2.6 - સદગુરુની સાન / સતી લોયણ : જીવન અને કવન / ડૉ.નાથાલાલ ગોહિલ


સંતવાણીમાં ‘સદગુરુની સાન’ એક રહસ્યભરી પ્રક્રિયા છે. સદગુરુની કોઈ એવી ગુપ્ત સાન છે કે, એક પલમાં બહારવટિયો-પાપી જેસલ જાડેજો પીર બની જાય છે. જીવણ પરમની પ્રાપ્તિ માટે સત્તર સત્તર ગુરુ ધાર્યા છતાં અગમભેદ મળ્યો નહીં. તેને સદગુરુ ભીમસાહેબની એક સાન મળતાં –
‘અજવાળું હવે અજવાળું,
ગુરુ આજ તમ આવ્યે રે,
મારે અજવાળું રે અજવાળું.’

આ ગુરુની સાનથી રવિયો રવિસાહેબ બને છે. ભજનિક સંત-સાધુની ગુરુપરંપરામાં શિષ્યને અભિમંત્રિત પ્યાલો પિવડાવવામાં આવે છે. પડદાઓ બાંધીને એક પછી એક ખોલવાની ક્રિયા બતાવવામાં આવે છે. પ્યાલો પીધાંની સાથે કે અજ્ઞાનના પડદા ખૂલતાંની સાથે જ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે, તેમ સદગુરુની સાન મળતાં મન સ્થિર થાય છે. હર્ષ-શોકનો ભેદ ટળી જાય છે, જીવની શિવમાં ગતિ થાય છે. નુરત-સુરતનો દોર સંધાય છે ને દિવ્યપ્રકાશ નજરે આવે છે. આત્મજ્યોત જાગી જાય છે ને પળમાં પરમાત્માના દર્શન થાય છે. જે વસ્તુ પંડિત, પુરાણી, જ્ઞાની, વેદવાણી સમજાવી શકે નહીં તે સદગુરુનો શાન આાંખના પલકારામાં કહી જાય છે.
'જી રે લાખા,
સદગુરુ સાન બહુ સુખ આપે જી,
આપણાં મન તે સ્થિર કરી સ્થાપે હાં.
અકર્તાપણું આપણાં ઉરમાં દેખાડે જી,
એ તો ઝીણી રમતું રમાડે હા.'
(ક્રમશ :...)


0 comments


Leave comment