2.2 - જીવન પરિચય / સતી લોયણ : જીવન અને કવન / ડૉ.નાથાલાલ ગોહિલ


ભજનિક સંતકવિઓના જીવનસંદર્ભે અનેક મતમતાંતરો રહ્યા છે તેમ સંત-કવયિત્રી લોયણના જીવન વિશે પ્રમાણભૂત માહિતી પ્રાપ્ત થતી નથી. અત્યારસુધીના ભજનસંગ્રહો, પરિચય આપતી પુસ્તિકાઓ અને ભજનિકો પાસેથી જે માહિતી મળે છે તેમાં જે શ્રદ્ધેય જણાયું છે તેમાં ‘સોરઠી સતવાણી', 'ભક્તિસાગર-ર', 'ગુજરાતી સાહિત્યકોશ, ખંડ ૧ : મધ્યકાળ’ અને ડૉ. નિરંજન રાજ્યગુરુએ આપેલ 'સત કેરી વાણી’ની પરિશિષ્ટનોંધનો સમાવેશ થાય છે.

સતી લાયણનો જન્મ લુહાર જ્ઞાતિમા વીરાભગતને ત્યાં કીડી (તા. બાબરા, જિ. અમરેલી) ગામ થયો હતો. પિતા મહાપંથી હોવાથી તેમને ઘેર પાટઉપાસના થતી તે સમયે અનેક સંત-સાધુ-ભજનિકો પધારતા. બાળપણથી લોયણમાં આ ભજન અને પંથપરંપરાના સંસ્કારોપડયા.

લોયણને ભગવાને અપાર રૂપ આપ્યું હતુ. આટકોટનો વિલાસી રાજવી લાખો રૂપવતી લોયણને મેળવવા અનેક પ્રયત્નો કરવા છતા નિષ્ફળ ગયો. ધમાંધ લાખો બળાત્કારે લોયણને સ્પર્શવા જતા કોઢિયો બન્યો. પછી પશ્ચાતાપમાં લાખો લોયણને શરણે આવે છે. મહાપંથમાં નારીનુ સ્થાન ગુરૂનુ છે. તોરલે જેસલને, રૂપાંદેએ માલદેવને, ડાળલદેએ રાવતરણશીને બોધ આપ્યો છે. તેમ અહીં લાખાને લોયણ ભક્તિનો માર્ગ દર્શાવી અગમભેદની ગુરુચાવી આપે છે.

લોયણ નાની વયે ગુરુ ઉગમશીના પરિચયમાં આવેલી. તેમના સમર્થ શિષ્ય શેલર્ષી મહારાજ યોગવિદ્યાના અનુભવી સાધક હતા. શેલર્ષી પૂર્વાશ્રમમાં ગઢ ઢેલડી (મોરબી)ના રાજવી હોવાનું કહેવાય છે.

સંત લાખા અને સતી લોયણ વિશે સ્વામી શ્રી આત્મપ્રકાશજી (બખરલા, તા. પોરબંદર) - સંપાદિત ભજનસંગ્રહ અને તેમાં કથાકાર કાળીદાસ મહારાજના (‘જનકલ્યાણ’ વર્ષ-ર, અંક-૧ ના) લેખને આધારે લોયણ જામખંભાળિયામાં લુહારને ઘેર જન્મી હતી. લોયણ અતિ રૂપાળી કામણગારી કાયાવાળી હતી. આ વિસ્તારમાં લાખો આહિર કે કાઠી હતો જે ચોરીલૂંટફાટનો ધંધો કરતો હતો. લોયણ તેની પ્રેમિકા હતી. તેને સંત સેલણસી જે પૂર્વાશ્રમમાં મહેર જ્ઞાતિના હતા તેમણે ગુરુબોધ આપી લોયણને સદમાર્ગે વાળી હતી. સાહિત્ય સંગમ - સુરત દ્વારા પ્રકાશિત ‘લાખો લોયણ'માં લાખાને કચ્છનો વિહારી રાજા રા'લાખો અને લોયણને મજેવડીની દેવતણખી લુહારની દીકરી કહે છે. અહીં કચ્છનો લાખો જૂનાગઢ મજેવડી સુધી આવે તે સ્વીકાર્ય બનતું નથી. મજેવડીમાં લુહાર ભગત દેવતણખી અને તેની પુત્રી લીરલબાઈ દેવાયત પંડિતના સમયમાં થઈ ગયાં છે તે કથા સાથે લોયણની કથાને ભેળવી દીધી છે.
(ક્રમશ :...)


0 comments


Leave comment