2.2 - લોયણનું કવન / સતી લોયણ : જીવન અને કવન / ડૉ.નાથાલાલ ગોહિલ


લોયણ લાખાને સંબોધતાં હોય એ રીતે રચાયેલાં ભજનો જુદા જુદા ભજનસંગ્રહમાં જુદી જુદી સંખ્યામાં મળે છે. મોટા ભાગના ભજનસંગ્રહોમાં એક જ પ્રકારનાં ૪૫ ભજનો પ્રાપ્ત થાય છે. ભક્તિસાગર’-રમાં અભરામ ભગતે ૮૪ ભજનો આપેલાં છે. અહીં અન્ય ભજનિકો પાસેથી તેમની જૂની નોંધપોથીના આધારે ૮૯ ભજનો પ્રાપ્ત કર્યા છે. આ ભજનોમાંથી મોટા ભાગનાં લાખાને ઉપદેશરૂપે રચાયાં છે. તેમાં ભક્તિનો માર્ગ સમજાવતાં ૩ ભજનો, ગુરુમહિમા દર્શાવતાં ૪ ભજનો, જ્ઞાન-ભક્તિ- યોગનાં ૪૮ ભજનો, જનક-ગુરુઅષ્ટાવક્ર સંવાદનાં ૧૧ ભજનો, રાણીને ગુરુબોધ આપતાં ૧૨ ભજનો અને છેલ્લે શરણાગતિનું એક ભજન આપેલ છે.

લોયણનાં ભજનો સંવાદરૂપે રચાયેલાં પણ મળે છે. જેમ ગીતામાં કૃષ્ણ અર્જુનને બોધ આપે છે તેમાં જ્યાં અર્જુનને શંકા કે સંશય હોય ત્યાં પ્રશ્નન પૂછે ને તેનું સમાધાન આપવામાં આવે છે તેવું અહીં બન્યું છે. સૌરાષ્ટ્રના સંતસાહિત્યનું આ એક પ્રશ્નોપનિષદ ગણી શકાય.

જનક-ગુરુઅષ્ટાવક્રના સંવાદમાં અને રાણી-લોયણના સંવાદમાં પણ આ બાબત જોઈ શકાય છે. આ ભજનોમાં ભારતીય સાધનાધારામાં દર્શાવેલ ગુરુમહિમા અને સદગુરુ એક માત્ર તારણહાર છે તે સમજાવ્યું છે. નિજિયાપંથીની ઓળખ, નિર્ગુંણ ભક્તિમાર્ગ, ગીતાનો ભક્તિયોગ, શ્રીમદ્દભાગવતની પ્રેમલક્ષણા ભક્તિ, હઠયોગ, અષ્ટાંગયોગ અને આત્મયોગ દ્વારા યોગી બ્રહ્મરસના ભોગી બને ત્યાં સુધીની સળંગ ક્રિયા સમજાવી છે. ગુરુવચનનું પાલન કરવું, શુદ્ધ બ્રહ્મચર્ય અને પવિત્ર આહાર-વિહાર દ્વારા મનને જીતવું, વાણી-સંયમી કરી સુરતાની સ્થિરતા દ્વારા જીવદશામાંથી શિવદશાએ પહોંચવું તેનો માર્ગ તેમાં દર્શાવ્યો છે. તે વિશદતાથી જોઈએ.
(ક્રમશ :...)


0 comments


Leave comment