2.17 - અષ્ટાંગયોગ / સતી લોયણ : જીવન અને કવન / ડૉ.નાથાલાલ ગોહિલ


અષ્ટાંગયોગની સાધના એ જ રાજયોગ છે. ચિત્તવૃત્તિઓનો નિરોધ કરી સાધક સમાધિ અવસ્થામાં પહોંચે છે ને અંતે યોગી કૈવલ્યપ્રાપ્તિ કરે છે. આ અષ્ટાંગ યોગમાર્ગ માટે યોગસૂત્રમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ આઠ અંગો કહ્યાં છે. રાજયોગની સાધનાપદ્ધતિમાં આઠ અંગો હોવાથી તેને અષ્ટાંગ યોગ કહે છે.

લોયણ હઠયોગને કઠણ સાધનાવાળો માર્ગ કહે છે. ભક્તો માટે સરળ અષ્ટાંગયોગ છે. ગુરુકૃપાએ તે સાધ્ય છે. આ માર્ગે કુંડલિની જાગ્રત કરી સહજ સમાધિ સુધી સાધક પહોંચી શકે છે. આ માટે મનની ચંચળ વૃત્તિઓને સ્થિર કરવી પડે છે.
'જી રે લાખા,
ચિત્ત સંવેદ એને નવ વ્યાપે જી,
જેને મળિયા અખંડ અજિતરાયા હાં.’

દરેક વ્યક્તિનું સમગ્ર વર્તન ચિત્તને આધારે ચાલે છે. વર્તનના મૂળમાં ચિત્ત છે. આપણી દરેક પ્રવૃત્તિઓના મૂળમાં ચિત્ત છે. ચિત્ત જે અનેકવિધ ગતિ કરે છે, સ્વરૂપો ધારણ કરે છે કે વર્તન કરે છે તેને વૃત્તિ કહે છે. આ ચિત્તવૃતિઓ અસંખ્ય છે તેને સ્થિર કરવાનો આ માર્ગ છે.

જો મૂળ સ્વરૂપમાં ચિત્ત જોડી દીધું તેને દરેક નરનારી રામ રૂપે જુએ છે. પછી જાતિ, ભાતિ, વર્ણાશ્રમના ભેદ રહેતા નથી. જીવન મુક્ત દશા આવી જાય છે. આઠે પહોર હરિની ધૂળ લાગી જતાં –
‘બ્રહ્માકારે સર્વ જગ ભાસે જી,
એ તો અકર્તા માંહે ભળશે હાં.’

સર્વ જગત બ્રહ્મમય બની જાય છે. સંત સુહાગી પૂરા નર મળે તો કેવળ બ્રહ્મરસમાં રાચી શકાય છે. લોયણ આ અવસ્થાને વિદેહમુક્ત દશા કહે છે.
‘જન્મમરણની બેડી તેની તોડો જી,
એ તો વિદેહ-મુક્ત કહાવે હાં.’

પોતે જ પોતાનામાં વિલસી રહે છે. સત્ય વસ્તુમાં ધ્યાન જતાં અંતરપડદા ખૂલી જાય છે. બધી ભ્રમણાઓનો અંત આવે છે. પ્રપંચની ફાંસી ફૂટી જાય છે. આ પ્રકારની સ્થિતિવાળાઓને લોયણ ભજનવાણીમાં બ્રહ્મનિષ્ઠ યોગી, અનાદિયોગી, ખરા યોગી તરીકે ઓળખાવે છે.

અખંડધણીની ઓળખ માટે સાધુવૃત્તિ ધારણ કરવી જોઈએ. લોયણ ભજનવાણીમાં વૈરાગીનાં લક્ષણો સમજાવે છે. વિષયભોગ ત્યાગવો, વચન પ્રમાણે ચાલવું, ચૌદ લોકને તૃણ સમાન ગણવાં, વૈભવસુખ ઉરમાં ન આણવું, પક્ષાપક્ષી ન રાખવા, ઇન્દ્રિયો જીતવી, અડગ રહેવું, ધીરજ રાખવી, હૃદયમાં દયા ધરવી અને સમદર્શી થવું - આ દશ ગુણોવાળા વૈરાગીને યોગની ક્રિયાઓ સહજસાધ્ય છે. લોયણ યોગની બાર ક્રિયાઓ ગણાવે છે. પહેલી અને બીજી ક્રિયા ગુરુવચન અને તેમાં વિશ્વાસ જાણો. ત્રીજી ક્રિયા બ્રહ્મચર્ય, ચોથી અમીરસ ચાખો, પાંચમી ઇન્દ્રિયો જીતો, છઠ્ઠી પવન સ્થંભાવો, સાતમી મનને જીતો, આઠમી વાણી નિયમમાં લાવો, નવમી સુરતાને સાધો, દશમી મૂળને બાંધો, અગિયારમી ચંદ્ર-સૂરજને જાણો. બારમી પ્રેમને જગાડો. આ બાર ક્રિયા જે જાણે છે તેને ભવના ફેરા રહેતા નથી.

