1.1.3 - અબળા એમ ભણે / સતી લોયણ


જી રે લાખા અબળા લોયણ તમને એમ ભણે રે જી,
કુંચીયું છે માલમ ગુરુને હાથ લા.....ખા,
ગુરુજી સાથે તો તાળા ઊઘડે રે જી.

જી રે લાખા અમર આંબો જ્યારે રોપિયો રે જી,
એનાં થડ તો પૂગ્યાં છે પિયાળ લા... ખા,
સાખું સરગાપુર પૂગિયું ને વેડનારો છે હુશિયાર.

જી રે લાખા ખૂંદી ખમે માતા પ્રથમી ને વાઢી રે ખમે વનરાઈ,
કઠણ વચન ઓલ્યાં સાધુડાં ખમે ને,
નીર તો સાયરમાં રે સમાય લા...ખા.

જી રે લાખા સૂરજ સમો નહિ ચાંદલો ને ધરણી સમો નહિ આભ,
ગુરુ રે સમો નહિ ચેલકો રે,
જેણે મૂળગો ગુમાવ્યો છે લા’વ લા...ખા.

જી રે લાખા દૂધે ભરી તળાવડી રે, જેની મોતીડે બાંધેલી છે પાળ,
સુગરાં હશે રે ઈ ભરી ભરી પીશે ને
નુગરા પિયાસા જાય લા.... ખા.

જી રે લાખા કાશી રે નગરના ઘાટમાં રે
લખ રે આવે ને લખ જાય,
સાધુ રે જનનો સંદેશડો
ખુલાસે કહ્યો નવ જાય લા... ખા.

જી રે લાખા લાખુંની ઓરગત લાખો વોરતો,
કરતો હીરાહુંદા મૂલ લા. . . ખા
કરિયા ચૂકયો ને થિયો કોઢિયો,
લાખો થિયો છે કોડીને રે મૂલ લા. . . ખા.

જી રે લાખા બાર બાર વરસે ગુરુ આવિયા રે
લેવા રે લાખાની સંભાળ લા. . . ખા
હાથ તે અડવા ને કાયા સોનાની રે
લાખો થિયો છે કંચનને રે તોલ લા. . . ખા.

જી રે લાખા સોનું જાણીને રે તને સેવિયો રે
કરમે નીવડ્યું છે કથીર લા. . . ખા
શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં,
સાધુનાં ચરણમાં દેજો વાસ લા. . . ખા.


0 comments


Leave comment