1 - પ્રાસ્તાવિક / સતી લોયણનાં ભજનો / નાથાલાલ ગોહિલ


મરમી સંતકવિઓમાં સતી લોયણનાં ભજનો ઊંચા ગજાના જણાયાં છે. ભજનસાહિત્યમાં સતી તોરલ, સતી રૂપાંદે, સતી લોયણ અને ગંગાસતી મહાપંથી યોગિનીઓ ગણાય છે. તેમાં સતી લોયણનાં જીવનકવન વિશે શ્રદ્ધેય કાર્ય થયું નથી. ભજનવાણીના સંશોધક તરીકે ઘણા સમયથી લોયણ વિશે કામ કરવાની મારી ઈચ્છા હતી ત્યાં નવભારત સાહિત્ય મંદિરની ‘શ્રેષ્ઠ કાવ્યશ્રેણી’ની યોજના અંતર્ગત ‘સતી લોયણનાં ભજનો’ એકત્ર કરી તેની વિવેચનાત્મક નોંધ તૈયાર કરવાનું મનભાવતું કાર્ય મને મળ્યું અને તેનો આનંદ થયો.

લોયણનાં છૂટાંછવાયાં ભજનો જુદા જુદા ભજનસંગ્રહોમાં મળે છે. તેમાં ખાસ કરીને ‘બૃહત્ સંતસમાજ ભજનાવલી’, ‘યોગવાણી’, ‘સોરઠી સંતવાણી’, ‘સંત લાખા અને સતી લોયણ’, ‘લાખા-લોયણનાં ભજનો’ તથા ‘નટવર ભજનાવલી’ના આધારે ૪૫ ભજનો પ્રાપ્ત થયાં. ‘ભક્તિ સાગર-ર’માં અભરામ ભગતે બોટાદના વીરસિંહ મકવાણાની ભજનનોંધપોથીના આધારે ૮૪ ભજનો આપ્યાં છે. ઉપરાંત અન્ય ભજનવાણીના ગાયકો. ભાવિકો–સંશોધકોની મુલાકાત લઈને બીજાં પાંચ ભજનો મેળવી. શક્યો છું ને આ સંગ્રહમાં કુલ ૮૯ ભજનો એકસાથે પ્રથમ વખત ગ્રંથસ્થ થાય છે.

લોયણનાં ભજનોને પ્રસ્તુત સંપાદનમાં ગુરૂમહિમા ( ગુ-રુશરણભાવ), ભક્તિમાર્ગ, નિજારપંથ, જ્ઞાન, ભક્તિ. યોગ, આત્મજ્ઞાન, રાણીને ગુરુબોધ, જનક-અષ્ટાવક્ર સંવાદ ભજનો જેવા વિભાગોમાં વહેંચીને લોયણનું દર્શન, તેની વાણીનો મરમ અને ભજનવાણીમાં દર્શાવેલ યોગવિદ્યા સમજાવેલ છે. અહીં માત્ર લોયણનાં ભજનોના મર્મનું આચમન થઈ શકે એટલો જ ઉપકમ છે. ભજનનો અભ્યાસ કરનારા સાધકો-ભાવિકો અને અભ્યાસીઓને મારું આ કાર્ય ઉપયોગી થશે તો હું ધન્ય બનીશ.

આ સંશોધન-સંપાદન તૈયાર કરવામાં ઉપયોગી થનાર ઉપર્યુક્ત પ્રકાશિત ભજનસંગ્રહો અને અપ્રાપ્ય ‘નટવર ભજનાવલી’ સુલભ કરી આપનાર મોહનપુરી ગોસ્વામી, અપ્રાપ્ય 'ભક્તિસાગર-ર'ને શોધી આપનાર પ્રો. રમેશ સાગઠિયા અને ભજનોને ધ્વનિમુદ્રિત કરનાર ભજનભંડારી ડૉ. નિરંજન રાજ્યગુરુનો હું ઋણી છું.

અંતમાં નવભારત શ્રેષ્ઠ કાવ્યશ્રેણી-અંતર્ગત ‘સતી લોયણનાં ભજનો’નું સંપાદનકાર્ય સોંપવા બદલ નવભારત સાહિત્ય મંદિરના સંચાલક શ્રી મહેન્દ્રભાઈ શાહનો અંતરથી આભાર માનું છું.
- નાથાલાલ ગોહિલ
વિજયા દશમી, સં. ર૦૫૧
તારીખ ૩-૧૦-૯૫
કેશોદ (જિ. જૂનાગઢ)


0 comments


Leave comment