2.5 - ગુરુનું શરણ / સતી લોયણ : જીવન અને કવન / ડૉ.નાથાલાલ ગોહિલ


ભારતીય સાધનાધારા અને સંતવાણીમાં સૌપ્રથમ સદગુરૂનો મહિમા ગવાયો છે. આ ગુરુ એ સામાન્ય ઉપદેશક, શિક્ષક, ધર્મગુરુ, સમાજસુધારક કે કથાકીર્તનકાર નથી. પંથપ્રચારક કે કંઠી બાંધનારો, ગુરુમંત્ર ફૂંકનારો પણ નથી. આ સદગુરુ તો અગમ ભેદ દર્શાવી, અજ્ઞાનઅંધારું ટાળી, ઘટભીતર બેઠેલા હરિવરની ઓળખ આપી એકરૂપ બનાવી આપે છે. લોયણ, લાખાનું ધ્યાન ગુરૂમાં સ્થિર કરવાનું જણાવીને ગુરુનું સ્થાન અને ગુરુગમ સમજાવે છે. ગુરુને ચરણે તન, મન, ધન અર્પણ કરીને માનવજન્મ સફળ બનાવવાનો ઉપદેશ આપે છે.

ગુરુ વિના જ્ઞાનપ્રાપ્તિ નથી. ગુરુ વિના અગમભેદ જાણવા મળતો નથી. ગુરુ વિના મનનો સંશય ટળતો નથી એટલે લોયણ લાખાને સદગુરુને શરણે જવાનું કહે છે :
'જી રે લાખા,
પ્રથમ સદગુરુના પાય પૂજીએ જી,
તમે મનવાંછિત ફળ માગો રે હાં.'
હે લાખા, આ સંસારની મોહનિદ્રામાંથી જાગીને, લાભ-હાનિનો વિચાર ત્યજીને ગુરુને શરણે જવાનું છે. આપણું અભિમાન, હુંપણું ગુડને ચરણે મૂકીને અનભે ભક્તિની દીક્ષા લેવાની છે. મન, કર્મ અને વચનથી જો સદગુરુની સેવા કરશો તો તમને પ્રેમભક્તિનો અનુભવ થશે.

સદગુરુના મહિમાનો કોઈ પાર પામી શક્યું નથી. શિવ-ઉમિયાજી પણ તેનાં વખાણ કરે છે. મોટામોટા મુનિઓ પણ આ પદની આશા રાખે છે. પૂર્વની સાધના હોય અને આદિ-અનાદિના અધિકારી હોય તેઓ સદગુરુના પદનો નિવેડો લાવી શકે છે. લાખા, આપપણું - હુંપણું અંતરમાંથી ત્યાગીને ચિત્તની વૃત્તિઓ સ્થિર રાખે તે સદગુરુના પદનું રહસ્ય જાણી શકે છે. જે આ રહસ્યને જાણે તે મૂળવચનનો મહિમા સમજે છે.

હે લાખા, તમે એવા સદગુરુને પસંદ કરો કે જે તમને અભયપદ આપે, જેનાથી તમારા હરખ-શોક મટી જાય, તમારા મનની સર્વ ભ્રાંતિઓ તૂટી જાય. અંતરમાં રહેલો મેલ સાફ થાય. તમારી આશા ને તૃષ્ણા છૂટી જાય. તમારું ધ્યાન માત્ર સતગુરુમાં લાગી જાય. એટલે કે તમારું મન મરી જાય. આ મનને મારવું એ સહેલું નથી. આ મનને જીતી લેવાથી નેનુંમાં નિર્મળ નૂર વરસવા લાગે છે. આ માટે સાચા સદગુરુનું શરણું સ્વીકારવું પડે છે. ઊંડામાં ઊંડો ભેદ માત્ર ગુરુજી બતાવી શકે છે. પરંતુ જેની રહેણી–કરણી સાચી હશે તેને જ આ ભેદ સમજાશે.
(ક્રમશ :...)


0 comments


Leave comment