2.16 - હઠયોગ / સતી લોયણ : જીવન અને કવન / ડૉ.નાથાલાલ ગોહિલ


આપણી ભજનવાણીનું એક મહત્ત્વનું અંગ યોગસાધના છે. સંતોએ પરમાત્માની ઉપાસના કરવા માટે દેહ અને મનની શુદ્ધિ માટે યોગમાર્ગનું અનુસરણ કરવાનું છે. મનને સ્થિર કરવા, ચિત્તવૃત્તિઓને ઠેકાણે લાવવા માટે સદગુરુ યોગસાધનાની ઉપાસના આપે છે. કબીર, રવિભાણ સંપ્રદાય અને મહાપંથી સંતકવિઓમાં યોગપરક ભજનવાણી જોવા મળે છે. લોયણનાં ભજનોમાં હઠયોગ, રાજયોગ અને આત્મયોગની ક્રિયાનો ક્રમિક વિકાસ થતો જોવા મળે છે.

હઠયોગ એટલે હઠપૂર્વક કરવાનો યોગ નથી. હઠયોગ એ કોઈ તાંત્રિક વિદ્યા કે ચમત્કારિક શક્તિઓની પ્રાપ્તિ માટે નથી. હઠયોગની ધારણા મુજબ, માનવશરીર ખૂબ રહસ્યપૂર્ણ છે. એ ચૈતન્ય સુધી પહોંચવાનો પુલ બની શકે તેમ છે. શરીરને સાધન બનાવી આ શરીરની રહસ્યભરી રચના દ્વારા પરમતત્ત્વ સુધી પહોંચાય છે.

હઠયોગનો અર્થ ગોરક્ષનાથ સમજાવે છે કે –
‘હકાર : કીર્તિત: સૂર્યષ્ટકારશ્વનદ્ર ઉચ્યતે,
સૂર્યચંદ્રસંયોગાત્ હઠયોગો નિવર્તતે..’
‘હકાર સૂર્ય તરીકે ઓળખાય છે અને ઠકાર ચંદ્ર કહેવાય છે. આ સૂર્ય અને ચંદ્રનો યોગ - ઐક્ય થવાને લીધે હઠયોગ કહેવાય છે. નાભિ સૂર્યનું સ્થાન અને મસ્તક ચંદ્રનું સ્થાન છે. નાભિસ્થિત પ્રાણ, સુષુમણા માર્ગે ઊર્ધ્વગમન કરીને મસ્તક સુધી પહોંચે તે ઘટનાને સૂર્ય (હકાર) અને ચંદ્ર (ઠકાર)નું મિલન ગણવામાં આવે છે.

ભજનવાણીમાં સંતોએ સૂર્ય-ચંદ્રને ઇડા-પિંગલા નાડી તરીકે ઓળખાવી છે. આ બંને નાડીઓમાં વહેતા પ્રાણને સુષુમણા નાડી માર્ગે ઊર્ધ્વગમન કરવાનો છે. આ દેહમાં આવેલી આ નાડીઓ પાંચ પ્રાણ, પાંચ ઉપપ્રાણ, સપ્ત ચક્રો, કુંડલિની અને તેનું જાગરણ કરવાની ક્રિયાને સરળ વાણીમાં રજૂ કરે છે.

સતી લોયણ યોગના અભ્યાસી માટે પ્રથમ પ્રાણયોગ શ્વાસ-ઉચ્છવાસને એક કરી તેની ગતિને સમજવાનું કહે છે.
‘પૂરક, કુંભક ને રેચક કરીએ જી,
પ્રાણવાયુ એમ ચલાવું હાં.'

પ્રાણયોગ દ્વારા ભીતરની ભ્રમણા ભાંગો, મનના મેલ ધોવાઈ જશે. ખટસહસ્ર બંકનાડીને ભેદીને શૂન્યમાં વૃત્તિ ઠેરવો, સાતમી ભૂમિકાની ગલી ઝીણી છે તેને ગુરુગમથી જાણવાની હોય છે.
'જી રે લાખા,
ઈંગલા પિંગલા સુષુમણા સાધો જી,
ચંદ્ર-સૂર્ય એક ઘેર લાવો હાં.
ઊલટા પવન એને સુલટમાં લાવો જી,
એવી રીતે એક ઘરમાં આવો હાં.'

ધ્યાનમાં બેસીને ધણીને આરાધો તો આ પ્રાણની ગતિને પલટાવી શકાય છે. આ પ્રાણને ઉલટાવવાથી ત્રિવેણીનેત્રમાં જ્યોત પ્રકાશી રહી છે તેનાં દર્શન થાય છે.

