2.19 - જનક-ગુરુઅષ્ટાવક સંવાદ / સતી લોયણ : જીવન અને કવન / ડૉ.નાથાલાલ ગોહિલ


લોયણ લાખાને ઉપદેશ આપે છે ત્યારે આત્મજ્ઞાન જેવો ગહન વિષય સમજાવવા માટે જનક-ગુરુ અષ્ટાવક્રનો સંવાદ ભજનરૂપે મૂક્યો છે. અષ્ટાવક્રની આ કથા મહાભારતના વનપર્વમાં આવેલી છે જે અષ્ટાવક ગીતારૂપે પણ પ્રગટ થયેલી છે.

આખ્યાનમાં જેમ ધાર્મિક કથા કડવામાં કહેવામાં આવે તેમ અહીં અગિયાર ભજનરચનાઓમાં કથારસ સાથે આત્મજ્ઞાન સમજાવેલ છે.

અષ્ટાવક્ર જનકરાજાની-વિદ્વાનોની સભામાં ગયા ત્યારે તેમનાં અંગોને જોઈ સભાજનો હસે છે. ત્યારે અષ્ટાવક કહે છે કે - હે રાજા જનક, તારી સભામાં કોઈ બ્રાહ્મણ નથી. બધા જ ચમાર છે જે મારાં બાહ્ય અંગોની ચામડીને જ જુએ છે. આ સભામાં જીવ-આત્મા, ત્રણ ગુણ, કર્તા-ભોક્તા, પંચ મહાભૂત, પંચ જ્ઞાનેંદ્રિય, મન, પાંચ કર્મેન્દ્રિય, પ્રણયમંત્ર અને અદ્વૈતબ્રહ્મની ચર્ચા દ્વારા અગમભેદ સમજાવે છે. આ દરેક બાબત લોયણ, લાખાને સમજાવી આત્મજ્ઞાન આપે છે.

અષ્ટાવક્રઋષિ પાસે જનકરાજા પાય લાગીને પ્રશ્ન પૂછવાની ઇચ્છા કરે છે. પરંતુ ગુરુની આજ્ઞા વગર શિષ્યથી બોલાય નહીં. ગુરુ આદેશ આપે ત્યારે જ બોલી શકાય ને તે પ્રમાણે જનકરાજા ગુરુ અષ્ટાવક્રની આજ્ઞા થતાં આત્મજ્ઞાન વિશે પ્રશ્ન પૂછે છે.
'જી રે જનક, આત્મા તો સાદ અખંડ એક છે જી,
અજ્ઞાને જીવ ભાસ્યો હાં.
ખટપટ મેલી ધ્યાન ધ્યેયમાં ધરાવે જી,
ત્યારે લક્ષ દૃષ્ટિમાં આવે હાં.’

આત્મજ્ઞાન માટે ઘણા જન્મથી ભટકેલ મનને દૃઢ કરી સ્થિર કરવું પડે છે. વિષયવાસનાઓથી મુક્ત બની ચિત્તની વૃત્તિઓ શાંત કરવી પડે છે. પ્રપંચી માયા અનાદિકાળથી જોડાયેલી છે તેનાથી મુક્ત થવું પડે છે. માયાનું આ આવરણ તૂટી જતાં સ્ત્રી-પુરુષના ભેદ રહેતા નથી. દેહ હોવા છતાં જનક વિદેહી બની જવાય છે. ઘટમાં રહેલા આત્માનો સાક્ષાત્કાર પળમાં થઈ જાય છે.
‘જી રે લાખા, વિહંગ મતિ જનકની મટી છે જી,
ત્યારે તુરત કરાવી સમાધિ હાં.’

મનની વૃત્તિઓ વિહંગ બની ઊડતી હતી તે સ્થિર બની જતાં સમાધિસુખ પ્રાપ્ત થાય છે. પરમ આનંદનો અનુભવ થાય છે.
(ક્રમશ :...)


0 comments


Leave comment