3.14 - અંતર કપાયાનો અનુભવ / વિવેક કાણે ‘સહજ’ / આસ્વાદક : વિનોદ જોશી


બટન નથી કદી, ક્યારેક ક્યાંક ગાજ નથી
બધું’ય સરખું હો, એવો કોઈ સમાજ નથી

બહર, રદીફ અને કાફિયા ટકોરાબંધ,
અને જુઓ તો ગઝલમાં કશી મઝા જ નથી

બહરના અંતમાં ‘લલગા' કે ‘ગાગા' પણ આવે
‘લગાલગા લલગાગા લગાલગા' જ નથી

નકાર, જાકારો અથવા ઉપેક્ષા દઈ દઈએ
અમે નસીબને કોઠું તો આપતા જ નથી

કશું’ય આપવા-લેવાનું ક્યાં પ્રયોજન છે ?
તમારે દ્વાર કશા હેતુથી ઊભા જ નથી

તરત નીકળવું, કે થોડીકવાર થોભી જવું ?
જવાનું નક્કી છે, એના વિષે દ્વિધા જ નથી

પરાઈ પીડ, ભળી ગઈ છે મારી પીડામાં
આ મિશ્ર રાગ છે, સીધો સરળ ખમાજ નથી

સમયના ન્હોર ઘણાં તીણાં છે, એ માન્યું પણ
સમય ભરી ન શકે એવો કોઈ ઘા જ નથી

જે છે તે આ છે, અને જે ‘સહજ’ નથી તે નથી
ખપે તો લઈ લો, અમે બીજું બોલતા જ નથી.

- વિવેક કાણે ‘સહજ’


કશું સારું કે નરસું હોતું જ નથી. બધું કોઈ ને કોઈ પરિસ્થિતિ રૂપે જ હોય છે. પરંતુ પરિસ્થિતિને પરિસ્થિતિ તરીકે જ જોવાનું મુશ્કેલ હોય છે. અનુકૂળતા અને પ્રતિકૂળતા જેવાં વલણ તેમાં ભળે, કે તરત જ એક અભિપ્રાય, સાચો કે ખોટો, સારો કે નરસો, બંધાઈ જ જતો હોય છે. તેમાંથી બહાર નીકળવું પછી શક્ય હોતું નથી. ગમા-અણગમા કે નિષેધ અને સ્વીકારની માનસિકતા તેમાંથી જન્મે છે. આ રચનામાં એક દિશાએથી નિષેધને સીધો જ તાકવામાં આવ્યો છે, પણ તેના પ્રત્યાઘાતમાં બીજી દિશાએથી પરોક્ષ પરંતુ પ્રચ્છન્ન એવો સ્વીકાર પણ ખૂલે છે તે રસપ્રદ છે.

‘બધુંય સરખું હો એવો કોઈ સમાજ નથી' જેવા વિધાનથી કવિ પોતાના કથનના કિલ્લામાં પ્રવેશે છે. ગાજ-બટનના વ્યવહારુ સંદર્ભની દોદળી અભિવ્યક્તિ ત્રણેક શેર સુધી એવા જ ઢસડાટનો અનુભવ કરાવે છે. ટકોરાબંધ લાગતું જે કંઈ છે તે મજા આપવામાં નિષ્ફળ જાય છે અને બંધારણ સચવાતું નથી તે ગઝલના સંદર્ભમાં ઉલ્લેખી કવિ એક વ્યાપ્તિમાં સરી જાય છે અને ત્યાંથી ગઝલ ઊંડાણ પકડે છે. હવે અહીં વ્યક્તિગત સંદર્ભ પણ ભળે છે. ‘અમે' કહીને કવિ પોતાની સામેલગીરી સ્પષ્ટ કરે છે. નસીબ સામેનો મોરચો કવિની સન્નદ્ધ મુદ્રા તો દાખવે જ છે પરંતુ સમજનો એક ખૂણો પણ ખોલી આપે છે.

