2.13 - મૂળવચનનો મહિમા / સતી લોયણ : જીવન અને કવન / ડૉ.નાથાલાલ ગોહિલ


કબીરસાહેબ, રવિસાહેબ, ભીમસાહેબ, ગંગાસતી અને સતી લોયણ પોતાની વાણીમાં મૂળવચનનો મહિમા દર્શાવે છે. વચનશક્તિ, વચનભેદનો મરમ સિદ્ધગુરુ વગર જાણી શકાય નહીં એટલે ગંગાસતી કહે છે કે –
'ચૌદ લોકથી વચન છે ન્યારું પાનબાઈ,
તમે તેની કરી લિયો ઓળખાણ.’

આ વચન ચૌદ લોકથી ન્યારું છે તેનો વિવક જે જાણે તેને બ્રહ્માદિ દેવો પાય લાગે છે. લોયણ કહે છે કે –
‘મૂળવચનનો મહિમા બહુ મોટો જી,
એને સંત વિરલા જાણે હાં.
એ વચન થકી તો બ્રહ્માએ સૃષ્ટિ રચાવી જી,
એ વચનથી પૃથ્વી ઠેરાણી રે હાં.'

વચનથી આ સૃષ્ટિનું સર્જન થયું છે. આ વચન જે જાણે તે પ્રેમરસને માણે છે. જેને આ વચનની પ્રતીતિ થઈ છે તેને ફરી આ જન્મ-મરણના ફેરામાં આવવું પડતું નથી. આદિ-અનાદિથી આ વચન ચાલ્યું આવે છે. તેને કોઈ સંત વિરલા શિરને સાટે જાણી શક્યા છે. આ વચનભેદ જે જાણે છે તેનાં નેણમાં નિર્મળ નૂર વરસે છે.

હે લાખા, બ્રહ્મમાં ભળવું હોય તો તમે હેત વધારો. તમે મનનાં પ્રપંચ મેલીને આ જગતની માયાને તૃણ બરાબર સમજી હરિની માયામાં ચિત્ત જોડો. આ માયાથી જગત બંધાણું છે. માયાને કારણે રાગદ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ, અહમ્ જાગે છે. આ માયા સાથે બંધાયેલા જીવને કાળ ભરખી જશે, માટે ગુરુવચને મનની ભ્રાંતિ ભાગીને બ્રહ્મમાં ચિત્ત જોડો.
(ક્રમશ :...)


0 comments


Leave comment