2.3 - ભક્તિનો માર્ગ / સતી લોયણ : જીવન અને કવન / ડૉ.નાથાલાલ ગોહિલ


લોયણ લાખાને પ્રબોધે તે પહેલાં આ ભક્તિનો માર્ગ ખાંડાની ધારે ચાલવા જેવો કઠણ છે તેમ સમજાવે છે. ભક્તિના માર્ગે ડગલે ને પગલે પરીક્ષાઓ લેવાય છે તેમાં મરજીવા હોય તે મોતી મેળવી શકે છે. ‘પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતાં લેવું નામ જોને’, એટલે સંતોએ આ ભક્તિરસના પ્યાલાને અજર કહ્યો છે, જેવાતેવાથી એ પચે તેમ નથી. એક પ્રાચીન ભજનમાં ગવાયું છે :
‘અજરા કાંઈ જર્યા નહિ જાય,
એ જી વીરા મારા ! અજરા કાંઈ જર્યા ન જાય,
થોડે થોડે સાધ પિયો ને હાં.”

એ જ રીતે સતી લોયણ લાખાને સમજાવતાં ગાય છે :
‘હે લાખા, ભક્તિના માર્ગે સૌપ્રથમ વાસના મારવી પડે છે. સમાજની નિંદા સહન કરવી પડે છે, તમે રાજા છો તેનો અહં ગાળવો પડશે. આજે તમારા મહેલમાં અત્તર મહેકે છે. રાણીઓ, મિત્રોની મહેફિલો જામે છે, તેની જગ્યાએ ભભૂતિવાળા સાધુડા આવશે તે સહન થશે ? રાજની રીત્યું પાળવી સોઈલી પણ ભગતિ દોયાળી છે.’
‘જી રે લાખ ! ખૂંદી ખમે માતા પ્રથમી ને
વાઢી રે ખમે વનરાઈ હા,
કઠણ વચન ઓલ્યાં સાધુડાં ખમે ને,
નીર તો સાયરમાં રે સમાય.'

ગમે તેટલી ખૂંદો તો પણ પૃથ્વી સહન કરે છે, વાઢી નામો તો પણ વનરાઈ બોલતી નથી. એમ ગમે તેવાં કટુ વચન બોલો તો પણ ભક્તો સહન કરે છે. જેમ સાગરમાં નદીઓ ગમે તેટલું પાણી નાખે તેમાં સમાઈ જાય છે તેમ ભક્તોએ સાગરપેટ બનવું પડે છે.

ભકિતનો ભેદ જાણવો સહેલો નથી. આ માર્ગ અગમ રહ્યો છે. ભગવાં પહેરવાથી, લંગોટી બાંધવાથી, દાઢીમૂછ રાખવાથી કે મૂંડવાથી, રામસાગર બજાવી ભજન ગાવાથી ભક્તિ મળતી નથી. જ્યારે તમારી સુરતા શૂન્યમંડળમાં લાગી જાય ને અંતરમાં અજવાળુ થાય તો ભક્તિસાધના સિદ્ધ થાય. પરંતુ આ કહેવું સહેલું છે, કરવું દોહિલું છે. મન મારી, દેહભાવ ટાળી, વાણી-સંયમી કરી, નુરત-સુરતના દોર પકડાઈ જાય તો ભક્તિ થાય. એટલે લોયણ કહે છે કે :
'જી રે લાખા, શીશ રે ઉતારી જ્યારે
ધરણી પર ધરશો એ જી
ત્યારે તમને સાયબો મળશે રે હાં.’
(ક્રમશ :...)


0 comments


Leave comment