2.7 - ગુરુ-વચનમાં વિશ્વાસ / સતી લોયણ : જીવન અને કવન / ડૉ.નાથાલાલ ગોહિલ


સદગુરુના વચનમાં વિશ્વાસ હોવો જોઈએ. સદગુરુના દાસ બનીને તેમને પૂછીને પગલાં ભરવાં જોઈએ. રૂપ-રંગમાં રાચવું નહીં, ગુરુમંત્રનો જાપ જપી સતત તેનો અભ્યાસ કરવો ને ગુરુનાં વચનનો મરમ જાણી કર્મ કરવું; વિપત્ત પડે છતાં જે ગુરુવચન ન ચૂકે તેને આ ભેદ મળે.
'જી રે લાખા,
ચૌદ બ્રહ્માંડનું દુ:ખ સામટું આવે જી,
તો ય મારગ નવ મૂકે હાં.’

દુઃખ પડે તો પણ વચન ન મૂકે તેમ ક્ષણિક સુખો કે સમૃદ્ધિ મળે છતાં લલચાય નહીં. જ્યારે ગુરુના વચનમાં વિશ્વાસ બંધાઈ જાય ત્યારે સહજભાવે 'હું’ ને ‘મારું’નો ભેદ તૂટી જાય છે. આ મારું છે એ મમતા જ માયા છે. આ માયા છૂટી જાય છે. નામ-રૂપ ખોટાં જણાય છે. આ ત્રિગુણી માયાથી જગત બંધાણું છે તેની ઓળખ થઈ જાય છે. જગતના ત્રિવિધ તાપ આધિ, વ્યાધિ, ઉપાધિની કોઈ અસર થતી નથી. એટલે જ સતી લોયણ કહે છે કે :
‘સદગુરુના હુકમે તમે ચાલો જી,
તેથી મોહ-માયાનું બળ ભાંગે હા.'

ગુરુવચનથી બહાર-ભીતર રહેલા બ્રહ્મનાં દર્શન થાય છે.
હે લાખ, વાતું કરું તો કહ્યામાં ણ આવે તેવી મોટી છે એટલે જ સમરથ ગુરુને શરણે જવાનું કહું છું.
‘જી રે લાખા,
પરથમ પહેલાં નીમ લિજીએ,
આપણે નીમ લઈએ તો કંઈ કંઈ પાળીએ.’
પ્રથમ ગુરુ પાસેથી વચન મેળવી તેનું નામ લેવું જોઈએ, આ નીમને બરાબર પાળવું. ઊર્ધ્વમાં લઈ જનાર જાપ અજપાનાં જપવા હશે તો આ ગુરુ વગર ચાલશે નહીં, ગુરુના વચન વિના ભવસાગર તરાશે નહીં. આપ મટીને એક બ્રહ્મને ઓળખી અલખમાં ભળવા માટે ગુરુનો પ્રતાપ ઓળખી તેમનાં વચનમાં વિશ્વાસ રાખી નીમાધારી થવું પડશે.
(ક્રમશ :...)


0 comments


Leave comment