2.8 - માન મેલી દો / સતી લોયણ : જીવન અને કવન / ડૉ.નાથાલાલ ગોહિલ


અહમ્ છોડ્યા વિના ભક્તિ નહીં થાય. ભક્તિનાં ક્ષેત્રમાં
‘જી રે લાખા,
માન મૂકીને તમે આવો મેદાનમાં
તમે ગુરુ ચરણે શીશ નમાવો હાં.’

‘હું રાજા છું’ આ અહમ્ ચાલે નહિ. આપણું સર્વસ્વ ગુરુને ચરણે મૂકી દેવાનું છે પછી તમારું બહિર્ કે આંતરિક અસ્તિત્વ જ રહેતું નથી. ત્યાં બુદ્ધિના તર્કવાદમાં પડવા જેવું નથી. ગુરુની શરણાગતિ લઈને સદગુરુનાં વચનમાં વિશ્વાસ મૂકવાથી તમારા સંકલ્પ-વિકલ્પ છૂટી જશે. તમારો અહમ્ આપોઆપ ઓગળી જશે ને પછી તો સતગુરુનો દેશ દેખાશે.

સતગુરુના દેશમાં જવું હોય તો શૂરવીર થઈને ચાલો. આ ભક્તિમાર્ગમાં કાયરનું કામ નથી. સત્ગુરુના દેશમાં જ્યારે મોરચો મંડાશે ત્યારે કાયર તેમાં ઊભી શકશે નહીં. આ અગમદેશમાં જવા માટે પ્રથમ ભ્રમણાનો કોટ ભાંગવો પડશે, જે ભજનથી ભાંગી થાય છે. ત્રિકમ સાહેબ કહે છે તેમ –
'ગુરુમાં ગોવિંદ, ગોવિંદમાં ગુરુ,
અલખ પુરુષ એક તારા.'
ગુરુ અને ગોવિંદનું એક રૂપ તો ખરું પણ એ વિરાટ બની અખંડ બ્રહ્માંડમાં વ્યાપક બ્રહ્મ જે અલખ પુરુષ છે તેમાં વિલીન થઈ જાય છે અને મજાની વાત તો એ છે કે આ બ્રહ્માંડમાં જે વ્યાપક તત્વ છે એ જ આ ઘટભીતર દેખાય છે. લખીરામ કહે છે તેમ –
‘બેની, મુંને ભીતર સતગુરુ મળ્યા રે.’

ગુરૂમહિમા સમજાવતાં અંતે લોયણ કહે છે કે માંડ કરીને મનુષ્યદેહ મળ્યો છે તે ખોવાઈ જાય તે પહેલાં ગુરુગમથી આ જીવનનું રહસ્ય જાણી લો. ભક્તિના માર્ગે, સદગુરુની સામે, અજપા જાપે, સુરતાને શૂન્યમાં સ્થાપીને બ્રહ્મરસનો આસ્વાદ કરો. સંકલ્પ-વિકલ્પની ગાંઠ છૂટી જશે. હરિ એ જ ગુરુ અને ગુરુ એ જ હરિ નજરે આવી જશે, માટે સદગુરુ ધારો, પૂરા.
(ક્રમશ :...)


0 comments


Leave comment