2.4 - નિજીયા ધરમ / સતી લોયણ : જીવન અને કવન / ડૉ.નાથાલાલ ગોહિલ


લોયણ જ્યારે ભક્તિના માર્ગને 'બોત રે કઠણ’ કહે છે ત્યાં નિજીયા ધરમ પાળવાની કઠિનતા તરફનો તેમનો સંકેત હોય તેમ જણાય છે. ગુરુ ઉગમણી, ગુરુ શેલર્ષીની પરંપરા નિજીયા પંથ સાથે જોડાયેલી છે. આ જતિ સતીનો ધરમ છે જે લાખા -લાયણમાં જોવા મળે છે. લોયણનાં ભજનોમાં નિજીયા ધરમ અને તેની સાથે સંકળાયેલી પાટઉપાસના જોવા મળે છે.
'જી રે લાખા,
જૂનો રે ધરમ છે અનાદિ એ જી,
એને શિવ-સનકાદિક માને હા.'
* * *
‘નિજીયા ધરમની ખબર નથી તમને જી,
એને કોઈ ઋષિ આચારજ જાણે હાં.'
* * *
‘એ પદ જોગી શિવજી જાણે જી,
એનો રસ ઉમિયા દેવી માણે હાં.'
* * *
‘આદ જુગનો પાટ મંડાયો જી,
તિહાં બલિ રાજાધરમ આદરિયા.'

લોયણ ‘નિજીયા ધરમ'ની વાત તેના મૂળથી કહે છે. વૈશંપાયને માર્કંડેય ઋષિને નિજીયા ધરમ સમજાવ્યો જે ધરમ આદિ-અનાદિનો છે. શિવ-શક્તિએ એ ચલાવ્યો છે. નેણમાંથી સૃષ્ટિ ચળાવી છે. શ્વાસ અને ઉચ્છવાસ, નુરતા અને સુરતા છે. શ્વાસ શિવ છે, ઉચ્છવાસ શક્તિ છે. આ પ્રાણની ગતિ સાધ્યે અજપાજાપ પમાય છે. આદિકાળથી ચાલી આવતી પાટઉપાસનામાં આ ગુપ્તસાધના પ્રતીક રૂપે દર્શાવી છે. તેની સાધનાધારા કોઈ જોગી જાણે તો તેના અમીરસને ચાખે.
(ક્રમશ :...)


0 comments


Leave comment