1.1.2 - કઠિન પંથ / સતી લોયણ


(પાઠ ફેર)

જી રે લાખા તારું રાજ છે તારા અરજાંગે જી,
તારા મિતરુ સાંભળશે તો બળશે હાં...
જી રે લાખા શીશ ઉતારી ધરણી પર ધરશોજી,
ત્યારે સતગુરુ અમર કરશે હાં...

જી રે લાખા મોટા મોટા રાજા છે મિત્રો તમારા જી,
તે તે ટાળો દઈ દઈ તરશે હાં...
જી રે લાખા સગાં રે કુટુંબ તેને કે'વા મળશે જી,
તારાં છોરું કેણી પેરે વરશે હાં...

જી રે લોયણ રાજનીતિનો વખત નથી મારે જી,
અને કુળ રે કુટુંબ શું કરશે હાં...
જી રે લોયણ મારા છોરું રૂખી ઘેર વરશે જી,
એ તો ધ્યાન હરિનું ધરશે હાં...

જી રે લાખા તારા મહેલમાં રંભા જેવી રાણી જી,
ત્યાં સાધુ વિલાસો કરશે હાં...
જી રે લાખા તારા મહેલમાં અત્તર મ્હેકે જી,
ત્યાં ભભૂતિવાળા કેમ ભળશે હાં...

જી રે લાખા નિજીયા ધર્મની ખબર નથી તમને જી,
એણે કોઈ ઋષિ આચારજ જાણે હાં....
જી રે લાખા એ પદ જોગી શિવજી જાણે જી,
એનો રસ ઉમિયાદેવી માણે હાં...

જી રે લાખા માન વડાઈ ને મોટપ મેલો જી,
ત્યારે અંતર ગાંઠો ગળશે હાં....
જી રે લાખ શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
મારા સતગુરુ એણી પેર મળશે હાં...


0 comments


Leave comment