1.1.1 - બોત રે કઠણ છે / સતી લોયણ


જી રે લાખા કુંવારી કન્યાનાં તમે હેરણાં હેરો છો જી,
પારકા શબદ હૈયે ધરો છો હાં...
જી રે લાખા ભગતિનો મારગ બોત રે કઠણ છે જી,
તમે કેણી વધ ભવજળ તરશો હાં...

જી રે લાખા મોટા મોટા રાજા મિતરૂ તમારા એ જી,
ટાળા દૈ દૈને ટળશે હાં...
જી રે લાખા સઘળું કુટુંબ જ્યારે કે'વા મળશે એ જી,
પછી છોરુડાં કોને ઘરે વરશે હાં...

જી રે લોયણ મોટા રે રાજાની અમે મિતરાઉ તજશું રે જી,
એમાં સઘળું કુટુંબ શું કરશે હાં...
જી રે લોયણ અમારા છોરુ ત્યારે રુખી ઘેરે વરશે એ જી,
તે તો ધ્યાન રે પ્રભુ કેરું ધરશે હાં...

જી રે લોયણ મુગતિનો મારગ અમને બતાવો જી,
અમે સે’જે રે ભવસાગર તરીઇ હાં...
જી રે લાખા તમારા મોલુંમાં અત્તર મે’કે એ જી,
એમાં ભભૂતિવાળાં કેમ ભળશે હાં...

જી રે લાખા તમારા મોલુંમાં સીરખ તળાયું જી,
એમાં સાધુડાં હુલાશ્યું કરશે હાં...
જી રે લોયણ મેડી રે મોલાતું મારે મનથી છે ખોટાં એ જી,
અંતર આકારજ કરશે હાં...

જી રે લોયણ સીરખ તળાયું મારે સંગે નૈ ચાલે એ જી,
કોક દી સાધુ મારી મુગતિ કરશે હાં...
જી રે લાખા દેશી પરદેશી જ્યારે સાધુ આંઈ આવે એ જી,
એને એકાતાર કરવો પડશે. હાં...

જી રે લાખા શીષ રે ઉતારી જ્યારે ધરણી પર ધરશો એ જી,
ત્યારે તમને સાયબો મળશે હાં...
જી રે લાખા મોટી મોટી વાતું તમે મુખેથી કરો છો એ જી,
પાળવી કઠણ બહુ પડશે હાં...

જી રે લાખા રાજની રીત્યું તમને સોઇલી પડશે એ જી,
ભગતિ દોયલી પડશે હાં...
જી રે લાખા જૂનો રે ધરમ છે અનાદિ એ જી,
એને શિવ સનકાદિક માને હાં...

જી રે લાખો શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
આપણો મુગતિનો મારગ ઈ છે હાં...


0 comments


Leave comment