લોયણ લાખાને ખાનપાનના નિયમો પણ સમજાવે છે. ભક્ત-સાધકે સાત્વિક આહાર લેવો જોઈએ.
'લુણ મરચું ઉષ્ણ ભોજન છે જી,
તે તો તામસી આહાર કહાવે હાં.
ઠંડું ને ગળ્યું જો જમે અભ્યાસી જી,
તે રજોગુણી આહાર કહાવે હાં.
દૂધ ઘી ચોખા મગ જેવા પદાર્થો જી,
એ તો સાત્વિક આહાર કહાવે હાં.’

જેને યોગના અભ્યાસી થવું છે તેણે અંત:કરણ શુદ્ધ કરવું પડે છે ને તેના માટે સાત્વિક આહાર લેવો જોઈએ.

લોયણ ભજનવાણીમાં સાંખ્યમતનો ઉલ્લેખ પણ કરે છે. સાંખ્ય દ્વૈતવાદી દર્શન છે. પુરુષ અને પ્રકૃતિના સંયોગથી આ સમગ્ર જગતનો પ્રસારો થયો છે એમ એ કહે છે. લોયણ ભજનવાણીમાં આ પચીસ તત્વોને સ્વીકારી તે તત્વોની વિશદ ચર્ચા કરે છે. ૧ પ્રકૃતિ ર. મહત્ ૩. અહંકાર ૪. પાંચ જ્ઞાનેન્દ્રિયો (ચક્ષુ, શ્રોત્ર, ધ્રાણ, રસના, સ્પર્શ) ૯. પાંચ કર્મન્દ્રિયો (વાક્, હાથ, પગ, ગુદા, જનનેન્દ્રિય) ૧૪. મન, ૧૫. પાંચ તન્માત્રાઓ (શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ) ર૦. પાંચ મહાભૂતો (પૃથ્વી, પાણી, તેજ, વાયુ, આકાશ) રપ. પુરુષ,
'જી રે લાખા,
કારણ ને કાર્યથી જગત બંધાણું જી,
એનું નામ છે મૂળ માયા રે હાં.
પંચભૂત ત્રિગુણી માયાથી પ્રગટયા જી,
જેને ચૌદ લોકમાં છાયાં રે હાં,
તમોગુણથી આ સૃષ્ટિ રચાણી જી,
રજોગુણે દશ ઇન્દ્રી દ્વારા રે હાં...'

હે લાખા, કારણ ને કાર્યથી આ જગત બંધાણું છે ને એ જ મૂળ માયા છે. સત્વ, રજસ્ અને તમસ્ એ ત્રણ ગુણો સુખાત્મક, દુઃખાત્મક અને મોહાત્મક ભાવ જગાડે છે. અવિદ્યાને કારણે આપણે જ પોતાને કર્તા, ભોક્તા માનીએ છીએ. આ અવિદ્યારૂપી ભ્રાંતિ કોઈ પૂરા યોગી હોય તે જાણે છે. જો તેવા ગુરુને શરણે શીશ નમાવો તો બ્રહ્મના સુખને માણો.

લોયણ પ્રથમ બહિરંગ યોગની સાન આપે છે. યમ, નિયમ, આાસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર આ પાંચ અંગો બહિરંગ યોગસાધનાનાં છે. તે પછી એ કહે છે કે –
‘બહારની ક્રિયા મેં તમને બતાવી જી,
હવે અંતરક્રિયા કહી બતાવું રે.
ભટકેલ મન છે ઘણાયે જન્મનું જી,
એને સ્થિર કરીને સ્થાપું રે હાં.
એક ધારણા ને બીજું ધ્યાન જી,
ત્રીજે સમાધિ કહાવે રે હાં.
ચોથી ક્રિયા અંતર્મુખ કહી છે જી,
એને જાણે વિરલા યોગી રે હાં.'

બહારની ક્રિયા મેં તમને બતાવી. હવે અંતરની ક્રિયા અંતરંગયોગ ધારણા, ધ્યાન અને સમાધિ દ્વારા અંતર્મુખ થવાનું સમજાવું છું. ધારણા એટલે ચિત્તનું કોઈ એક દેશવિશેષમાં એકાગ્ર થવું જે વસ્તુમાં તમે એકાગ્ર થયા હો તેમાં ચિત્તની ગતિ એકધારી વહ્યા કરે તે અવસ્થાને ધ્યાન કહે છે. ધ્યાન સ્થિર થતાં તમને પોતાનું ભાન શૂન્ય જેવું થઈ જાય તે અવસ્થાને સમાધિ કહે છે. આ અવસ્થાને સુરતા શૂન્યમાં બંધાણી એમ કહી શકાય. અક્ષર બાવન બહારની આ રમત ગુરુગમ વિના સમજાશે નહીં. લોયણ આ અગમખેલ સહજ સમજાવે છે.
(ક્રમશ :...)


0 comments


Leave comment