1.2.2 - સદગુરુનો મહિમા / સતી લોયણ


જી રે લાખા સદગુરુના પદનો કોઈ પાર ન પામે જી,
જેને શિવ-ઉમિયાજી વખાણે રે હાં...
જી રે લાખા મોટામોટા મુનિ જેની આશા કરે છે જી,
તે પદ અનુભવે ઉરમાં આવે રે હાં...

જી રે લાખા બ્રહ્માના પુત્ર સનકાદિક જેવા જી,
તેણે હંસને ગુરુજી કીધા રે હાં...
જી રે લાખા હંસના મુખેથી ઉપદેશ લઈને જી,
એણે મુક્તિનો મારગ લીધો રે હાં...

જી રે લાખા શૂરવીર થઈને જે વચને ચાલે જી,
તે તો સદગુરુનો મહિમા જાણે રે હાં...
જી રે લાખા માન અંતરમાંથી મેલી કરીને જી,
અને વચન પ્રમાણે વરતે રે હાં...

જી રે લાખા એવા અધિકારી જેને આવરણ ના આવે જી,
એ તો રહેણીકરણીના પૂરા રે હાં...
જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
તેને સદગુરુ વચન સમજાવે રે હાં...


0 comments


Leave comment