2.12 - ભક્તિભેદ / સતી લોયણ : જીવન અને કવન / ડૉ.નાથાલાલ ગોહિલ


લોયણનાં ભજનોમાં નવધાભક્તિ, ભાગવતભક્તિ, ભક્તિયોગ જેવા શબ્દો આવે છે પરંતુ શ્રીમદ્ ભાગવતમાં દર્શાવેલું નવધાભક્તિ-
‘શ્રવણં કીર્તનં વિષ્ણોઃ સ્મરણં પાદસેવનમ્
અર્ચનં વંદનં દાસ્યં સખ્યમાત્મનિવેદનમ્’
કરવાનો માર્ગ છે. જ્યારે નિજારપંથી નવધાભક્તિમાં નવ અંગની નવધાભક્તિની ગુપ્ત સાધના છે. ગંગાસતીએ દર્શાવેલ નવધાભક્તિમાં મનની સ્થિરતા, સાધુસંગત, ગુરુવચનમાં વિશ્વાસ, વચનનો વિવેક, અભયભાવ, અહમ્ છોડવો, સૂક્ષ્મસાધના, જાતિ ભાવ મટી જવો વગેરેનો સમાવેશ થાય છે. આ ભાવ દર્શાવતી અગમભેદ સમજાવતી લોયણની ભક્તિસાધના આ ભક્તિભેદરૂપે જોવા મળે છે.

લોયણ ભક્તિભેદ સમજાવતાં લાખાને કહે છે કે, દેવહુતિને કપિલમુનિએ જે જ્ઞાન આપ્યું, મૈત્રકઋષિએ વિદુરને જે યોગ બતાવ્યો જેમાં શ્વાસ ખેંચી સમાધિ ચડાવી બ્રહ્મદર્શન કરાવ્યું અને શુકદેવ તથા જનકને જે પરિપૂર્ણ ભક્તિભેદ સમજાવ્યો. તે તારે સમજવાનો છે.
'જી રે લાખા,
દશમી ભક્તિમાં પ્રેમ જગાડો જી,
ત્યારે શૂન્યમાં સુરતા લાગે હાં.’

નવધાભક્તિ પછીની સાધનાધારા એટલે દશમી ભક્તિ જેમાં સુરતાને શૂન્યમાં લગાવવાની છે. અલખપુરુષને આરાધવા માટે ક્ષણે ક્ષણે જીવનમાં જે સંકલ્પ-વિકલ્પ આવે છે તે છોડવા પડશે. મરકટ મનને કબજે કરી નિજનામમાં જોડવું પડશે. આ ચંચળ મનને સ્થિર કરવું એ ખાંડાની ધારે ખેલવા જેવું વિકટ છે. જે આ માર્ગના પૂરા અધિકારી હશે તે ચિત્તવૃત્તિઓ સ્થિર કરી નાભિકમળથી પવન પલટાવીને સુરતા શૂન્ય શિખર પર એકાગ્ર કરી ગુપ્તરસનો સ્વાદ માણી શકશે. આટલી ચર્ચા પછી પણ જ્યાં સુધી આ માર્ગનો પ્રત્યક્ષ અનુભવ-અનુભૂતિ ન થાય ત્યાં સુધી ભક્તિભેદ એક અગમ્ય રહસ્ય રહે છે.
(ક્રમશ :...)


0 comments


Leave comment