્ન, એમાં રહેલ જિજ્ઞાસા-શંકા કેવો ગાઢ બનાવી દે છે !

સજાગ અને સમર્થ સર્જક પાસે પોતાના ભાવને અનુરૂપ શબ્દ આપોઆપ આવતો હોય છે. ‘મોડસ- ઑપરેન્ડી' એક એવો જ શબ્દસમૂહ છે. શાયરે જે વાત કહેવી છે તે માટે આ શબ્દ-સમૂહનો કોઈ પર્યાય ભાગ્યે જ ઉપલબ્ધ હોય. બીજા શેરની બીજી પંક્તિમાં વપરાયેલ શબ્દ ‘હથિયાર' ‘મોડસ-ઑપરેન્ડી' ની સાર્થકતા સિદ્ધ કરે છે. ગઝલમાં બંધ બેસતા ન જણાતા શબ્દો પણ સમર્થ શાયર કેવી સહજતાથી ગઝલમાં, ગઝલના છંદની શિસ્તના દાયરામાં રહીને પ્રયોજી શકે છે. તેનું આ એક સરસ ઉદાહરણ છે.

ગઝલનો ત્રીજો શેર – એનો સાની મિસરો એક પરંપરાગત ગઝલનો મિસરો જણાય છે. પણ પછી શાયર કમાલ સર્જે છે – “દુ:ખોનું તપાસો કોઈ બીબું તો નથી ને ? કહીને બીબાંઢાળ લખાતી આજકાલની ઘણી ગઝલોથી ‘સહજ’ પ્રયોજેલું ‘બીબું કેવું અને કેટલું ભિન્ન છે ! સાધારણને અસાધારણ કેવી રીતે બનાવાય તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. ‘સરખું છે અમારું કે તમારું કે બધાનું' પંક્તિ વાંચતા, સાંભળતા તરત જ ‘મરીઝ' યાદ આવ્યા...”

‘અહીં દુઃખની દુનિયામાં એક રંગ જોયો’ આ પંક્તિનું સ્મરણ થયું... પણ સ્મરણ થયું ના થયું ત્યાં તો ‘દુઃખોનું તપાસો કોઈ બીબું તો નથી ને?' કહીને શાયરે જે ચમત્કાર સર્જ્યો તે લાજવાબ છે.'

તેવો જ ચમત્કાર ગઝલના ચોથા શેરમાં પણ જોવા મળે છે. મને તો આ શેર સાંભળતાં જ જાદુગર કે.લાલ યાદ આવી ગયેલા. પલકોની પછીતે કોઈ ખિસ્સું તો નથી ને? ખિસ્સું કાફિયાના પ્રયોગને કારણે જ તો. અહીં પણ Common ને Uncommon બનાવવાની જાદુગરી શાયરે બતાવી છે.

ગઝલના મક્તાનો શે'ર અસલ પરંપરાના મિજાજનો શે'ર લાગે છે જરૂર, પણ એમાંય ‘સહજ’ તખ્ખલુસનો અર્થસભર ઉપયોગ ‘સીધું’ શબ્દમાં રહેલી વક્રતાને બરાબર ઉપસાવે છે.

સમગ્ર ગઝલમાં ‘નથી ને ?' રદીફ નિભાવવા જે છંદ અને જે બહરનો શાયરે ઉપયોગ કર્યો છે તે પણ દાદ માંગી લે છે. સમગ્ર ગઝલ શાયરની સર્જકતાને ભારોભાર ઉજાગર કરે છે. ગઝલમાં જવલ્લે જ વપરાતા ‘કાફિયા', એમાંથી પ્રગટ થતાં સંવેદનો અને સંવેદનોમાં રસાયેલા વિચાર આ બધું સહજપણે એક સામટું પ્રગટ થાય છે.

ઉપર ઉપરથી સાધારણ-સામાન્ય લાગતી ચીજ-વસ્તુ કે વિચાર સુધ્ધાં પરિભાષિત કરવો સહેલો નથી. સહજતા, સહજ ભાગ્યે જ હોય છે. ‘સહજ’ની આ ગઝલ ખરેખર ‘સહજ’ છે... પરંતુ આ સહજતા ભારોભાર સજાગતા અને એના પરિણામે પ્રાપ્ત કરાયેલ કલાત્મકતાને કારણે છે. એમાં જે કલાત્મકતા છે તે ‘નથી ને ?' રદીફના ઉપયોગને કારણે વધુ અસરકારક અને પ્રભાવક બની છે. ગઝલમાં રદીફની પસંદગી અને એનો યોગ્ય નિભાવ કવિ પાસે ભારોભાર કલ્પના અને એના વિનિયોગનો વિવેક માંગી લે છે. અગાઉ કહ્યું તેમ આ ગઝલ માટે કવિએ પ્રયોજેલો છંદ પણ શાયરની અભિવ્યક્તિને અત્યંત પોષક બની રહે છે. છંદને Mathematics માનનારા વિવેચકોને આવી ગઝલો વાંચ્યા બાદ એ Mathematicsમાં રહેલ Aesthetics નો અનુભવ થાય એમ હું તો ઇચ્છું.

સારી, સાચી ગઝલ, સંવેદનશીલ ભાવકને કે સર્જકને જરૂર ઝંઝોળી નાંખે છે. પોતે એની સાથે એક યા બીજા પ્રકારે સતત બંધાયેલો રહેવા ઇચ્છે છે. કદાચ એટલે જ મેં આ ગઝલનું સ્વરાંકન કર્યું અને એ રીતે એને કંઠસ્થ કરી... પણ ‘યે દિલ માંગે મોર' જેવી પરિસ્થિતિ તો ઊભી જ રહી.

કહેવાય છે – સ્વાતિ નક્ષત્રમાં જ્યારે વરસાદ પડે છે ત્યારે વર્ષાનું એક બુંદ અગર કોઈ છીપમાં પડે તો એમાં મોતી જન્મે છે. તે કવિ મિત્ર ‘સહજ’, એ કહો જોઉં – એવી જ કોઈ મુબારક ક્ષણમાં તો તમારી આ ગઝલ જન્મી નથી ને ?

– રિષભ મહેતા


0 comments


Leave comment