2.11 - નિર્ગુણ ભક્તિ / સતી લોયણ : જીવન અને કવન / ડૉ.નાથાલાલ ગોહિલ


ભક્તિના મુખ્ય બે માર્ગ. સગુણ-સાકાર ભકિત અને નિર્ગુણ-નિરાકાર ભક્તિ. સગુણભક્તિમાં પરમાત્માનાં જુદા જુદાં સ્વરૂપ ધારી, માનીને ભાગવતી ભક્તિ કરવામાં આવે છે. આ ભક્તિમાં પરમાત્માનું શ્રવણ, કીર્તન, સ્મરણ, પૂજન, વંદન દાસભાવે, સખાભાવે આત્મનિવેદન દ્વારા કરવામાં આવે છે. જ્યારે નિર્ગુંણ ભક્તિમાં પરમાત્માને અણુએ અણુમાં વ્યાપેલા સૂક્ષ્મ રૂપધારી માનવામાં આવે છે. તેમાં બાહ્ય ક્રિયાકાંડને બદલે દેહભીતરની શુદ્ધિ દ્વારા નિર્ગુંણ પદને પામવાનું હોય છે. ટૂંકમાં ભક્તિસાધનાનાં બે સ્વરૂપો છે : બહિરંગ સાધના જે ક્રિયાપ્રધાન છે અને અંતરંગ સાધના જે અનુભૂતિપ્રધાન છે. તેમાં લોયણ લાખાને નિર્ગુંણભક્તિના માર્ગે અંતરંગ સાધના ભજનવાણી દ્વારા સમજાવે છે :
'જી રે લાખા,
પાકા થઈને આવો ઉન્મુનિમાં જી,
તમે નિર્ગુણમાં સુરતા ઠેરાવો હાં.’

ધ્યાન અલખધણીમાં લગાવીને નુરત-સુરતનો દોર સાધી પવન પલટાવવાનો છે. આ ખેલ અટપટો છે પણ ગુરુગમથી શૂન્યમંડળમાં ગેબી રમે છે તેનો ખેલ જોવાનો છે. પરંતુ આ માટે
'જી રે લાખા,
જીવદશાને દૂર કરો ને જી,
તો અનુભવનું સુખ થાશે હાં.’

જ્યાં સુધી જીવભાવ છે, આ દેહ સાથે જીવ માયાના આવરણથી લપેટાયેલો રહે છે ત્યાં સુધી આ વિદ્યા પ્રાપ્ત થતી નથી. જેના અંતરમાં કોઈ પક્ષાપક્ષી, શત્રુ કે મિત્ર નથી એને જેની સુરતા નિરંતર અલખધણીના તખત પર લાગી ગઈ છે તે નિર્ગુંણમાર્ગી છે ને નિર્ગુણપદને પામે છે.
(ક્રમશ :...)


0 comments


Leave comment