કોઈક સામે ઊભું છે. આમ તો એવું કહેવાયું નથી પણ સોંસરું સમજાઈ જાય છે. આપવા-લેવાના પ્રયોજન વગર, ‘તમારે દ્વાર કશા હેતુથી ઊભા જ નથી' એમ કહેવામાં મગરૂરી તો છે જ પણ સામે જે ઊભું છે તે પોતાના વિશે કશી ગેરસમજ ન કરે તેની તાકીદ પણ છે. દ્વાર પર અપ્રયોજન પહોંચવું અને ઊભા રહી જવું એ કેવળ કોઈ ક્રિયા નથી. એ ઘટના છે. આમ ઊભા રહી જવાનું કંઈ અમસ્તું જ નહીં બન્યું હોય તેવો અર્થસંકેત અહીં સહજ ખૂલે છે. અને તેનો અણસાર પછીના શેરમાં ખુલ્લો થાય છે. અપ્રયોજનના દ્વારે આવી પહોંચ્યા પછી ‘નીકળવું' કે ‘થોભી જવું’ જેવો કવિને મૂંઝવે છે. જોકે ‘જવાનું નક્કી છે' એ નિયતિની તો કવિને જાણ છે જ, પરંતુ આ પરિસ્થિતિમાં ‘પ્રવેશવું' નામે પોતાના થકી કશું થઈ શકતું નથી તેની કણસ આ દ્વિધાની પણ પેલે પારથી આવીને કવિને વળગે છે તે જ્યારે સમજાય છે ત્યારે ગઝલ ભરી ભરી દીસે છે.

સરળ ખમાજ નહીં લાગતી પરાઈ પીડને વ્હોરી વૈષ્ણવજન થવાનો કવિનો અભરખો આમ તો દેખાતો નથી, પણ મિશ્રરાગની કઠિનતાને અપનાવવાની ઉસ્તાદી ઠાવકાઈમાં કવિનું સૌહાર્દ દેખાય છે. ‘પરાઈ અને ‘મારી'ના દ્વૈત વચ્ચે પીડા જેવું બેઉમાં અવરજવર કરી શકતું કશુંક કવિને સર્વસાધારણરૂપે વિલસતા કરી દે છે. જે કંઈ એકાકાર રાખી શકે તેવું છે તે તો કેવળ ભાવજગત છે. પિંડના દ્વૈતને ઓગાળવાનો તે સિવાય બીજો કોઈ ઈલાજ નથી.

‘સમયના ન્હોર' કહેવાથી એક હિંસક અને આક્રમક વિભાવ રચાય છે. કવિની તેની સામેની શરણાગતિ સુસ્પષ્ટ છે. સમયના ન્હોરથી પડતા ઉઝરડાને કવિ માન્યતા આપી દે છે તેમાં ઔદાર્ય છે તેવું નહીં, મજબૂરી છે. છૂટકો નથી પણ પછી તરત જ ખુદ સમયના સમય પરના સ્વામીત્વની જાહેરાત કરી કવિ ઝેરનાં મારણ ઝેરનો પુરસ્કાર કરે છે. ‘જે પોષતું તે મારતું' એ એક સ્થિતિ છે તો ‘જે મારતું તે પોષતું’ તે બીજી સ્થિતિ પણ છે. શરણાગતિની સાથે ભળેલા આશાવાદથી કવિનો આ વિચાર એક ઊંચાઈ તરફ ખસતો દેખાય છે.

વાસ્તવના સ્વીકારની ભૂમિકાએ ‘જે છે તે આ છે' જેવું સમાધાન કરતા કવિ ‘જે નથી તે નથી’ તેનો સ્વીકાર પણ કરે છે. પણ ખરેખર તો કવિ આ જે કંઈ ‘છે’ અને ‘નથી’ છે તે કોઈકને આપવા માટે કોઈકના દ્વારે આવી ઊભા છે. કવિને ગળા સુધી ખાતરી નથી કે લેનાર તેનો સ્વીકાર કરશે જ. તેથી ‘ખપે તો' જેવી વિકલ્પવાળી રજૂઆત કરી પોતે બોલવાનું બંધ કરી દે છે. જે છે તે અને જે નથી તે પોતપોતાના ગમા-અણગમા પ્રમાણે ગમતું કે નહીં ગમતું છે, તેમ સ્વીકારવાનું કવિએ સ્વીકારી લીધું છે.

કોઈ એકની ઈચ્છા પ્રમાણે દુનિયા બની નથી. સહુને સહુની દુનિયા છે અને એટલે તો એકબીજાની દુનિયામાં અવરજવર થઈ શકે છે. ‘છે' અને ‘નથી’ના દ્વન્દ્વ વચ્ચેથી સ્વીકાર અને ઈન્કારની નહીં પણ પરિસ્થિતિની જ વ્યાખ્યા કરવાની હોય છે. છેવટે તો બધું ‘પરિસ્થિતિ’ જ હોય છે.

ફિલસૂફી કવિતાનો બોજ નથી. એ તો કવિતાનું હલેસું છે. આ ગઝલમાં એવું હલેસું કવિતાની દિશામાં આપણને લઈ જાય છે અને અંતર કપાયાનો અનુભવ આપે છે.
– ડૉ. વિનોદ જોશી


0 comments


Leave comment