1.1.4 - નિજીયા ધરમ / સતી લોયણ


જી રે લાખા ઋષિ વૈશંપાયન મારકુંડને પૂછે જી,
નિજીયા ધરમ એવું શું છે હાં...
જી રે લાખા આદિ અનાદિનો ધર્મ છે જૂનો જી,
માર્ગ મુક્તિનો એ છે હાં...

જી રે લાખા શિવશક્તિ મળીને ધર્મ ચલાવે જી,
પછી નેણથી સૃષ્ટિને રચાવી હાં...
જી રે લાખા એ રે ધરમને કોઈ જાણે વિવેકી જી,
જેને ભક્તિ હૃદયમાં ભાવી હાં...

જી રે લાખા શ્વાસ-ઉચ્છવાસ જાપ જેને જડિયાજી,
તો નિદ્રા કેણી પેરે કરશે. હાં...
જી રે લાખા પાંચ તત્વને કોરે મૂકીને જી,
એ તો જઈ અવિનાશીમાં ભળશે હાં...

જી રે લાખા શ્વાસ જોને શિવ, ઉચ્છવાસ જોને શક્તિ જી,
એની જુક્તિ કોઈ વિરલા જાણે હાં...
જી રે લાખા નુરત-સુરતમાં કોઈ જપે રે અજપા જી,
એ તો બ્રહ્મના સુખને માણે હાં...

જી રે લાખા આ ધરમને શિવજી વખાણે જી,
જે સમજે તે મત ના તાણે હાં...
જી રે લાખા શેલર્ષીની ચેલી સતિ લોયણ બોલ્યાં જી,
તે ચાલે ગુરુના વચન પ્રમાણે જી હાં...


0 comments


Leave comment