2.15 - ભક્તિયોગ / સતી લોયણ : જીવન અને કવન / ડૉ.નાથાલાલ ગોહિલ


શ્રીમદ્ ભગવદગીતાના બારમા અધ્યાયમાં ભક્તિયોગ દર્શાવેલ છે. અહીં લોયણ આ ભક્તિયોગને વાણીમાં મૂકે છે. ભક્તિ અને યોગને એકરૂપ કહે છે. બંને એકબીજામાં સમાયેલ છે.
‘યોગ ને ભક્તિની એ જુક્તિ જણાવે જી,
એ તો અધિકારી સેવકને જણાવે હાં.
યોગ વિનાની ભક્તિ કેવી છે જી,
જેવી પુરુષ વિનાની નારી હાં.’

યોગ અને ભક્તિને પુરુષ-પ્રકૃતિ, નર-નારીની એકરૂપ સ્થિતિ સાથે જોડે છે. યોગીઓ ધ્યાનયોગથી ચિત્તની એકાગ્રતા સાધી સમાધિ સિદ્ધ કરી આત્મસાક્ષાત્કાર કરે છે. ભક્તો અનન્ય ભાવથી અત્યંત અનુરાગથી પરમાત્મા સિવાય બીજું કશું છે જ નહિ એ ભાવે પરમાત્મા તરફના પ્રેમથી પરમપદને પ્રાપ્ત કરે છે. ભક્તિમાર્ગમાં પરમેશ્વર જ સર્વના કર્તા, હર્તા અને ભર્તા છે, તેને શરણે જઈને અનન્યભક્તિ વડે ધ્યાન અને ઉપાસનાથી તથા આપણી - દરેક ઇચ્છાઓ તેને ધરીને આધીન થવાથી સહેજે પરમપદ પ્રાપ્ત થાય છે.

યોગ અને ભક્તિનો સમન્વય લોયણ નર-નારી (નારાયણ-નારાયણી)ના ઐક્ય જેવો દર્શાવે છે. યોગના સર્વોત્તમ અને પ્રમાણભૂત ગ્રંથ ‘યોગસૂત્ર’માં ભગવાન પતંજલિએ જપની ભલામણ કરી છે (યો.સૂ., ૧-૨૮) અને ગીતામાં ભગવાને યોગી થવાની આજ્ઞા આપી છે (ગીતા, ૬-૪૬). શંકરાચાર્યે પણ ભક્તિસ્તોત્રો રચ્યાં છે. અહીં લોયણ ભક્તિયોગને પરસ્પર સાંકળીને તેની જુક્તિ રચી આપે છે.

અવ્યક્ત બ્રહ્મની ઉપાસના દેહધારી માટે લોઢાના ચણા, ચાવવા જેવી અને બાહુબળથી સમુદ્ર તરવા જેવી અતિશય કઠણ છે. આ માટે લોયણ લાખાને સમદર્શી થવાનું જણાવે છે. કોઈ તરફ દ્વેષ નહીં, નિરહંકારી બની નિત્ય અળગા થઈને રહેવું, ઈશ્વરની ઇચ્છાને અધીન જ સર્વતંત્ર ચાલે છે તેવી શ્રદ્ધા રાખી મનને પ્રપંચથી દૂર રાખવું, દેહનું ભાન ભૂલી માત્ર અકર્તાનાં દર્શનમાં લક્ષ રાખવું એવો ઉપદેશ આપે છે. એને એ ગ્રહણ કરશો તો નિર્વાણપદના અધિકારી થશો એમ કહે છે.
(ક્રમશ :...)


0 comments


Leave comment