2.22 - ભાષાકર્મ / સતી લોયણ : જીવન અને કવન / ડૉ.નાથાલાલ ગોહિલ


સંતવાણીની રચનાઓ ભાષાકર્મને ધ્યાનમાં રાખીને સંતોએ કરી નથી. સંતોને જે ભાવદર્શન થયું તે પોતાના સહજ શબ્દો દ્વારા અભિવ્યક્ત કરેલ છે. લોયણનાં ભજનોની સૌથી ધ્યાનપાત્ર બાબત એ છે કે તેમાં સંવાદની પદ્ધતિ રહેલી છે. લાખાને જ્યાં શંકા જાગે ત્યાં પ્રશ્ન પૂછે છે ને તેનો જવાબ લોયણ આપે છે. દરેક ભજનનો એક જ પ્રકારનો લય અને ઢાળ રહ્યો છે. રાણીને ગુરુબોધ અને જનક-ગુરુઅષ્ટાવક્ર સંવાદમાં આ લય અને ઢાળ છે. આ ભજનોને આખ્યાનરૂપે રજૂ કરવાં હોય તો કરી શકાય તેવી ક્ષમતા છે.

લોયણનાં ભજનોમાં વેદ, ઉપનિષદ, ગીતા, ભાગવત, સાંખ્યદર્શન અને દરેક પ્રકારના યોગને વિગતે સમજાવેલ છે ત્યારે લોયણ સામાન્ય લુહારની દીકરી હોય તેમ જણાતું નથી. તેમણે શાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય તેવું જણાય છે. અથવા તો ગુરુબોધ દ્વારા આ બધી ચાવીઓ પ્રાપ્ત થઈ હોય તેમ જણાય છે.

કેટલાંક ભજનોમાં એક જ ભાવની પંક્તિઓ વારંવાર આવ્યા કરે છે. કેટલાક શબ્દો લોયણના ન હોય તેવા ભારે જણાય છે. દા.ત. ચિંતવન, અધિભૂત, દૃઢાભાસ, અવ્યાકૃત, અધિદેવ વગેરે. શક્ય છે કે આવા શબ્દો પાછળથી ઉમેરાયા હોય. ગમે તે હોય, લોયણ મરમી સંત સતી અને યોગસાધનામાં પારંગત જણાય છે. યોગસાધનાનો ક્રમિક વિકાસ એ તેમનાં ભજનાનુ સૌથી મોટું પ્રદાન છે.

અંતમાં –
'જી રે લાખા,
ધન્ય તને ને રાણીને પણ ધન્ય છે જી,
તમે આત્મસ્વરૂપને વળગો હાં.
સમજીને મનમાં ચૂપ થઈ રહેજો જી,
અધૂરાંને કદી નવ કહેજો હાં.
શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
આત્માનંદમાં સદાયે રહેજો હાં.’
* * *


0 comments


Leave comment