2.20 - રાણીને લોયણનો ગુરુબોધ / સતી લોયણ : જીવન અને કવન / ડૉ.નાથાલાલ ગોહિલ


લાખો આટકોટનો રાજવી હતો. તેની રાણીનું નામ સુરજા હતું. રાણીને ખબર પડી કે લાખો વૈરાગી બન્યો છે ત્યારે તે લોયણ પાસે આવી પોતાના મનના સંશયો જણાવે છે. રાણીને લોયણ ગુરુબોધ બાર ભજનો દ્વારા આપે છે.

રાણીને સતગુરુનો મારગ બતાવી, ગુરુવચન પ્રમાણે એકાંતે બેસી અલખ આરાધવાની શીખ આપે છે. મનને સ્થિર કરી, સંકલ્પવિકલ્પ છોડી, કર્મ અને અકર્મ બ્રહ્માગ્નિમાં હોમી, ચક્રભેદની ગતિ કરી બ્રહ્મમાં ભળવાની રીત સમજાવે છે :
‘જી રે રાણી, પ્રપંચ મેલી તમે અલખ આરાધો જી,
તમે ભટકેલ મનને વારો હાં.’

અનેક પ્રકારના પ્રપંચો હોય છે તે છોડીને ભટકેલ મનને સ્થિર કરો. અવિદ્યાના ડાઘ અંતરમાંથી ટાળો, મોહ-મમતાને મારો. ઊંચપણું - હું રાણી છું એ અહમને પણ અંતરમાંથી કાઢી નાખો અને પ્રેમભક્તિ કરો. મોહ-મમતાને દૂર કરવા અભેદદૃષ્ટિ શીખવે છે. શુદ્ધસ્વરૂપમાં લક્ષ રાખવા માટે ધ્યેય, ધ્યાતા અને ધ્યાન સમજાવે છે. અખંડ ધ્વનિની વાત કરે છે. ઉન્મુનિ અવસ્થા જણાવે છે. પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી એ ચાર વાણીનો ખ્યાલ આપે છે. સ્થૂળ, સૂક્ષ્મ, કારણ એ તણ દેહ કહી સમજાવે છે. દ્વૈતભાવ તજીને અખંડ સુખમાં મનમસ્ત થવાનું જણાવે છે.

જ્યાં નથી થાપ કે ઉથાપ, એવા અક્ષરાતીત અખંડ બ્રહ્મ છે. મોટી દશાવાળા યોગીની વાત કરે છે ને અંતે કૈવલ્યરસના ભોગી બનાવે છે. રાણીને પછી આ સંસાર સ્વપ્નવત્ જણાય છે. બ્રહ્મરસ સામે રાજ્યસુખનો સ્વાદ ફિક્કો લાગે છે. રાણીને પલકમાં સમાધિસુખ મળ્યું. સુરતા શૂન્યમાં લાગી, વિષયવાસના વામી ગઈ. તુરિયાવસ્થા પ્રાપ્ત થઈ ને સાતમી ભૂમિકા ભાળી. રાણીને સમાધિમાં અખંડ લીલાનાં દર્શન થયાં. "હે લોયણ, તમે જે સુખ કહેતા હતાં તેમાં ક્યાંય ખામી નથી. અખંડ પરમાત્માને શૂન્યમાં ભાળ્યા, ઘટોઘટ અંતર્યામી જોયા.” લોયણ કહે છે કે : “જો તમે કહો છો તેમ હોય તો ચૂપ થઈ જજો. આઠે પહોર ચિત્તને એ દિશામાં રાખજો. કાયમી ઉન્મુનિ દશા રહેશે.”
'જી રે રાણી, શુદ્ધ સ્વરૂપમાં જેનું લક્ષ લાગ્યું જી,
તેને કેવળપદ દૃષ્ટિએ આવે રે હાં.’
જીવનમુક્ત યોગીને અવિનાશી પદ પ્રાપ્ત થાય છે.’
(ક્રમશ :...)


0 comments


Leave comment