2.10 - પાત્રતા / સતી લોયણ : જીવન અને કવન / ડૉ.નાથાલાલ ગોહિલ


સંતવાણીનો જ્ઞાનમાર્ગ, ભક્તિમાર્ગ કે યોગમાર્ગ તેની પાત્રતા-લાયકાત વગર પામી શકાય નહિ. પાત્રમાં સ્થિરતા, સમજ અને અગમભેદને ઝીલવાની તાકાત હોવી જોઈએ. એટલે ગંગા સતી પાનબાઈને કહે છે કે –
‘કુપાત્ર આગળ વસ્તુ ન વાવીએ ને
સમજીને રહીએ ચૂપ રે...’

ભક્તિનું રહસ્ય કુપાત્રને કહેવા જેવું નથી. જો તેની પાત્રતા હશે તો જ્ઞાનને ગ્રહણ કરી શકશે.
‘કાલર ભૂમિમાં બી મત વાવીએં હાં,
પાતર જોઈ જોઈ તમે પેખો મારા વીરા રે...’
તોરલ જેસલને સમજાવતાં કહે છે કે, ખારી જમીનમાં બીજ વાવવાથી ઊગશે નહીં તેમ સુપાત્રને જોઈ-તપાસી તેને ભક્તિનું જ્ઞાન આપજો. લોયણ લાખાને પ્રથમ લાયકાત કેળવવાનું કહે છે.
‘જી રે લાખા,
કૂડિયા કપટી લોભી ને લાલચુ જી ,
એવા જનને આ વાત ન કહીએ હાં...’

જેની ધીરજ ધરતી જેવી હોય, સુરતા આઠે પહોર હરિમાં હોય, મનની ભ્રાંતિઓ, ચિત્તના સંશયો ટળી ગયાં હોય તેને આ ગુપ્તમાં ગુપ્ત ભેદ બતાવી શકાય. અધૂરિયાને આ કહેવા જેવું નથી.
(ક્રમશ :...)


0 comments


Leave comment