લોયણ પટ્ચક્રભેદની ગુપ્તમાં ગુપ્ત સાધના પણ ભજનવાણી દ્વારા સમજાવે છે. મેરુદંડના નીચેના છેડાથી ટોચ (મસ્તક) સુધીમાં સાત ચક્રો આવેલાં છે. સૌથી નીચે મૂલાધાર (યોનિસ્થાન), સ્વાધિષ્ઠાન (મેદદ્ર), મણિપુર (નાભિ), અનાહત (હૃદય), વિશુદ્ધ (કંઠ), આજ્ઞા (ભ્રૂમધ્ય), સહસ્ત્રાર (મસ્તક) આ ક્રમે રહેલાં છે. આ દરેક ચક્રનાં આકાર, રંગ, પાંખડીઓ, વર્ણ, ધ્યાનની રીત, જાગૃતિનાં લક્ષણો હઠયોગમાં આપેલાં છે. લોયણ આ ચક્રનાં સ્થાન અને તેની યોગક્રિયા સમજાવી પ્રાણને ઊંચે લાવી આત્મસ્વરૂપમાં ભળવાનો માર્ગ આપે છે.

ષટ્ચક્રભેદથી કુંડલિની શક્તિ જાગ્રત થાય છે. કુંડલિની શક્તિ સૌથી નીચેના મૂલાધાર ચક્રમાં ગૂંચળું વળીને સુષુપ્ત અવસ્થામાં પડેલી છે તે યૌગિક ક્રિયાથી જાગે છે ને તે સુષુમણામાર્ગે ચક્રો અને ગ્રંથિઓને ભેદતી સહસ્ત્રારમાં પહોંચે છે ત્યારે સાધક સમાધિ અવસ્થાને પામે છે.
'જી રે લાખા,
સંભળાવું ત્યાગી તમે ભજન કરો જી,
એકાંતે બેસીને આસન સાધો હાં.'

ત્રાટક મુદ્રામાં તમે ચિત્ત લગાવો અને સંકલ્પ-વિકલ્પને બાંધો. છ માસ સુધી કોઈની સાથે બોલો નહિ. નિઃશંક થઈને તમે રહો એકાંતમાં તો નુરત-સુરતનું ત્રાટક લાગી જશે. પછી સહેલાઈથી પવનને ઉલટાવી શકાશે. હે લાખા, તમે રાજા છો એ અહમ્ પણ ઓગળી જશે ને આઠે પહોર અખંડ આનંદ થશે.

આસન સિદ્ધ થયા પછી પ્રાણાયામ સિદ્ધ કરવામાં આવે છે. આસન અને પ્રાણાયામ પછી કુંડલિની જાગ્રત કરવા માટે મુદ્રાનો અભ્યાસ જરૂરી છે. આ માટે દશમુદ્રાઓ દર્શાવી છે : મહામુદ્રા, મહાબંધ, મહાવેધ, ખેચરી, ઉડ્ડિયાનબંધ, મૂલબંધ, જાલંધર બંધ, વિપરીત કરણી, વજ્રોલી અને શક્તિ ચાલન. કુંડલિની નાભિમાંથી જાગે ત્યારે આ બંધની ક્રિયા લોયણ સમજાવે છે.
‘બંધ ત્યાં ત્રણ બંધાઈ રહે છે જી,
મૂળ ઉડ્ડિઆ જલંધર ફાવે હાં...’
ઉડ્ડિયનબંધ, મૂલબંધ અને જાલંધર બંધ મુદ્રાના બંધ આપે છે પરંતુ આ માટે જાગ્રત ગુરુનું માર્ગદર્શન અનિવાર્ય છે.

આસન, પ્રાણાયામ, મુદ્રા પછી હઠયોગનું અંતિમ અંગ સમાધિ છે. હઠયોગ પ્રદીપિકા-કાર સમાધિના બે પ્રકારો વર્ણવે છે એટલે જેમ મીઠાનો ગાંગડો પાણીમાં ભળીને પાણીમય થઈ જાય તેમ આત્મા અને મનની તે એકતાને (સંપ્રજ્ઞાત) સમાધિ કહે છે. અસંપ્રજ્ઞાત સમાધિ એટલે જીવાત્મા અને પરમાત્માનું ઐક્ય સધાય છે. સર્વ સંકલ્પો નાશ પામે છે તે અસંપ્રજ્ઞાત સમાધિ.

લોયણ લાખાને બે પ્રકારની સમાધિ સમજાવે છે. પ્રથમ સમાધિમાં પવન નાભિમાં સમાવી સુરતા શૂન્યમાં લગાવી પરમ તેજ-જ્યોતમાં એકરૂપ થવાનું છે. બીજી સમાધિમાં પંચમ પડદો ખોલી, બંકનાળે પવન ચડાવી, ષટ્ચક્ર જીતી દ્વાદશ પર જઈને શૂન્ય સમાધિરૂપ થવાનું છે. જ્યારે આ શૂન્ય સમાધિ લાગે ત્યારે ગુરુકુંચી બતાવે છે જેનાથી જનમમરણ મટી જાય છે, ને આત્મા પરમાત્મામાં - પરમ જ્યોતિમાં સમાઈ જાય છે.
(ક્રમશ :...)


0 comments


Leave comment