1.2.1 - પ્રથમ સદગુરુના પાય પૂજીને જી / સતી લોયણ


જી રે લાખા પ્રથમ સદગુરુના પાય પૂજીને જી,
તમે મનવાંછિત ફળ માગો રે હાં...
જી રે લાખા હાણને લાભ તમે મેલી દિયો ને જી,
તમે મોહનિદ્રામાંથી જાગો રે હાં...

જી રે લાખા માન મેલી ગુરુને ચરણે નમીએ જી,
તમે મન ગુરુને અરપો રે હાં...
જી રે લાખા હરિને જાણવાનો એક જ મારગ છે જી
એનું છે તે એને લઈને સોંપો રે હાં...

જી રે લાખા અનભે ભક્તિની ઇચ્છા કરો તો જી,
તમે સતગુરુજીને શીશ નમાવો રે હાં...
જી રે લાખા માંડ કરીને તમને મનુષ્યદેહ મળિયો જી,
ફરી અવસર નહિ આવે આવો રે હાં...

જી રે લાખા મન-કર્મ-વચને કરી સદગુરુને સેવો જી,
પ્રેમભક્તિના અનુભવ લેવા રે હાં...
જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
માથે ધારો સદગુરુ દેવ પૂરા રે હાં...


0 comments


Leave comment